કાર્યવાહી:સાબરકાંઠામાં ​147 વાહનોમાં સફેદ એલઇડી હોવાથી રૂ. 1.47 લાખનો દંડ

Gujarat6/4/2026, 1:06:04 AM
સાબરકાંઠા જિલ્લામાં નિયમ વિરુદ્ધ લગાવાતી વ્હાઇટ એલઇડી લાઇટ સામે આરટીઓએ કાર્યવાહી કરી છે. છેલ્લા પાંચ માસમાં આરટીઓ કચેરીએ વ્હાઇટ એલઇડી ધરાવતા 147 વાહન પકડી કુલ રૂ. 1.47 લાખનો દંડ ફટકાર્યો છે. આંખના નિષ્ણાતોના જણાવ્યા મુજબ તેજ પ્રકાશથી આંખોને એડજસ્ટ થવામાં 5થી 10 સેકન્ડ લાગે છે. આ કારણે અકસ્માતની સંભાવના 30 ટકા સુધી વધી જાય છે. વ્હાઇટ બલ્બ લગાવેલા વાહનોની તીવ્ર લાઇટથી સામેથી આવતા ચાલકોની આંખો અંજાઈ જાય છે. લાઇટ પડતા ચાલકની આંખ એકાદ બે સેકન્ડ વિઝન ગુમાવે છે. ત્યાર બાદ આંખોને સામાન્ય થવામાં 5 થી 10 સેકન્ડ લાગે છે. આ સમયગાળા દરમિયાન આગળનો રસ્તો દેખાતો નથી.જેના કારણે અકસ્માતની ઘટનાઓ પણ બને છે. રાજ્ય વાહન વ્યવહાર કમિશનરે જાન્યુઆરીમાં ગેરકાયદે વ્હાઇટ એલઇડી લાઇટ લગાવનાર સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ત્યારબાદ સાબરકાંઠા આરટીઓ કચેરીએ હાઇવે અને શહેરી વિસ્તારોમાં સ્પેશિયલ ડ્રાઇવ યોજી હતી. જાન્યુઆરી 2026 થી મે 2026 દરમિયાન 147 વાહનચાલકોને રૂ. 1.47 લાખનો દંડ કરાયો હતો. આ અંગે સાબરકાંઠા આરટીઓ અધિકારી જીગર પટેલે જણાવ્યું હતું કે વાહનોમાંથી લોકો ગેરકાયદેસર એલઇડી લાઇટ દૂર કરે તે માટે ચેકિંગ સતત ચાલુ છે, જે બાદ પણ લોકોમાં જાગૃતતા નહીં આવે તો અંતે રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ કરાશે. લાઇટની સીધી અસરથી આંખે અંધારા આવી જાય છે. આંખના ડોક્ટર આંખના ડોક્ટર મેહુલ પટેલે કહ્યું કે ઉચ્ચ તીવ્રતાવાળી અનઅધિકૃત એલઇડી લાઇટ સામે આવતા ચાલકની આંખ પર સીધી ચમક પડે છે. જેના કારણે આંખે અંધારા આવી જાય છે. અચાનક તેજ પ્રકાશથી આંખોને એડજસ્ટ થવામાં 5 થી 10 સેકન્ડ લાગે છે. આ દરમિયાન રસ્તો દેખાતો નથી.
Read Original Article →