સૌરાષ્ટ્ર યુનિ.માં ‘અંધેર નગરી ને ગંડુ રાજા’:55 વર્ષના ‘કાકા’ પરીક્ષા આપી ગયા અને હવે લાયક ઉમેદવારોના ડોક્યુમેન્ટ પોર્ટલમાંથી ગાયબ!

Gujarat4/8/2026, 12:00:00 AM
સૌરાષ્ટ્ર યુનિ.માં ‘અંધેર નગરી ને ગંડુ રાજા’:55 વર્ષના ‘કાકા’ પરીક્ષા આપી ગયા અને હવે લાયક ઉમેદવારોના ડોક્યુમેન્ટ પોર્ટલમાંથી ગાયબ!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડો અને વહીવટી લાલિયાવાડીનો વધુ એક વરવો નમૂનો સામે આવ્યો છે. આસિસ્ટન્ટ ક્લાર્ક અને ડેટા એન્ટ્રી ઓપરેટર સહિતની જુદી જુદી ભરતીમાં અગાઉ 35 વર્ષની વયમર્યાદા હોવા છતાં 55 વર્ષના ‘કાકા’ને પરીક્ષા આપવા દઈને યુનિવર્સિટીએ પોતાની મજાક ઉડાવી હતી. હવે, જ્યારે મહેનત કરીને પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવ્યા છે, ત્યારે યુનિવર્સિટીની ભંગાર સિસ્ટમે તેમને ‘નાપાસ’ જાહેર કરવાની પેરવી કરી છે. પોર્ટલ પર અપલોડ કરેલા ડોક્યુમેન્ટ્સ ગાયબ થઈ જતાં ઉમેદવારો મંગળવારે મોડીરાત સુધી યુનિવર્સિટી કેમ્પસમાં જ ન્યાય માટે ટળવળતા રહ્યા હતા, ધરણા કર્યા હતા. ઉમેદવારોએ પુરાવા સાથે રજૂઆત કરી કે, તેમણે ફોર્મ ભરતી વખતે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હતા, તો જ હોલ ટિકિટ જનરેટ થઈ હોય. જોકે રિક્રૂટમેન્ટ સેલના વડા અને હાજર અધિકારીઓએ પોતાની ટેક્નિકલ ખામી સ્વીકારવાને બદલે ઉમેદવારો પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. અધિકારીઓએ ઉદ્ધત વર્તન કરતા કહ્યું કે, ‘તમે જ અપલોડ નહીં કર્યા હોય, તમારો જ વાંક છે,’ તેમ કહી ઉમેદવારોને સાંભળ્યા વગર જ કાઢી મૂક્યા હતા. અધિકારીઓના તુમાખીભર્યા વર્તનથી કંટાળેલા ઉમેદવારો ન્યાયની આશાએ કુલપતિ પાસે દોડી ગયા હતા, પરંતુ ત્યાં પણ તેમને નિરાશા જ સાંપડી. કુલપતિએ ફરી રિક્રૂટમેન્ટ સેલમાં જવાનું કહીને પલ્લું ઝાડી લીધું હતું. આમ, એક ઓફિસથી બીજી ઓફિસ સુધી ઉમેદવારોને ફૂટબોલની જેમ ફેરવવામાં આવ્યા હતા. છેવટે હારેલા ઉમેદવારો મંગળવારે મોડી રાત્રે 8 વાગ્યા સુધી રજિસ્ટ્રાર ઓફિસની બહાર જ બેસી રહ્યા હતા, રજિસ્ટ્રારને લેખિત રજૂઆત કરી અને અંતે તેમણે પોતાની સિસ્ટમમાં કોઈ ખામી છે કે કેમ તે તપાસવાની ખાતરી આપી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે શિક્ષણધામને બદલે વિવાદોનું કેન્દ્ર બની ગઈ છે. એકબાજુ ગેરકાયદેસર રીતે મોટી ઉંમરના લોકોને પરીક્ષામાં બેસવા દેવાય છે અને બીજીબાજુ લાયક ઉમેદવારોને ટેક્નિકલ ખામીના બહાને હેરાન કરવામાં આવે છે. જો આ મામલે તાત્કાલિક ટેક્નિકલ તપાસ કરી ઉમેદવારોના ડોક્યુમેન્ટ માન્ય રાખવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં વિદ્યાર્થી સંગઠનો પણ આ મામલે ઉગ્ર રજૂઆત કરવાના હોવાનું જાણવામળ્યું છે. શંકા ઉપજાવતા સવાલ | ડોક્યુમેન્ટ કેમ ગાયબ થઇ ગયા? 15થી વધુ ભોગ બન્યા 1 ટેક્નિકલ જાદુગરી કે લાપરવાહી? | ઉમેદવારે ડોક્યુમેન્ટ અપલોડ જ નહોતા કર્યા, તો ફોર્મ સબમિટ કેવી રીતે થવા દીધું? શું સિસ્ટમ એટલી ભંગાર છે કે અધૂરા ફોર્મ પણ સ્વીકારી લે છે? 2 એડમિટ કાર્ડનો ખેલ | શૈક્ષણિક વિગતો વિના ક્યા આધારે યુનિવર્સિટીએ આ ઉમેદવારોના એડમિટ કાર્ડ (હોલ ટિકિટ) જનરેટ કર્યા? 3 ડેટા ગાયબ થવાનું રહસ્ય | ફોર્મ ભરતી વખતે જે વિગતો દેખાતી હતી, તે વેરિફિકેશનના દિવસે જ કેમ ગાયબ થઈ ગઈ? શું આ લાયક ઉમેદવારોને સિસ્ટમમાંથી બહાર કરવાનો કારસો છે? 4 55 વર્ષના ‘કાકા’ પર મહેરબાની કેમ? | 35 વર્ષની મર્યાદા હોવા છતાં 55 વર્ષના ઉમેદવારો પરીક્ષા આપી ગયા, ત્યારે રિક્રૂટમેન્ટ સેલ ઊંઘતું હતું? 5 સિક્યોરિટી ઓડિટ ક્યાં? | લાખો રૂપિયાના ખર્ચે જે પોર્ટલ બનાવ્યું છે, તેનું સિક્યોરિટી કે ડેટા ઓડિટ છેલ્લે ક્યારે થયું હતું? વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ સાથેના ચેડાં માટે જવાબદાર કોણ? 6 આ છે વહીવટી મોડેલ? | દિવસભર રજૂઆત કરવા છતાં રાત સુધી ઉમેદવારોને બેસાડી રાખવા એ કયા પ્રકારનું વહીવટી મોડેલ છે?
Read Original Article →