મુડેટીમાં વૈદિક જ્ઞાનના 'ચેતના કેન્દ્ર'નું લોકાર્પણ:જગદગુરુ શંકરાચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું 'સદધર્મ સમાજસેવા રત્ન' એવોર્ડથી વિશેષ સન્માન
સાબરકાંઠા જિલ્લાના મુડેટી ખાતે આધ્યાત્મિક અને શૈક્ષણિક ઉર્જાના સંગમ સમાન ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના 'નૂતન સંકુલ'નો 3-દિવસીય ઉદ્ઘાટન સમારોહ ભવ્યતાપૂર્વક સંપન્ન થયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને 'સદધર્મ સમાજસેવા રત્ન' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સનાતન જ્ઞાન અને રાષ્ટ્ર નિર્માણનું કેન્દ્ર
આ અવસરે સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ મહાવિદ્યાલય માત્ર એક ઈંટ-પથ્થરની ઈમારત કે સંસ્થા નથી, પરંતુ ભારતની અનાદિકાળની વૈદિક પરંપરા અને જ્ઞાનગંગાને નવી દિશા આપતું એક પવિત્ર 'ચેતના કેન્દ્ર' છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, અહીંથી પ્રાપ્ત થતું જ્ઞાન અને સંસ્કારો વિદ્યાર્થીઓને માત્ર શાસ્ત્રજ્ઞાની જ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માણના સબળ સંવાહક બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્રને આ સંકુલ સાચા અર્થમાં ચરિતાર્થ કરશે. આધુનિકતા અને પરંપરાનો સમન્વય
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સંસ્કૃત એ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક જ્ઞાનનો પ્રાણ છે. સંસ્કૃત વિના આપણો ઇતિહાસ અને વેદ-ઉપનિષદોનો મૂળ સ્ત્રોત સમજવો અશક્ય છે. રાજ્ય સરકાર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આ ભાષાના જતન માટે કટિબદ્ધ છે. મુડેટી જેવા અંતરિયાળ વિસ્તારમાં સંસ્કૃતની સાથે અંગ્રેજી અને કોમ્પ્યુટર જેવા આધુનિક વિષયોનું શિક્ષણ આપવાની પહેલને તેમણે બિરદાવી હતી. આ મહાવિદ્યાલય આઝાદીના અમૃતકાળમાં 'વિકસિત ભારત @ 2047'ના સંકલ્પને સિદ્ધ કરવામાં મહત્વનું યોગદાન આપશે તેવી શ્રદ્ધા તેમણે વ્યક્ત કરી હતી. સંસ્કૃત એ ઋષિમુનિઓનો વારસો: જગદગુરુ શંકરાચાર્ય
જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે આશીર્વચન પાઠવતા કહ્યું હતું કે, સંસ્કૃત એ માત્ર વાતચીતની ભાષા નથી, પરંતુ આપણા ઋષિ-મુનિઓએ આપેલી સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાનું મૂળ છે. તેમણે નૂતન સંકુલની પ્રશંસા કરતા જણાવ્યું કે, શિક્ષણ અને સંસ્કારના આ સમન્વયથી આવનારી પેઢી વેદ અને શાસ્ત્રોના જ્ઞાનથી સુસજ્જ બની વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો પ્રકાશ ફેલાવશે. તેમણે અનેકતામાં એકતાનો સંદેશ આપતા આ સંસ્થાને વૈદિક પરંપરાના જતન માટેનું આદર્શ કેન્દ્ર ગણાવ્યું હતું. સંસ્થાનો ભવ્ય ઇતિહાસ
આ વેદ વિદ્યાલયની સ્થાપના પાછળ એક પવિત્ર સંકલ્પ જોડાયેલો છે. પૂજ્ય નર્મદાશંકર ભવાનીશંકર શુક્લ દ્વારા શુક્લ યજુર્વેદ અને ઉપનિષદના જ્ઞાનને જીવંત રાખવા માટે આ બીજ રોપાયું હતું. ત્યારબાદ પાંડુરંગ શાસ્ત્રીજી (દાદા) ની પ્રેરણા અને અનંતદેવ હરિશંકર શુક્લ તથા વૈદ્યરાજ અનિરૂદ્ધ શુક્લના સહયોગથી 1988માં ટ્રસ્ટની પુન: સ્થાપના કરવામાં આવી હતી. 17 ફેબ્રુઆરી, 1997ના રોજ આ મહાવિદ્યાલયની શરૂઆત થઈ હતી, જે આજે એક વિશાળ વટવૃક્ષ બનીને સંસ્કૃતિનું જતન કરી રહ્યું છે. આ ગરિમામય સમારોહમાં સંસ્થાના ટ્રસ્ટી ઉદય માહૂરકર, રાજ્યમંત્રી પી.સી. બરંડા, વિવિધ ધારાસભ્યો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
Read Original Article →