1.21 લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા:હિંમતનગરના મોતીપુરાથી ટ્રાવેલ્સ બસમાંથી દારૂ પકડાયો
હિંમતનગર એ ડિવિઝન પોલીસે મોતીપુરા નેશનલ હાઈવે 48 પરથી કાર્યવાહી કરી છે. પોલીસે માતેશ્વરી ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી 1.21 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ મામલે રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનથી શામળાજી થઈ અમદાવાદ તરફ જતી કેસરી રંગની ટ્રાવેલ્સ બસમાં બે ઈસમો આર્થિક લાભ મેળવવા માટે વિદેશી દારૂ લઈ જઈ રહ્યા છે. આ દારૂ રાજસ્થાનના ડુંગરપુરથી માતેશ્વરી ટ્રાવેલ્સની બસની ડેકીમાં મૂકીને હિંમતનગર થઈ અમદાવાદ લઈ જવાઈ રહ્યો હતો. બાતમીના આધારે સર્વેલન્સ ટીમે હિંમતનગર મોતીપુરા બ્રિજ પાસે નેશનલ હાઈવે-48 પર વોચ ગોઠવી હતી. બાતમીવાળી બસ આવતા તેને રોકાવી તપાસ કરવામાં આવી હતી. બસની ડેકીમાંથી 10 થેલામાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 131 બોટલો મળી આવી હતી, જેની કિંમત 1,21,920 રૂપિયા આંકવામાં આવી છે. આરોપીઓની અંગઝડતીમાંથી 1000 રૂપિયા રોકડા અને 8000 રૂપિયાના બે મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. પોલીસે કુલ 1,30,920 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં વિનોદભારતી શંકરભારતી ગોસ્વામી (ઉં.વ. 45, રહે. માંડવ, તા. સાગવાડા, જિ. ડુંગરપુર, રાજસ્થાન) અને સુરેશ જગન્નાથ પરમાર (ઉં.વ. 35, રહે. પીછૌલી ફળી, માંડવ, તા. સાગવાડા, જિ. ડુંગરપુર, રાજસ્થાન) નો સમાવેશ થાય છે. પોલીસે બંને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →