ચોરી:રાજકોટના બજરંગવાડીમાં નમકીનના ગોડાઉન અને ભાડૂઆતના ઘરમાં તસ્કરોનો હાથફેરો

Gujarat5/13/2026, 12:00:00 AM
રાજકોટ શહેરમાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. શહેરના બજરંગવાડી વિસ્તારમાં નમકીનના ગોડાઉન તથા ઉપર આવેલા ભાડૂઆતના મકાનમાં તસ્કરોએ તાળાં તોડી રોકડ અને દાગીના સહિત કુલ રૂ.53,900ની માલમતા ચોરી જતાં પોલીસ દોડતી થઈ હતી. પોલીસ ફરિયાદ મુજબ રેલનગર શિવાલિક ચોક પાસે દ્વારિકા વિલેજ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રજેશભાઈ શૈલેષભાઈ મશરૂ બજરંગવાડી પુનિતનગર મેઈન રોડ પર પોતાના મકાનના નીચેના માળે નમકીનનું ગોડાઉન ચલાવે છે. ઉપરના માળે ગૌરાંગભાઈ રામાવત છેલ્લા બે વર્ષથી ભાડે રહે છે. ગૌરાંગભાઈ વીસેક દિવસથી જામનગર વતન ગયા હોવાથી મકાન બંધ હતું. ગત 3 મેના રોજ પ્રજેશભાઈ ગોડાઉન બંધ કરી ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે તેમના પિતા ત્યાં પહોંચતાં ગોડાઉન અને ઉપરના મકાનના તાળાં તૂટેલા જોવા મળ્યા હતા. તપાસ કરતાં ગોડાઉનમાંથી સ્ટીલના ડબ્બામાં રાખેલા રૂ.15 હજાર રોકડા ચોરી ગયા હોવાનું સામે આવ્યું હતું. ઉપરના માળે ભાડૂઆતના રૂમમાં કબાટના લોક તોડી સામાન વેરવિખેર કરાયો હતો. ગૌરાંગભાઈના જણાવ્યા મુજબ સોનાની વીંટી, ચાંદીના દાગીના તથા રૂ.10 હજાર રોકડા મળી કુલ રૂ.28,900ની મતા ચોરાઈ હતી. ગાંધીગ્રામ પોલીસ દ્વારા આ કામગીરી કરાઇ હતી.
Read Original Article →