ગુજરાતમાં દારૂબંધી અંગે પોલીસની આબરૂ કાઢતો VIDEO:હિંમતનગરમાં અજાણ્યા શખ્સે હાઇવેની વચ્ચોવચ એક લાઈનમાં વિદેશી દારૂની 12 બોટલ ગોઠવી
ગુજરાતમાં ફરી એક વાર દારૂબંધી અંગે પોલીસની આબરૂ કાઢતો વિડીયો વાયરલ થયો છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સ્ટેટ હાઇવે પર ભગવતી પેટ્રોલપંપ પાસે વિદેશી દારૂની બોટલો ગોઠવીને એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના હિંમતનગર-ખેડ તસીયા રોડ પર આવેલા સ્ટેટ હાઇવે પર બની હતી, જ્યાં કોઈ અજાણ્યા શખ્સે ખુલ્લેઆમ દારૂની બોટલો ગોઠવી હતી. પ્રાથમિક માહિતી મુજબ, હાઇવેની વચ્ચોવચ એક લાઇનમાં વિદેશી દારૂની કુલ 12 બોટલો ગોઠવવામાં આવી હતી. રોડ પર દારૂની બોટલો જોઈને રાહદારીઓ એકઠા થયા હતા, અને કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતાં જ પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું. હિંમતનગર એ ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ પરથી વિદેશી દારૂની 12 બોટલો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા મળતી માહિતી અનુસાર, વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. હાઇવે પર દારૂની બોટલો કોણે ગોઠવી તે શખ્સને ઝડપી પાડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. ઉપરાંત, પ્રત્યક્ષદર્શીઓની મદદથી પણ આરોપી સુધી પહોંચવાના પ્રયાસો ચાલુ છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જાહેરમાં હાઇવે પર દારૂની બોટલો ગોઠવવાની આ ઘટનાએ પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે અને લોકોમાં પણ ભારે ચર્ચા જગાવી છે.
Read Original Article →