દબાણ કરાયા દૂર:હિંમતનગરના મહાવીરનગરમાં 800 મીટરનો ટીપી રોડ હવે દબાણ મુક્ત
હિંમતનગર શહેરના મહાવીરનગરમાં 9 મીટર પહોળાઈવાળા ટીપી રોડ પર બંને બાજુ સરેરાશ બે મીટર જેટલા પાકા દબાણો કરી રોડને સાંકડો કરી દેવાયા બાદ ઓક્ટો-24 થી પાલિકાએ નોટીસો આપી પર્યાપ્ત સમય આપવા છતાં રહીશોએ નિયત સમય મર્યાદામાં સ્વેચ્છાએ દબાણો દૂર ન કર્યા બાદ સ્થળ પર પહોંચેલ પાલિકા તંત્રએ ઓટલા, છાપરા, શેડ, પગથિયા, કમ્પાઉન્ડ વોલ, મકાનનો કેટલોક ભાગ સહિતના 64 જેટલા પાકા દબાણો દૂર કરતા મિલકત ધારકોમાં અજંપો જોવા મળ્યો હતો પરંતુ અહીંથી અવરજવર કરતા લોકોએ રસ્તાની પહોળાઈ વધતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી. હિંમતનગર શહેરના મહાવીરનગરમાં ગણપતિ મંદિરથી ઉમિયા સોસાયટી શાંતિ પાર્ક બાજુ જતા ટીપી રોડ પર રહીશો દ્વારા પાકા દબાણો કરી રોડને બે મીટર જેટલો સાંકડો કરી દેવાયો હોવાથી પાલિકા તંત્ર દ્વારા ઓક્ટો-24થી રોડ સાઈડ દબાણો સ્વેચ્છાએ ખુલ્લા કરવા લેખિત અને મૌખિક પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા જેમાં કેટલાક મિલકતધારકોએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. લાંબા સમયથી આ દબાણો યથાવત રહેતા પાલિકાએ તાજેતરમાં નોટીસ આપી હતી અને નિયત સમય મર્યાદા વીતી જવા છતાં પણ દબાણો દૂર ન કરાતા પાલિકાનો કાફલો આવી પહોંચ્યો હતો અને બુલડોઝર એક્શન જોવા મળ્યા બાદ મકાન માલિકોમાં રીતસરનો અજંપો જોવા મળ્યો હતો પાલિકાએ દબાણ દૂર કરી 7 મીટરના બની ગયેલ ટીપી રોડને 9 મીટર મૂળ સ્વરૂપમાં લાવી દીધો છે. આ દરમિયાન અહીંથી પસાર થઈ રહેલ અનિલભાઈ પટેલે રસ્તો ખુલ્લો થતા ખુશી વ્યક્ત કરી હતી અને સમગ્ર શહેરમાં રસ્તા પરના દબાણો દૂર થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. પાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવીએ જણાવ્યું કે નિયમાનુસાર તમામને નોટિસ આપી હતી. ગણપતિ મંદિરથી શાંતિ પાર્ક બાજુ જતા ટીપી રોડના 800 મી. વિસ્તારમાં રોડ સાઈડે ઓટલા, પગથિયા, શેડ, કમ્પાઉન્ડ વોલ સહિત 64 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે.
Read Original Article →