મહિલાના મોત બાદ હાઈવે પર ચક્કાજામ:હિંમતનગરના પીપલોદી પાસે ઓવરબ્રિજની માંગ સાથે ગ્રામજનોનો વિરોધ

Gujarat5/14/2026, 3:54:58 PM
મહિલાના મોત બાદ હાઈવે પર ચક્કાજામ:હિંમતનગરના પીપલોદી પાસે ઓવરબ્રિજની માંગ સાથે ગ્રામજનોનો વિરોધ
હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે 48 પર પીપલોદી ગામ પાસે આજે રાત્રે થયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. આ ઘટના બાદ ગ્રામજનોએ મૃતદેહને હાઈવે પર રાખીને ચક્કાજામ કર્યો હતો, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. ગ્રામજનો છેલ્લા બે વર્ષથી પીપલોદી ગામ પાસે ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા આ માંગણીને અવગણવામાં આવતી હોવાથી તેમનામાં ભારે રોષ હતો. અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ગ્રામજનોએ જ્યાં સુધી ઓવરબ્રિજ અંગે નક્કર ખાતરી ન મળે ત્યાં સુધી મૃતદેહને હટાવવાનો ઇનકાર કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર એ-ડિવિઝન પોલીસ અને એલ.સી.બી. (LCB) ના અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાઈવે પર ચક્કાજામના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પોલીસે ગ્રામજનોને સમજાવીને મામલો શાંત પાડવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ગ્રામજનોનો આક્ષેપ હતો કે વારંવાર અકસ્માતો થતા હોવા છતાં અને અનેક રજૂઆતો કરવા છતાં ઓવરબ્રિજ બનાવવામાં આવતો નથી. તેમણે ચેતવણી આપી હતી કે જો વહેલી તકે ઓવરબ્રિજની કામગીરી અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો ભવિષ્યમાં આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
Read Original Article →