આપઘાત‎:પ્રેમલગ્ન કરનાર પુત્રના સાસરિયાના ત્રાસે પિતાનો આપઘાત

Gujarat5/24/2026, 12:00:00 AM
આપઘાત‎:પ્રેમલગ્ન કરનાર પુત્રના સાસરિયાના ત્રાસે પિતાનો આપઘાત
તલોદના પુંસરીમાં દીકરાના પ્રેમલગ્નનો ખાર રાખી યુવતીના સંબંધીઓ દ્વારા કરાયેલા હુમલા, અસહ્ય માનસિક ત્રાસ અને ધમકીઓ અને છેલ્લે થયેલ ખોટી ફરિયાદથી કંટાળીને આધેડ પિતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં મૃતકના નાના ભાઈએ તલોદ પોલીસ સ્ટેશનમાં કુલ 7 વિરુદ્ધ આત્મહત્યા કરવા મજબૂર કરવા અંતર્ગત ફરિયાદ નોંધાવી છે. પુંસરીના વતની અને બીજદાન કર્મચારી તરીકે ફરજ બજાવતા દીપકભાઈ ડાહ્યાભાઈ પટેલના 25 વર્ષીય દીકરા અવિએ ગત તા. 13-02-26ના રોજ આમોદરા ગામની જીનલ જતિનભાઈ પટેલ નામની યુવતી સાથે ભાગી 16 ફેબ્રુઆરીના રોજ બંનેએ કાયદેસર રજિસ્ટર લગ્ન કરી લીધા હતા અને પોલીસ સમક્ષ હાજર થઈ પોતાના નિવેદનો નોંધાવ્યા હતા. આ પ્રેમલગ્ન યુવતીના પરિવારજનોને મંજૂર ન હોવાથી તેઓએ દીપકભાઈના ઘર પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ અવારનવાર ઘરે આવી અમારી દીકરી ગમે તેમ કરીને અમને પરત લાવી આપો તેમ કહી અસહ્ય માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. દીપકભાઈએ ગત 19 એપ્રિલના રોજ એક ફેસબુક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે, મને રોજ જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે, મારું મર્ડર થઈ શકે છે અને જો મને કંઈ પણ થશે અથવા હું આત્મહત્યા કરીશ તો આ લોકો જ જવાબદાર રહેશે. હાઈકોર્ટ દ્વારા પ્રોટેક્શન મળવા છતાં પરિસ્થિતિ વણસતાં દીપકભાઈ અને તેમના પત્ની ઘર છોડીને અજ્ઞાત સ્થળે પણ જતા રહ્યા હતા. આરોપી અનસૂયાબેન પટેલે દીપકભાઈ વિરુદ્ધ ફરિયાદ કરતાં ગત 21 મે ના રોજ પોલીસ ઘેર આવી હતી અને દીપકભાઈ ગભરાઈને ઘરેથી નીકળી ગયા હતા. મોડી સાંજે ભરડીયા ગામની સીમમાં એક ખેતરની પાળ પર આવેલા લીમડાના ઝાડ સાથે નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને લઇ ચકચાર મચી હતી. આમની સામે ફરિયાદ નોંધાઇ સંજયભાઈ અમૃતભાઈ પટેલ, દિનેશભાઈ પુંજાભાઈ પટેલ, કમલેશભાઈ ભીખાભાઈ પટેલ, જોન્સન કમલેશભાઈ પટેલ, અનસૂયાબેન રાજેશભાઈ પટેલ, દિગ્નેશકુમાર શાન્તિલાલ પટેલ અને સોનલબેન સંજયભાઈ પટેલ
Read Original Article →