મુખ્યમંત્રીએ ઈડરના મુડેટીમાં સંસ્કૃત મહાવિદ્યાલયનું ઉદ્ઘાટન કર્યું:શારદાપીઠાધીશ્વર સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા

Gujarat4/4/2026, 9:25:38 AM
મુખ્યમંત્રીએ ઈડરના મુડેટીમાં સંસ્કૃત મહાવિદ્યાલયનું ઉદ્ઘાટન કર્યું:શારદાપીઠાધીશ્વર સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠાના ઈડર તાલુકાના મુડેટી ગામે ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગ આશ્રમ દ્વારા નિર્મિત વૈદિક ગુરુકુળ સંકુલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વૈદિક ગુરુકુળનું ખાતમુહૂર્ત બે વર્ષ પહેલા જગતગુરુ શંકરાચાર્યની હાજરીમાં થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ મહાવિદ્યાલયનું લોકાર્પણ માત્ર એક સંસ્થાનો આરંભ નથી, પરંતુ ભારતની વૈદિક પરંપરા અને જ્ઞાનગંગાને નવી દિશા આપતું એક પવિત્ર 'ચેતના કેન્દ્ર' છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ યુવાનોને ભારતીય સંસ્કૃતિના મૂળભૂત તત્વો સાથે જોડે છે, અને આ સંકુલ 'વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્રને સાકાર કરશે. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે અહીંથી પ્રાપ્ત થતું જ્ઞાન વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણના સબળ સંવાહક બનાવશે. તેમણે સંસ્કૃત ભાષાને વેદ-ઉપનિષદોનો મૂળ સ્ત્રોત ગણાવી, જેના વિના ઇતિહાસ સમજવો અશક્ય છે. તેમણે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃતના જતન માટે સરકારની પ્રતિબદ્ધતા જણાવી. આ અંતરિયાળ વિસ્તારમાં સંસ્કૃતની સાથે અંગ્રેજી અને કોમ્પ્યુટર જેવા આધુનિક વિષયોનું શિક્ષણ પ્રશંસનીય છે તેમ પણ તેમણે કહ્યું. જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે આશીર્વચન પાઠવતાં કહ્યું કે, સંસ્કૃત માત્ર ભાષા નથી, પરંતુ ઋષિ-મુનિઓના જ્ઞાન, સંસ્કાર અને આધ્યાત્મિક વારસાનું મૂળ છે. તેમણે આ નૂતન સંકુલની પ્રશંસા કરતા જણાવ્યું કે, શિક્ષણ અને સંસ્કારના સમન્વયથી આવનારી પેઢી વેદ અને શાસ્ત્રોના જ્ઞાનથી સુસજ્જ બની ભારતીય સંસ્કૃતિનો પ્રકાશ ફેલાવશે. તેમણે આ સંસ્થાને વૈદિક પરંપરાઓના જતન માટે આદર્શ કેન્દ્ર ગણાવી. શંકરાચાર્યજી મહારાજે તેમના આશીર્વચનમાં અનેકતામાં એકતાનો સંદેશો આપ્યો હતો. તેમણે ગુજરાત સરકારે પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં, તેમણે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તો દેશ અને દુનિયાનું કલ્યાણ થશે તેમ જણાવી, સરકારને આ અંગે વિલંબ ન કરવા વિનંતી કરી હતી. આ અવસરે સંસ્થાના ટ્રસ્ટી ઉદય માહૂરકર અને અન્ય ટ્રસ્ટીગણ, સાંસદ શોભનાબેન બારૈયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, મહામંત્રી પ્રેમલ દેસાઈ સહિત આમંત્રિતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →