હિંમતનગરમાં રહેણાંક મકાનમાંથી 2.58 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:એક પકડાયો, બે ફરાર; કુલ ત્રણ સામે ગુનો નોંધાયો

Gujarat4/5/2026, 5:03:54 PM
હિંમતનગરમાં રહેણાંક મકાનમાંથી 2.58 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:એક પકડાયો, બે ફરાર; કુલ ત્રણ સામે ગુનો નોંધાયો
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલા સહયોગનગર (શારદાકુંજ સોસાયટી)માં એક રહેણાંક મકાનમાંથી રૂ. 2.58 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને એક આરોપીને પકડી પાડ્યો છે, જ્યારે અન્ય બે ફરાર થવામાં સફળ રહ્યા હતા. આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ સરકારી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન જ્ઞાનદીપસિંહ અને મિતરાજસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે હિંમતનગરના સહયોગનગર (શારદાકુંજ)માં રહેતો કિશનસિંહ જવાનસિંહ રાઠોડ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ રાખી છૂટક વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરી હતી. રેડ દરમિયાન કિશનસિંહ જવાનસિંહ રાઠોડ હાજર મળી આવ્યો હતો. તેના રહેણાંક મકાનની તલાશી લેતા વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન મળી કુલ 382 નંગનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 2,58,885 આંકવામાં આવી છે. આ ઉપરાંત, આરોપીના અંગત કબજામાંથી રૂ. 10,000ની કિંમતનો ઓપો કંપનીનો સફેદ કલરનો એન્ડ્રોઇડ મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે કુલ રૂ. 2,68,885નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપી કિશનસિંહ જવાનસિંહ રાઠોડ (ઉં.વ. 25, મૂળ રહે. સઢા, તા. હિંમતનગર, જિ. સાબરકાંઠા, હાલ રહે. શારદાકુંજ, સહયોગનગર સોસાયટી, મોતીપુરા, તા. હિંમતનગર, જિ. સાબરકાંઠા) ઉપરાંત, દીપકસિંહ જાડેજા (રહે. બેબાર, તા. હિંમતનગર, જિ. સાબરકાંઠા) અને સુરેન્દ્રસિંહ મખુસિંહ જાડેજા (રહે. સુનોખ, તા. ભિલોડા, જિ. અરવલ્લી)ને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
Read Original Article →