ફળઝાડના નામે સરકારી જમીન હડપવાનું બહાનું નિષ્ફળ:ફળઝાડના હેતુની જમીનમાં 2021ને બદલે 448 વૃક્ષનો જ ઉછેર કર્યો એટલે જમીન શ્રીસરકાર

Gujarat4/6/2026, 12:40:53 AM
રાજકોટ શહેર નજીક ફળઝાડના હેતુ માટે કિંમતી સરકારી જમીન મેળવી લીધા બાદ સરકારના જમીન ફાળવણીના નિયમ મુજબ આવી જમીનમાં વૃક્ષનું વાવેતર કરવામાં આવતું ન હોવાથી તાજા ભૂતકાળમાં ત્રણેક આસામીઓ સામે શરતભંગના પગલાં લઇ આસિસ્ટન્ટ કલેક્ટરે જમીન ખાલસા કરવા હુકમ કર્યો હતો. જે પૈકી રાજકોટ તાલુકાના ફાળદંગ ગામે ફળઝાડના હેતુ માટેની જમીનમાં પૂરતા પ્રમાણમાં નિયમ મુજબ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું ન હોવાથી શ્રીસરકાર થયેલી જમીન બચાવવા અપીલ કરનાર આસામીની અપીલ જિલ્લા કલેક્ટરે ફગાવી દઈ મદદનીશ કલેક્ટરનો હુકમ યથાવત્ રાખ્યો હતો. આ કેસમાં ફળઝાડના હેતુ માટે જમીન મેળવનાર આસામીએ છ એકર જમીન બચાવવા વૃક્ષ ન ઉછેરવા માટે ક્લાઇમેટ ચેન્જનું બહાનું આગળ ધર્યું હતું, પરંતુ કલેક્ટરે આ બહાનાને ફગાવી દીધું હતું. રાજકોટ તાલુકાના ફાળદંગ ગામના રેવન્યુ સરવે નંબર 253 પૈકી 1ની 6 એકર જમીન વર્ષ 1970માં નાયબ કલેક્ટર રાજકોટ દ્વારા 30 વર્ષ માટે ફળઝાડ ઉછેરના હેતુ માટે લાભચંદ દેવચંદ કોટકને નવી અને અવિભાજ્ય શરતે ફાળવી હતી.જેમાં મૂળ લાભાર્થીના અવસાન બાદ ચાર વારસદારના નામે જમીન વારસાઈ કરી છેલ્લે ચંદ્રકાન્ત લાભચંદ કોટકના નામે આવેલી છે. આ જમીનમાં નિયમ મુજબ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું ન હોવાની સાથે ભાડાપટ્ટાની મુદત પણ પૂર્ણ થઇ હોય મદદનીશ કલેક્ટર રાજકોટ સિટી-2 દ્વારા શરતભંગના પગલાં લઈ વર્ષ 2025માં સરકાર દાખલ કરવા હુકમ કર્યો હતો. આ હુકમ સામે લાભાર્થીએ જિલ્લા કલેક્ટર સમક્ષ અપીલ કરી વૃક્ષની ઓછી સંખ્યા મામલે ક્લાઇમેટ ચેન્જની અસર તળે વૃક્ષ બળી ગયા હોવાનું તેમજ કેળા અને પપૈયાના વૃક્ષ બે વર્ષમાં જ સુકાઈ જતા હોવાનું અને ઝેરી અસર તળે અન્ય ઝાડ સૂકાઈ ગયાની દલીલ કરી હતી. જોકે જિલ્લા કલેક્ટરે છ એકર જમીનમાં નિયમ મુજબ 2021 વૃક્ષને બદલે માત્ર 448 વૃક્ષનું જ વાવેતર હોય મદદનીશ કલેક્ટરના હુકમને યથાવત્ રાખી જમીન સરકાર હસ્તક લેવા હુકમ કર્યો હતો. ફળઝાડના હેતુ માટે એક એકરે 335 વૃક્ષનું વાવેતર કરવું પડે સરકાર દ્વારા ફળઝાડના હેતુ માટે ફાળવવામાં આવતી સરકારી જમીનમાં નિયમ મુજબ પ્રતિ એક એકરમાં ફળઝાડના 200 અને ઇમારતી પ્રકારના 135 વૃક્ષ વાવેતર કરવાનો નિયમ છે. જે નિયમ મુજબ પ્રસ્તુત કેસમાં છ એકર જમીનમાં નિયમાનુસાર 2021 વૃક્ષ વાવવાને બદલે ભાડાપટ્ટે જમીન રાખનારે માત્ર 448 જ વૃક્ષ વાવ્યા હોવાનું પંચરોજકામમાં સામે આવ્યું હતું. ભાડાપટ્ટેદારે વૃક્ષ બળી જવા પાછળ જમીનમાં મુંડા આવી જવા, કુદરતી સુકારો, વાવાઝોડું, ઉંદર જવાબદાર હોવાની પણ અપીલ કેસ દરમિયાન દલીલ કરી હતી.
Read Original Article →