108ની ટીમની સરાહનીય કામગીરી:108ની ટીમે એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી માતા-બાળકનો જીવ બચાવ્યો
સોમવારે મળસ્કે જાદર 108ની ટીમે રસ્તામાં એમ્બ્યુલન્સ ઉભી રાખી અત્યંત જોખમી ગણાતી ડિલિવરી સફળતાપૂર્વક કરાવી માતા અને નવજાત બાળકને નવજીવન આપ્યું છે. ઘટનાની વિગત આપતાં ડિસ્ટ્રિક્ટ મેનેજર જૈમીન પટેલે જણાવ્યું કે સોમવારે વહેલી સવારે 2:14 કલાકે જાદર 108 ટીમને બોલુન્દ્રા (સોનગરા) ગામે ખેતર વિસ્તારમાં એક સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડી હોવાનો કોલ મળ્યો હતો. ગંભીરતા સમજી ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન (EMT) સુરેશભાઈ રાવળ અને પાયલોટ શિવરામભાઈ સુતરીયા તાત્કાલિક લોકેશન પર પહોંચ્યા હતા. દર્દી ખેતરમાં હોવાથી ત્યાં જઈ પ્રાથમિક તપાસ કરી હતી અને દર્દીને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જોકે, હોસ્પિટલ જતી વખતે રસ્તામાં જ પ્રસૂતિની પીડા અસહ્ય વધી ગઈ હતી. આ કેસ હાઈ રિસ્ક' (ચોથી ડિલિવરી) હોવા છતાં ટીમે સમયસૂચકતા વાપરી એમ્બ્યુલન્સ રસ્તામાં જ ઉભી રાખી દીધી હતી. ERCP ડોક્ટરની ટેલિફોનિક સલાહ અને માર્ગદર્શન હેઠળ EMT સુરેશભાઈએ કુશળતાપૂર્વક એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી હતી. માતાએ એક તંદુરસ્ત બાળકને જન્મ આપતાં જ સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. સફળ પ્રસૂતિ બાદ માતા અને બાળક બંનેને સુરક્ષિત રીતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH), ઇડર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Read Original Article →