અપહરણ-દુષ્કર્મ કેસનો ત્રણ વર્ષથી ફરાર કેદી ઝડપાયો:આબુ રોડ પર મસ્જિદ પાસેથી LCBએ દબોચ્યો, ભીખ માંગી ગુજરાન ચલાવતો હતો

Gujarat5/16/2026, 6:30:38 AM
અપહરણ-દુષ્કર્મ કેસનો ત્રણ વર્ષથી ફરાર કેદી ઝડપાયો:આબુ રોડ પર મસ્જિદ પાસેથી LCBએ દબોચ્યો, ભીખ માંગી ગુજરાન ચલાવતો હતો
સાબરકાંઠા LCB ટીમે અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ત્રણ વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલા પાકા કેદીને રાજસ્થાનના આબુ રોડ પરથી ઝડપી પાડ્યો છે. આરોપી અલગ-અલગ મસ્જિદોમાં રહી જકાત માગી પોતાનું ગુજરાન ચલાવતો હતો. અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ઇડરના સાકરીયા ગામનો રહેવાસી આરીફભાઇ ગુલાબભાઇ શેખને 10 વર્ષની સજા થઈ હતી. તે અમદાવાદ મધ્યસ્થ જેલના કેદી નંબર ડી/14435 તરીકે સજા ભોગવી રહ્યો હતો. પેરોલ રજા પર આવ્યા બાદ તે છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હતો. સાબરકાંઠા LCB ટીમને બાતમી મળી હતી કે આરોપી આરીફભાઇ અલગ-અલગ મસ્જિદોમાં થોડો સમય રોકાઈ આજુબાજુમાં જકાત માગી પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે. જશુભાઇ અને જયદેવસિંહને મળેલી ચોક્કસ માહિતીના આધારે ટીમે રાજસ્થાનના આબુ રોડ ખાતે આવેલી જામા મસ્જિદ પાસેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીને LCB કચેરી ખાતે લાવી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને બાકીની સજા ભોગવવા માટે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, તલોદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી દિલીપભાઈ ઉર્ફે દીપક ઉર્ફે દીપુ દાઢી મનુભાઈ જેઠવાણીને પણ ઝડપી લેવામાં આવ્યો છે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલા તેના ઘરેથી પ્રાંતિજ પોલીસે તેને પકડી તલોદ પોલીસને સોંપ્યો હતો. પોશીના પોલીસે NDPSના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી ફરાર આરોપી શ્રવણભાઇ ઉર્ફે છોટુભાઇ જોનાભાઇ ગમારને પણ ઝડપી પાડ્યો છે. પોશીનાના ચંદ્રાણા ગામનો રહેવાસી આ આરોપી પોશીનામાં સરદાર ચોક પાસેથી પેટ્રોલિંગ દરમિયાન દીપકકુમારને મળેલી બાતમીના આધારે પકડાયો હતો.
Read Original Article →