લ્યો બોલો!:ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ તે જ દિવસે મનપાએ 15 ટેન્ડર વેબસાઈટ પર ચડાવ્યા!
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. હાલ આચારસંહિતા હોવાથી મનપા કોઇ કાર્યક્રમો ન કરી શકે તેમજ ટેન્ડર પણ બહાર પાડી ન શકે. જોકે મનપામાં બધાને અણસાર તો હતો જ કે ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે તેમ છે. જેને લઈને મનપાએ ટેન્ડર તૈયાર કરીને જ રાખ્યા હતા અને ચૂંટણી જાહેર થવાની જ રાહ જોવાતી હતી. ચૂંટણી જાહેર કરવા માટે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ બોલાવી ત્યાં તુરંત જ મનપાએ ધડાધડ વેબસાઈટ પર ટેન્ડર ચડાવવાના ચાલુ કરી દીધા હતા અને કલાકોમાં જ નવા 15 ટેન્ડર પ્રસિદ્ધ થઈ ગયા હતા. આ 15 ટેન્ડરમાં આવાસ યોજનાના ટેન્ડર છે જે અગાઉથી જ નક્કી હતા. આ સિવાય અલગ અલગ વિસ્તારો ખાસ કરીને માધાપરમાં કાચા રોડ પર મેટલિંગકામ કરવાના ટેન્ડર, વિવિધ રોડ પર પેવર બ્લોકના કામનું ટેન્ડર, ટોઈલેટ બ્લોક બનાવવાનું કામ, સિમેન્ટ રોડ બનાવવાના કામ, બાયો મેડિકલ વેસ્ટ અંગેનું ટેન્ડર સહિતની બાબતોનો સમાવેશ થાય છે. આ તમામ ટેન્ડરની છેલ્લી તારીખ 20 તારીખની આસપાસ છે એટલે કે મતદાન પહેલાં જ ટેન્ડરની તારીખ પૂરી થાય છે. ત્યારબાદના 10 દિવસ સુધીમાં અધિકારીઓ મોટાભાગની કામગીરી પૂરી કરી લેશે. નવી બોડી આવતા વેંત જ કરશે નવા ટેન્ડરનો ‘વહીવટ’
ટેન્ડર બાદ કામ શરૂ કરવાની વહીવટી મંજૂરી સ્ટેન્ડિંગ કમિટીમાં મળે છે. ત્યારબાદ જ એજન્સી કામ ચાલુ કરી શકે છે. હાલ અધિકારીઓએ ટેન્ડરની લાઈન કરી દીધી છે અને નવી બોડી આવશે એટલે તેનું લિસ્ટ તૈયાર થઈ જશે અને ત્યારબાદ દરખાસ્ત બનશે. સ્ટેન્ડિંગ કમિટીની રચના થશે એટલે તુરંત જ આ દરખાસ્તોને લઈને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે અને મંજૂરી અપાશે. આ વહીવટ થઈ ગયા બાદ હવે નવા કામ શરૂ કરી શકાશે.
Read Original Article →