હિંમતનગર નગરપાલિકાના પદાધિકારીઓની વરણી:અરુણાબેન કડિયા પ્રમુખ અને ગોપાલસિંહ રાઠોડ ઉપપ્રમુખ બન્યા, 37 બેઠક જીતી ભાજપની સત્તા
હિંમતનગર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત 5 મહત્વના પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ, ભાજપ હાઈકમાન્ડ દ્વારા જાહેર કરાયેલા મેન્ડેટ અનુસાર આ નિમણૂકો કરવામાં આવી છે. ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં વરણીની સત્તાવાર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભાજપના મેન્ડેટ મુજબ, OBC અનામત બેઠક પરથી અરુણાબેન કડિયાની પ્રમુખપદે પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ગોપાલસિંહ રાઠોડના નામની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત અન્ય મહત્વની જવાબદારીઓમાં કારોબારી ચેરમેન તરીકે રાહુલ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે રાજેન્દ્ર શર્મા અને શશિકાન્ત સોલંકીની દંડક (વ્હીપ) તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હિંમતનગર નગરપાલિકાની કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 37 બેઠકો પર એકતરફી જીત મેળવી સત્તા કબજે કરી હતી, જ્યારે વિપક્ષ કોંગ્રેસને માત્ર 7 બેઠકો મળી હતી. નવા પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત બાદ પાલિકાના સભ્યો અને કાર્યકરોએ એકબીજાનું મોં મીઠું કરાવી તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
Read Original Article →