હિંમતનગરમાં પરફેક્ટ સ્કૂલના 72 વિદ્યાર્થીઓ સન્માનિત:સાંસદ અને પોલીસ વડાના હસ્તે પ્રતિભા સમારોહ યોજાયો

Gujarat5/12/2026, 12:46:38 PM
હિંમતનગરમાં પરફેક્ટ સ્કૂલના 72 વિદ્યાર્થીઓ સન્માનિત:સાંસદ અને પોલીસ વડાના હસ્તે પ્રતિભા સમારોહ યોજાયો
હિંમતનગરના ડૉ. નલિનકાંત ગાંધી ટાઉનહોલ ખાતે મંગળવારે પરફેક્ટ સ્કૂલ દ્વારા પ્રતિભા સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર 72 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા અને જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. સન્માનિત થયેલા 72 વિદ્યાર્થીઓમાં ધોરણ 12 સાયન્સમાં 95 પર્સેન્ટાઈલથી વધુ ગુણ મેળવનાર 11 વિદ્યાર્થીઓ, ધોરણ 12 કોમર્સમાં 95 પર્સેન્ટાઈલથી વધુ ગુણ મેળવનાર 4 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગુજકેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં 100થી વધુ ગુણ લાવનાર 9 વિદ્યાર્થીઓ, ધોરણ 10માં A1 ગ્રેડ મેળવનાર 30 વિદ્યાર્થીઓ અને 100માંથી 100 ગુણ લાવનાર ધોરણ 10ના 16 તથા ધોરણ 12 કોમર્સના 2 મળી કુલ 18 વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું હતું. પ્રતિભા સન્માન સમારોહનો પ્રારંભ દીપપ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે થયો હતો. પરફેક્ટ સ્કૂલના ટ્રસ્ટી બ્રિજેશભાઈ પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી સંસ્થાનો પરિચય આપ્યો હતો અને સ્કૂલની સફળતા વિશે ટૂંકી માહિતી રજૂ કરી હતી. સાંસદ શોભનાબેન બારૈયાએ સફળ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી શિક્ષકોની મહેનતને બિરદાવી હતી. તેમણે અસફળ રહેલા વિદ્યાર્થીઓને પણ હિંમત રાખી મહેનત ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે વિદ્યાર્થીઓને સમય સાથે ચાલવા, યોગ્ય માર્ગદર્શન અને સખત મહેનતથી સફળતા મેળવવા સંદેશ આપ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવીએ ઓછા પરિણામ બાદ પણ ક્લાસ-1 અધિકારી બની શકાય છે તેવી પ્રેરણાદાયક વાત કરી હતી. આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, માઈકૃપા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, વરિષ્ઠ પીડિયાટ્રિશિયન ડો. વી.એ. ગોપલાણી, સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ઉમિયા પરિવારના મહામંત્રી રામભાઈ પટેલ, કન્વીનર શાંતુભાઈ પટેલ, સાબરકાંઠા પ્રજાપતિ સમાજના પ્રમુખ ધવલભાઈ પ્રજાપતિ, એશિયન ગ્રેનેટોના ડાયરેક્ટર સુરેશભાઈ પટેલ, મોડાસિયા કડવા પાટીદાર સમાજ શહેર પરિવારના પ્રમુખ ચિરાગભાઈ પટેલ અને હિતેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. .
Read Original Article →