હિંમતનગરના ધાણધામાં રેલવે ઓવરબ્રિજ બનશે:રાજ્ય સરકાર અને રેલવે મંત્રાલયના સહયોગથી નિર્માણ
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરને વધુ વિકસાવવાના ભાગરૂપે, હિંમતનગર-ઈડર રોડ પર આવેલા ધાણધા રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાનું આયોજન કરાયું છે. આ પ્રોજેક્ટ રાજ્ય સરકાર અને રેલવે મંત્રાલયના સહયોગથી હાથ ધરવામાં આવશે. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અસારવાથી ખેડબ્રહ્મા સુધીની ટ્રેન સેવા શરૂ થઈ છે. ભવિષ્યમાં ખેડબ્રહ્માથી હડાદ થઈ આબુ રોડ સુધી બ્રોડગેજ લાઇન નાખવા માટે સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આગામી સમયમાં આ રૂટ પર વધુ ટ્રેનો શરૂ થવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને ધાણધા ફાટક પર ઓવરબ્રિજ અનિવાર્ય બન્યો છે. ધારાસભ્ય ઝાલાએ આ ઓવરબ્રિજ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. રાજ્ય સરકારે આ માટે જરૂરી નાણાકીય ફાળવણીની ખાતરી આપી છે. આ પ્રોજેક્ટનો ખર્ચ નગરપાલિકા અને રેલવે મંત્રાલય દ્વારા વહેંચવામાં આવશે. આ ઉપરાંત, હિંમતનગરવાસીઓને વધુ સુવિધાઓ મળે તે આશયથી કેનાલ ફ્રન્ટ-2 નું વિસ્તરણ કરવાનું પણ નક્કી કરાયું છે. મોતીપુરા વિસ્તારમાં રોજબરોજની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે સર્કલ બનાવવાનું પણ આયોજન છે, જે નેશનલ હાઈવે અને બાયપાસ થઈને ઈડર-અંબાજી જતા વાહનચાલકોને મદદરૂપ થશે. ધારાસભ્ય વી.ડી. ઝાલાના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન, દેરોલ સાબરમતી નદી પર ₹225 કરોડના ખર્ચે 6 માર્ગીય બ્રિજ બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ કામ શરૂ થયું છે. તેવી જ રીતે, કડોલીની સાબરમતી નદી પર બ્રિજ માટે ₹35 કરોડ અને કટ્ટી-સપ્તેશ્વર વચ્ચેની ડેભોલ નદી પર બ્રિજ માટે ₹15 કરોડની નાણાકીય વ્યવસ્થા કરવામાં સફળતા મળી છે. હિંમતનગર વિધાનસભા વિસ્તારના ગામોમાં રોડ, રસ્તા, પાણી અને એપ્રોચ રોડ માટે પણ કરોડો રૂપિયા મંજૂર કરાવી મોટાભાગના કામો પૂર્ણ થયા છે. આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, કારોબારી અધ્યક્ષ રાહુલ પટેલ, શામળાજી મંદિરના ટ્રસ્ટી સિદ્ધાર્થ પટેલ, નગરપાલિકા સદસ્ય અમૃત પુરોહિત સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →