હિંમતનગરના પાચબત્તીમાં પાણીની પાઈપલાઈન તૂટી:ઓવરબ્રિજ કામગીરીથી લીકેજ થતાં ગંદકી સર્જાઈ, 15 દિવસથી સમસ્યા યથાવત
હિંમતનગરના પાચબત્તી વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજની કામગીરી દરમિયાન પીવાના પાણીની પાઈપલાઈન તૂટતા પાણી ભરાઈ ગયું છે. આના કારણે ગંદકી અને કાદવનો પ્રશ્ન સર્જાયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 15 દિવસથી પાણીનો વ્યય થઈ રહ્યો છે. જોકે, પાલિકાના પાણી પુરવઠા વિભાગે જણાવ્યું કે પાઈપલાઈન તૂટવાની ઘટનાઓ વિકાસકામના કારણે બને છે અને તેનું સમારકામ ચાલી રહ્યું છે. સિવિલથી દુર્ગા રેલવે ઓવરબ્રિજ બની રહ્યો હોવાથી પાચબત્તી વિસ્તારમાં ખોદકામ ચાલી રહ્યું છે. આ ખોદકામને કારણે પીવાના પાણીની લાઈનો વારંવાર તૂટે છે. તૂટેલી લાઈનમાંથી પાણી ઓવરબ્રિજ નીચેથી વહીને રેલવે સ્ટેશનમાં પ્રવેશવાના રોડ પર ભરાય છે. આ પાણી અને કાદવ-કીચડથી સ્થાનિક દુકાનદારો ભારે પરેશાન છે. દુકાનદારોએ આ અંગે હિંમતનગર નગરપાલિકામાં ત્રણ વખત જાણ કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. તેમનો આક્ષેપ છે કે પાલિકાના કર્મચારીઓ સમારકામ માટે આવે છે, પરંતુ માત્ર નામ પૂરતી કામગીરી કરીને જતા રહે છે, જેના કારણે 15 દિવસથી પાણી લીકેજ થવાની સ્થિતિ યથાવત છે. આ અંગે હિંમતનગર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના વડા અશ્વિનભાઈ જોશીએ જણાવ્યું કે ઓવરબ્રિજની કામગીરીને કારણે પાઈપલાઈન તૂટે છે, પરંતુ પાલિકા દ્વારા તેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે છે. તેમણે 15 દિવસથી સમસ્યા હોવાના આક્ષેપને નકારી કાઢ્યો અને કહ્યું કે હાલમાં પણ તૂટેલી પાઈપલાઈનનું સમારકામ ચાલી રહ્યું છે.
Read Original Article →