હિંમતનગર-ગાંભોઈ હાઈવે પર અકસ્માત; ત્રણ મહિલાના મોત:રિક્ષા ચાલકે અચાનક ટર્ન લેતાં સામેથી આવતી કારની ટક્કરથી ફુરચા ઊડી ગયા; કાર ચાલક સહિત બે ગંભીર
હિંમતનગરના ગાંભોઈ-રણાસણ સ્ટેટ હાઈવે પર હાથરોલ ગામ નજીક મંગળવારે એક કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી રીક્ષાના ચાલકે અચાનક ટર્ન લેતા સામેથી આવતી કાર સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. આ પ્રચંડ અકસ્માતમાં રીક્ષામાં સવાર ત્રણ મહિલા મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે કાર ચાલક સહિત અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પૂરપાટ ઝડપે વળાંક લેવો કાળ સાબિત થયો
પ્રાથમિક વિગતો અનુસાર, આ દુર્ઘટના પાછળ રીક્ષા ચાલકની ગફલતભરી ડ્રાઇવિંગ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. હાઈવે પરથી પસાર થતી વખતે રીક્ષા ચાલકે અચાનક અને પૂરપાટ ઝડપે ટર્ન લીધો હતો, જેના કારણે સામેથી આવી રહેલી કારના ચાલકને બ્રેક મારવાનો સમય જ ન મળ્યો અને બંને વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે રીક્ષાના ફુરચા ઊડી ગયા હતા અને તેમાં સવાર ત્રણેય મહિલાઓએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા
અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોની ગંભીર સ્થિતિને જોતા તાત્કાલિક ઇમર્જન્સી સેવા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા કાર ચાલક અને અન્ય એક વ્યક્તિને વધુ સારવાર અર્થે તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. ત્રણ મૃતક મહિલાની ઓળખ થઈ હિંમતનગરના ગાંભોઈ-રણાસણ સ્ટેટ હાઈવે પર હાથરોલ નજીક સર્જાયેલા આ કાળજું કંપાવી દેનારા અકસ્માતમાં જીવ ગુમાવનાર ત્રણેય કમનસીબ મહિલાઓ અને ઇજાગ્રસ્તોની સત્તાવાર ઓળખ સામે આવી છે. ઘટનાસ્થળે જ દમ તોડનાર મૃતકોમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના લીંભોઈ ગામના મીનાબેન કોદરસિંહ રાઠોડ (ઉંમર વર્ષ 52), પંચમહાલ જિલ્લાના ગોધરા જૂનીવાડીના ચંદનબેન ઇશ્વરસિંહ સોલંકી (ઉંમર વર્ષ 70) તેમજ પંચમહાલના જ મોરવા હડફ તાલુકાના વંદેલી ગામના મોતીબેન બાપુસિંહ ઠાકોર (ઉંમર વર્ષ 40) નો સમાવેશ થાય છે.
ત્રણ મૃતક મહિલા
1-મીનાબેન કોદરસિંહ રાઠોડ-ઉવ 52,લીંભોઈ,તા.મોડાસા,જી.અરવલ્લી
2-ચંદનબેન ઇશ્વરસિંહ સોલંકી ઉવ 70,જૂનીવાડી તા.શહેર,જી.પંચમહાલ
3-મોતીબેન બાપુસિંહ ઠાકોર ઉવ.40,વંદેલી, મોરવાહ હડફ,જી.પંચમહાલ ત્રણ ઈજાગ્રસ્તોની ઓળખ થઈ બીજી તરફ, આ ભયાનક ટક્કરમાં ગંભીર રીતે ઘવાયેલા અને હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ત્રણેય ઇજાગ્રસ્તો અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના લીંભોઈ ગામના વતની હોવાનું ખૂલ્યું છે. જેમાં સંગીતાબેન અમરસિંહ પરમાર (ઉંમર વર્ષ 40), પ્રવિણસિંહ કોદરસિંહ રાઠોડ (ઉંમર વર્ષ 33) અને ભાવનાબેન ઇશ્વરસિંહ સોલંકી (ઉંમર વર્ષ 36) નો સમાવેશ થાય છે. આ અકસ્માતને પગલે મૃતકો અને ઇજાગ્રસ્તોના પરિવારોમાં ભારે આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું છે. ત્રણ ઈજાગ્રસ્ત
1-સંગીતાબેન અમરસિંહ પરમાર ઉવ.40
2-પ્રવિણસિંહ કોદરસિંહ રાઠોડ ઉવ.33
3-ભાવનાબેન ઇશ્વરસિંહ સોલંકી ઉવ.36
ત્રણેય રહેવાસી લીંભોઈ,તા.મોડાસા,જી.અરવલ્લી
ગાંભોઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આ ભયાનક અકસ્માતની માહિતી મળતા જ ગાંભોઈ પોલીસ સ્ટેશનનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લઈને ત્રણેય મૃતક મહિલાઓના શવને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. આ સાથે જ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને કાયદેસરની આગળની તપાસ તેજ કરી છે.
ક્રેનની મદદથી હાઈવેનો વાહનવ્યવહાર પૂર્વવત કરાયો
ટ્રાફિક જામની સમસ્યા અને પોલીસની કામગીરી: સ્ટેટ હાઈવે પર બપોરના સમયે સર્જાયેલા આ અકસ્માતના કારણે રસ્તાની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો. મુસાફરો અટવાઈ ન પડે તે માટે પોલીસે તાત્કાલિક ક્રેન મંગાવીને રોડ વચ્ચે પડેલા ક્ષતિગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડ્યા હતા. પોલીસની સમયસૂચકતાના કારણે થોડા જ સમયમાં હાઈવે પરનો વાહનવ્યવહાર ફરી રાબેતા મુજબ શરૂ કરાયો હતો.
આ પણ વાંચો પતરા કાપી અડધા કલાકની જહેમત બાદ બસ ડ્રાઇવરને બહાર કઢાયો: 15 ઇજાગ્રસ્ત, ડ્રાઇવરનું મોત
7જુને રાત્રે અઢી વાગ્યાના સુમારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢ પાસે નવલપુર ભાટોડા ગામ આગળ નેશનલ હાઈવે 48 પર ઓવરબ્રિજ નજીક ગત રાત્રીનના લગભગ 2.30 કલાકની આસપાસ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ખાનગી બસ તેની આગળ જતાં એક અજાણ્યા વાહન સાથે પાછળથી અથડાઈ હતી. જે અકસ્માતમાં ચાલક સહિત કુલ 15 લોકોને ઈજાઓ પહોંચી હતી. બસનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને સારવાર માટે પહેલા હિંમનગર સિવિલ અને બાદમાં અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. (સંપૂર્ણ અહેવાલ માટે અહીં ક્લિક કરો)
Read Original Article →