હિંમતનગર હાઈવે પર દારૂની બોટલો ગોઠવવા મામલે 3 સામે ગુનો:બે આરોપીની ધરપકડ, એક ફરાર; દારૂ વેચનાર-ખરીદનાર વચ્ચે જૂની અદાવતમાં કૃત્ય કર્યાનું સામે આવ્યું
હિંમતનગરમાં સ્ટેટ હાઇવે પર વિદેશી દારૂની બોટલો ગોઠવવાના મામલે પોલીસે ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ખેડ-તસિયા સ્ટેટ હાઇવે પર વૈશાલી ગ્રાઉન્ડ નજીક મુખ્ય રસ્તા પર દારૂની બોટલો ગોઠવવામાં આવી હતી. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક ફરાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હિંમતનગરના વૈશાલી ગ્રાઉન્ડ નજીક મુખ્ય સ્ટેટ હાઇવે પર 12 વિદેશી દારૂની બોટલો ગોઠવી રસ્તા પર અવરોધ ઊભો કરાયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો અને વાહનચાલકોના ટોળા એકઠા થયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતાં હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને રસ્તા પરથી દારૂની બોટલો હટાવી વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સોશિયલ મીડિયામાં વધુ એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં એક વ્યક્તિ દારૂ વેચનાર પાસેથી દારૂ ખરીદીને જાહેર સ્ટેટ હાઇવે પર બોટલો ગોઠવતો જોવા મળ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને પક્ષો વચ્ચે જૂની અદાવત હતી, જેના કારણે એકબીજાને બદનામ કરવાના ઇરાદે દારૂ ખરીદીને જાહેર રસ્તા પર ગોઠવવામાં આવ્યો હતો. આધારભૂત પુરાવા, સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકો પાસેથી વિગતો મેળવી પોલીસે દારૂ વેચનાર મુકેશ ભાટ, દારૂ ખરીદીને રસ્તા પર મૂકનાર શ્રવણ ભાટ અને અન્ય એક દારૂ વેચનાર જીતુ માધાભાઈ ભાટ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે. મુકેશ ભાટ અને શ્રવણ ભાટની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે જીતુ માધાભાઈ ભાટ ફરાર છે. આ મામલે પ્રોહિબિશન એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ ચાલી રહી છે. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે બુટલેગર પાસેથી સરળતાથી દારૂ ખરીદીને જાહેર માર્ગ પર બોટલો ગોઠવાયાનો બનાવ અનેક સવાલો ઊભા કરે છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે અને આ મામલે વધુ તપાસ ચાલુ છે.
Read Original Article →