હુમલો:નવલનગરના બગીચામાં યુવક પર હુમલો: ગાળો બોલવાની ના પાડતા કડાથી માથું ફોડ્યું

Gujarat5/13/2026, 12:00:00 AM
રાજકોટ શહેરના નવલનગર વિસ્તારમાં આવેલા બગીચામાં મોડીરાત્રે યુવક પર હુમલો થયાની ઘટના સામે આવી છે. જાહેરમાં ગાળો બોલવાની ના પાડતા બે શખ્સ ઉશ્કેરાઈ ગયા હતા અને યુવકને ઢીકાપાટુનો માર મારી કડાથી માથામાં ફટકો મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે માલવિયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદ મુજબ કૃષ્ણનગર શેરી નં.10માં રહેતા અને માર્કેટિંગનું કામ કરતા ધ્રુવ ભાવેશભાઈ ચોટાઈ પોતાના મિત્ર પાયલબેન દાફડા સાથે કૃષ્ણ ડેરી સામે આવેલા નવલનગરના બગીચામાં બેઠા હતા. દરમિયાન બે શખ્સ બગીચામાં આવી જોરજોરથી ગાળો બોલવા લાગ્યા હતા. ધ્રુવે તેઓને ગાળો બોલવાની ના પાડતા બંને ઉશ્કેરાઈ ગયા હતા અને માથાકૂટ શરૂ કરી હતી. આરોપી મયૂર જગદીશભાઈ મોરબિયાએ હાથમાં પહેરેલા કડાથી ધ્રુવના માથામાં ફટકો મારતા લોહી નીકળવા લાગ્યું હતું. યુવતી વચ્ચે પડતા તેને પણ ગાળો આપી મારામારી કરવામાં આવી હતી.
Read Original Article →