હિંમતનગર પાસે કારમાંથી 2.71 લાખનો દારૂ ઝડપાયો:LCB એ બેને ઝડપી લીધા, ચાર સામે ગુનો નોંધ્યો
સાબરકાંઠા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ હિંમતનગરના નવાનગર પાસેથી વિદેશી દારૂ અને બિયર ભરેલી મારૂતિ સુઝુકી સેલેરિયો કાર ઝડપી પાડી છે. પોલીસે કારમાંથી ₹2,71,536 ની કિંમતનો 1116 નંગ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બેને વોન્ટેડ જાહેર કરાયા છે. સાબરકાંઠા LCB PI ડી.સી. સાકરિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, LCB ટીમ પ્રોહિબિશન વોચમાં હતી. તે દરમિયાન નિરીલકુમારને બાતમી મળી હતી કે, એક સફેદ કલરની નંબર વગરની સેલેરિયો ગાડીમાં વિદેશી દારૂ ભરીને હિંમતનગરથી વિજાપુર તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે LCB ટીમે નવાનગર નજીક ગોગા મહારાજના મંદિર પાસે વિજાપુર હાઈવે રોડ પર વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, નંબર વગરની સફેદ સેલેરિયો ગાડી આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. જોકે, ગાડી ચાલકે નાકાબંધી તોડી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ગાડીનો આગળનો અને સાઈડનો કાચ તૂટી ગયો હતો. પોલીસે પીછો કરીને ગાડીને આંતરી હતી અને ચાલક રાકેશકુમાર ઉર્ફે રફતાર શંભુભાઈ સોમાભાઈ હોથા (રહે. અણસોલ, શામળાજી) અને તેની બાજુમાં બેઠેલા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગાડીમાંથી ₹2,71,536 ની કિંમતના 1116 નંગ વિદેશી દારૂ અને બિયર, ₹10,000 ની કિંમતના બે મોબાઈલ ફોન અને ₹3,00,000 ની કિંમતની કાર સહિત કુલ ₹5,81,536 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પકડાયેલા બે અને ફરાર બે સહિત કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓમાં રાકેશકુમાર ઉર્ફે રફતાર શંભુભાઈ સોમાભાઈ હોથા અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરનો સમાવેશ થાય છે. જ્યારે રાજસ્થાનના વિછીંવાડાનો કનૈયાલાલ ઉર્ફે કનુ (દારૂ મોકલનાર) અને માણસા બાજુ માલ લેનાર (જેનું નામ-ઠામ મળેલ નથી) વોન્ટેડ જાહેર કરાયા છે.
Read Original Article →