હિંમતનગરમાં કમોસમી વરસાદ વરસ્યો:ભારે પવન અને વીજળીના કડાકા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝાપટાં
હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. હિંમતનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને પ્રાંતિજના મજરા પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. મંગળવારે બપોર બાદ હિંમતનગરમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા અને પવનના કારણે બોર્ડ-બેનરો ઉડતા જોવા મળ્યા હતા. જોકે, આ વરસાદ માત્ર થોડી મિનિટો માટે જ રહ્યો હતો. હિંમતનગર આસપાસના ગાંભોઈ, મોરડુંગરા, ગામડી, જવાનપુરા, બાંખોર, રૂપાલકંપા, ટીંબાકંપા અને બાવસર જેવા ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત, હિંમતનગરના રૂપાલ અને રાયગઢ પંથકમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા. પ્રાંતિજના મજરા પંથકમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો. ભારે પવન સાથેના આ વરસાદને કારણે મજરા-ચંદ્રાલા નેશનલ હાઈવે પર વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લાના ઈડર, વડાલી અને ખેડબ્રહ્મામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો.
Read Original Article →