હિંમતનગરમાં બંધ મકાનમાંથી સોના-રોકડની ચોરી:વેકેશનમાં વતન ગયેલા એક્સ આર્મીમેનના ઘરે તસ્કરો ત્રાટક્યા
હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર આવેલી અયોધ્યાપુરી સોસાયટીમાં ગત રાત્રિએ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. વેકેશન ગાળવા વતનમાં ગયેલા એક્સ આર્મીમેન જીતેન્દ્રસિંહ પરમારના મકાનનું તાળું તોડી તસ્કરો સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પાડોશીએ આ અંગે મકાન માલિક અને પોલીસને જાણ કરતા હિંમતનગર એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અયોધ્યાપુરી સોસાયટીના મકાન નંબર 9માં રહેતા જીતેન્દ્રસિંહ તુલસીસિંહ પરમાર તેમના પરિવાર સાથે 18 એપ્રિલે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના વાટડા ગામે વતનમાં ગયા હતા. આ દરમિયાન ગત રાત્રિએ તસ્કરોએ તેમના બંધ મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી કિંમતી સામાન ચોરી લીધો હતો. રવિવારે સવારે પાડોશીને ચોરી થયાની જાણ થતાં તેમણે તાત્કાલિક મકાન માલિક જીતેન્દ્રસિંહ અને પોલીસ કંટ્રોલ રૂમ 112 પર જાણ કરી હતી. મકાન માલિક જીતેન્દ્રસિંહ પરમારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, તસ્કરો બેડરૂમમાં રાખેલી તિજોરી તોડી અંદાજે બે તોલાની સોનાની ચેન, બે તોલાનું મંગળસૂત્ર અને આશરે બે ગ્રામની કાનની વાળી ચોરી ગયા છે. આ ઉપરાંત, બાળકોના બચતના ગલ્લામાંથી આશરે 40 હજાર રૂપિયા અને અન્ય છૂટા 5 હજાર રૂપિયા મળી કુલ 45 હજાર રૂપિયાની રોકડ પણ ચોરી થઈ છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
Read Original Article →