કલેક્ટરના અધ્યક્ષસ્થાને આયોજન મંડળ અને પ્રિ-મોન્સૂન રિવ્યુ મિટિંગ:કંટ્રોલ રૂમ થકી વીજ પૂરવઠો, રોડ અને આરોગ્ય સહિત સુવિધાઓ પર ચર્ચા; પ્રભારી મંત્રી ડૉ. વાજા ઓનલાઈન જોડાયા
હિંમતનગરમાં કલેક્ટર કચેરીના પોળો હોલ ખાતે જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક અને પ્રિ-મોન્સૂન રિવ્યુ મિટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા, જ્યારે કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ અધ્યક્ષતા કરી હતી. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જિલ્લાના વિકાસ કાર્યો, વિવિધ યોજનાઓના આયોજન અને મંજૂરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રભારી મંત્રીએ વિકાસના કામો સમયસર અને ગુણવત્તાસભર પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારબાદ, આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રની સજ્જતા અને પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પ્રિ-મોન્સૂન રિવ્યુ મિટિંગ યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વરસાદી સિઝન દરમિયાન તમામ વિભાગો વચ્ચે સંકલન સાધીને કુદરતી આપત્તિના સમયે જાનમાલનું નુકસાન ઘટાડવાનો હતો. પ્રિ-મોન્સૂન રિવ્યુ મિટિંગમાં પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ વહીવટી તંત્રની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ વિભાગોએ પરસ્પર ઉત્તમ સંકલન સાધીને કામ કરવું પડશે. મંત્રીએ નિચાણવાળા અને જોખમી વિસ્તારો પર વિશેષ દેખરેખ રાખવા, કંટ્રોલ રૂમ સતત સક્રિય રાખવા તેમજ આકસ્મિક પરિસ્થિતિમાં વીજ પૂરવઠો, રસ્તા અને આરોગ્ય સેવાઓ જેવી આવશ્યક સુવિધાઓ ત્વરિત પૂર્વવત થાય તેવી આગોતરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા વહીવટી તંત્રને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકોમાં જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, સાંસદ શોભાનાબેન બારૈયા, હિંમતનગર ધારાસભ્ય વી.ડી. ઝાલા, ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરી, નગરપાલિકા પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, પ્રાયોજના અધિકારી વિશાલ સક્સેના, ગ્રામ વિકાસ એજન્સી નિયામક કે.પી. પાટીદાર, જિલ્લા આયોજન અધિકારી સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ અને પદાધિકારીઓ પ્રત્યક્ષ તેમજ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા.
Read Original Article →