સાબરકાંઠા-અરવલ્લીને મળ્યા 32 નવા BSNL ટાવર:સાંસદની રજૂઆત બાદ ગુજરાતમાં કુલ 94 ટાવર મંજૂર; મોબાઈલ નેટવર્કની સમસ્યા હલ
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ગ્રામીણ, પહાડી અને અંતરિયાળ વિસ્તારોમાં મોબાઈલ નેટવર્કની સમસ્યાના નિરાકરણ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારના ટેલિકોમ વિભાગ (BSNL) દ્વારા સમગ્ર ગુજરાત રાજ્ય માટે કુલ 94 નવા મોબાઈલ ટાવર મંજૂર કરવામાં આવ્યા છે. આમાંથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માટે 32 નવા મોબાઈલ ટાવર ફાળવવામાં આવ્યા છે. આ 32 ટાવરમાંથી અરવલ્લી જિલ્લામાં 18 અને સાબરકાંઠા જિલ્લામાં 14 ટાવર ઊભા કરવામાં આવશે. સાબરકાંઠા લોકસભાના સાંસદ શોભનાબેન એમ. બારૈયા દ્વારા કરવામાં આવેલી સઘન રજૂઆતોના પરિણામે આ મંજૂરી મળી છે. સાંસદ શોભનાબેન બારૈયાએ આ ગંભીર સમસ્યા અંગે લોકસભામાં પણ અવાજ ઉઠાવ્યો હતો. તેમણે કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજીને પત્ર લખીને વિસ્તૃત રજૂઆત કરી હતી કે નેટવર્કના અભાવે સ્થાનિક નાગરિકોને ડિજિટલ શિક્ષણ, આરોગ્ય સેવાઓ, બેન્કિંગ અને ઈ-ગવર્નન્સના કાર્યોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેન્દ્ર સરકારે સાંસદની આ લોકહિતલક્ષી રજૂઆતને ગંભીરતાથી લઈને ત્વરિત કાર્યવાહી કરી છે. પ્રભાવિત વિસ્તારો માટે આ 32 નવા BSNL CAT-6 ટાવરની ફાળવણી કરવામાં આવી છે. આ મંજૂર થયેલા ટાવરોનો લાભ મુખ્યત્વે હિંમતનગર, ભિલોડા (ગુજરાત-રાજસ્થાન સીમા ક્ષેત્ર), પોશીના, ખેડબ્રહ્મા, ઇડર, શામળાજી, મેઘરજ અને વિજયનગર તાલુકાઓ તેમજ અરવલ્લીની ગિરિમાળાઓ અને ડુંગરાળ વિસ્તારોને મળશે. આ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લીના છેવાડાના, ખાસ કરીને આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં નેટવર્ક સિગ્નલની કમી અને કોલ ડ્રોપની સમસ્યાનો અંત આવશે. ઉપરાંત, ઇન્ટરનેટ સ્પીડમાં પણ નોંધપાત્ર સુધારો થશે. સાંસદ શોભનાબેન બારૈયાએ આ મંજૂરી બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે વડાપ્રધાનના નેતૃત્વવાળી સરકાર હંમેશા ગ્રામીણ ભારતના વિકાસ અને ડિજિટલ સમાવેશન માટે કટિબદ્ધ છે.
Read Original Article →