હિંમતનગર નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટણી 19 મેના રોજ:પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય બેઠક મળશે
હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આગામી 19 મે, 2025ના રોજ યોજાશે. આ અંગે સાબરકાંઠા કલેક્ટર કચેરી દ્વારા સત્તાવાર નોટિસ જાહેર કરવામાં આવી છે. હિંમતનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 16 ફેબ્રુઆરી, 2025ના રોજ યોજાઈ હતી, અને તેનું પરિણામ 28 ફેબ્રુઆરી, 2025ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 11 વોર્ડની કુલ 44 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને 37 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને 7 બેઠકો પ્રાપ્ત થઈ હતી. આ સાથે ભાજપે નગરપાલિકામાં પોતાની સત્તા જાળવી રાખી છે. ચૂંટાયેલા સભ્યોના નામો ગુજરાત સરકારના અસાધારણ ગેઝેટમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. ગુજરાત નગરપાલિકા અધિનિયમ અને સરકારના શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગના જાહેરનામા મુજબ, પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે 19 મેના રોજ સવારે 11 કલાકે હિંમતનગર નગરપાલિકાના સભાખંડમાં પ્રથમ સામાન્ય બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં પ્રમુખપદ માટે રોસ્ટર મુજબ W(BC) બેઠક અનામત રાખવામાં આવી હોવાનું પણ જણાવાયું છે. ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે હિંમતનગર પ્રાંત અધિકારીને અધ્યક્ષસ્થાને નિયુક્ત કરવામાં આવ્યા છે.
Read Original Article →