ધારાસભ્ય વી.ડી. ઝાલાએ વસ્તી ગણતરીની સ્વ-ગણતરી પૂર્ણ કરી:નાગરિકોને રાષ્ટ્રહિતમાં સહયોગ આપવા અપીલ કરી
હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ વસ્તી ગણતરી-2027 અંતર્ગત પોતાની સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી છે. તેમણે રાજ્યના નાગરિકોને પણ રાષ્ટ્રહિતમાં આ પ્રક્રિયામાં જોડાઈને સહયોગ આપવા અપીલ કરી હતી. ભારત સરકાર દ્વારા હાથ ધરાતી વસ્તી ગણતરી-2027 રાષ્ટ્ર નિર્માણ માટે અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્યમાં આ જનગણના અંતર્ગત સ્વ-ગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં નાગરિકો આગામી 31 મે સુધી ઓનલાઇન પોર્ટલ પર પોતાની જાતે ગણતરી કરી શકશે. ધારાસભ્ય વી.ડી. ઝાલાએ જણાવ્યું હતું કે, વસ્તી ગણતરીમાંથી મળતી માહિતીનો ઉપયોગ વિવિધ જનહિતલક્ષી યોજનાઓના આયોજન, અમલીકરણ અને વિકાસકાર્યોને વધુ અસરકારક બનાવવા માટે થાય છે. તેમણે નાગરિકોને પોર્ટલ પર સરળતાથી સ્વ-ગણતરી કરવા વિનંતી કરી. ઝાલાએ ખાતરી આપી હતી કે, નાગરિકો દ્વારા આપવામાં આવતી માહિતી સંપૂર્ણપણે ગોપનીય અને સુરક્ષિત રહેશે. તેમણે સૌને રાષ્ટ્રહિતમાં સ્વ-ગણતરીમાં જોડાઈને પોતાનું યોગદાન આપવા આગ્રહ કર્યો. સ્વ-ગણતરી પ્રક્રિયા દરમિયાન કોઈ મૂંઝવણ કે મુશ્કેલી અનુભવાય તો નાગરિકો ટોલ ફ્રી નંબર 1855 પર ફોન કરીને મદદ મેળવી શકે છે. સ્વ-ગણતરી પૂર્ણ થયા બાદ નાગરિકોને એક યુનિક SEID (સેલ્ફ એન્યુમરેશન આઈડી) પ્રાપ્ત થશે. ગણતરીદાર ઘરે મુલાકાતે આવે ત્યારે આ SEID દર્શાવવાથી સમગ્ર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી શકાશે.
Read Original Article →