બે સામે એટ્રોસિટી સહિત ફરિયાદ નોંધાવાઈ:હિંમતનગરની ખાનગી હોસ્પિટલના ડીરેકટર, મેનેજરે દર્દીના સગાને જાનથી મારી નાખવાની ધમકી આપી
હિંમતનગરમાં આવેલ હોપ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ એક દર્દીના સગાને વધુ સારી સારવારની જરૂર હોય તો મને કહેજો કહેવાનું એક અનુસૂચિત જાતિના યુવકને ભારે પડી ગઈ હતું અને હોસ્પિટલના સંચાલકોએ તેની નોકરીવાળી હોસ્પિટલમાં જઈને યુવકને જાતિવિષયક અપમાનિત કરી ધમકીઓ આપતા મામલો પોલીસ મથકે પહોંચતા બે વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. હિંમતનગર તાલુકાના વકતાપુર ગામના રહેવાસી મહર્ષિ જેઠાભાઈ પરમાર (ઉં.વ.43)ના મિત્ર નિકુલભાઈ મોંઘાભાઈ પરમારને અકસ્માત થયેલ હોઈ તા.26/05/26ના રોજ સવારે સાડા નવેક વાગ્યે હોપ હોસ્પિટલમાં ખબર કાઢવા ગયા હતા તે વખતે વિનોદ પાંડોર નામના શખ્સે કેમ આવ્યો છે પૂછતા મારા સંબંધીની ખબર પૂછવા આવ્યો છું કહી મહર્ષિભાઈ નિકુલભાઈની ખબર કાઢવા વોર્ડમાં ગયા હતા અને ત્યાં નિકુલભાઇના પિતા મોંઘાભાઈ તથા તેમના ભાઈ મળતા ખબર અંતર પૂછતા તેમણે નિકુલને હેમરેજ થયેલું અને ઓપરેશન કર્યાનું જણાવ્યું હતું. જેથી મહર્ષિભાઈએ તેમને કહ્યું હતું કે અહીં સારવાર ચાલુ છે તમારે વધુ સારી સારવારની જરૂર હોય તો મને કહેજો એમ કહીને મહર્ષિભાઈ હોપ હોસ્પિટલમાંથી નીકળી ગયા હતા અને તેમની નોકરી ઉપર પ્લુટો હોસ્પિટલમાં ગયા હતા. ત્યારબાદ બપોરે દોઢેક વાગ્યાના સુમારે હોસ્પિટલના ડાયરેક્ટર શબ્બીરઅલી મોમીન અને વિનોદભાઈ પાંડોર બંને જણા પ્લુટોમાં આવી ઉગ્ર આક્ષેપ કર્યો હતો કે, તું અમારી હોસ્પિટલમાં આવતા દર્દીઓને કેમ ખોટી સલાહ આપે છે? મહર્ષિભાઈએ કોઈને સલાહ ન આપ્યાનું જણાવતા મહર્ષિભાઈ કંઈ સમજે તે પહેલાં જ બંને આરોપીઓએ ફેટ પકડી જાહેરમાં મા-બહેન સામી ગંદી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં હું 100 કરોડનો આસામી છું તું મને ઓળખતો નથી કહી મહર્ષિભાઈને જાતિવિષયક અપમાનજનક અને હડધૂત કરતા શબ્દોનો પ્રયોગ કરી અપમાનિત કર્યા હતા. મહર્ષિભાઈએ હિંમતનગર એ-ડિવિઝન પોલીસ મથકે હોસ્પિટલના ડિરેક્ટર શબ્બીરઅલી મોમીન અને વિનોદભાઈ પાંડુર વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ તેમજ વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.
Read Original Article →