સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D.ના વિદ્યાર્થીઓ માટે ફેસિલીટેશન સેન્ટર બનશે:નેશનલ-ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો ખર્ચ અપાશે, યુનિવર્સિટીના 60મા સ્થાપના દિવસની અનોખી ઉજવણી

Gujarat5/22/2026, 4:24:46 AM
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D.ના વિદ્યાર્થીઓ માટે ફેસિલીટેશન સેન્ટર બનશે:નેશનલ-ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો ખર્ચ અપાશે, યુનિવર્સિટીના 60મા સ્થાપના દિવસની અનોખી ઉજવણી
23 મે,1967માં સ્થપાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 60મા સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં વિદ્યાર્થીઓલક્ષી સુવિધાઓ માટે રૂ .235 કરોડના કુલ બજેટમાં રૂ.78.99 કરોડની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોન્ફરન્સમાં જવા માટેનો તમામ ખર્ચ યુનિવર્સિટી ઉઠાવશે, પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ પોતાનું રિસર્ચ સરળતાથી કરી શકે તે માટે આગામી બે માસમાં ફેસિલિટેશન સેન્ટરનું નિર્માણ થશે. યુનિવર્સિટીના તમામ ભવનોને નવીનતમ કામ માટે રૂ.3- 3 લાખની વધારાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે. જોકે આ વખતે PMની ઈંધણ બચતની અપીલના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપના દિવસની ઉજવણી ધામધૂમથી નહીં પણ સાદાયથી કરવામાં આવશે. હિરક જયંતિ ને બજેટમાં અલગથી જોગવાઈ કુલપતિ ડૉ.ઉત્પલ જોશીએ દિવ્યભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દર વર્ષે 31મી માર્ચે બજેટ જાહેર કરવામાં આવતું હોય છે. પરંતુ આ વખતે યુનિવર્સિટીનો 60મો સ્થાપના દિવસ એટલે હિરક જયંતિ ઉજવાઈ રહી છે, ત્યારે તે માટે બજેટમાં અલગથી જોગવાઈ કરવામાં આવેલી છે. રૂ.220 કરોડની આસપાસનું આ બજેટ છે અને રૂ.32 કરોડની પુરાંત વાળું બજેટ છે. વિદ્યાર્થીઓને રૂ.10,000 અને થ્રી ટાયર એસીનું ભાડું યુનિવર્સિટી ચૂકવશે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે નવા પ્રકલ્પો શરૂ થાય તે માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. દાખલા તરીકે યુનિવર્સિટીમાં Phd કરતા વિદ્યાર્થીઓ છે તેઓને ગુજરાતની બહાર કે અન્ય દેશમાં જવું હોય તો ત્યાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પણ ફરજ માટે રજીસ્ટ્રેશન ફી રૂપિયા 7000 જેટલી થઈ ગઈ છે. ઘણી વખત વિદ્યાર્થીઓ ફેલોશિપ સાથે અથવા તો ફેલોશિપ વિના કામ કરતા હોય તો તેઓને ત્યાં જવું મુશ્કેલ પડતું હોય છે. જેથી યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરતા તમામ વિદ્યાર્થીઓને રૂ.10,000ની રજીસ્ટ્રેશન ફી અને કોન્ફરન્સમાં જવા માટે ટ્રેનમાં થ્રી ટાયર એસીનું ભાડું યુનિવર્સિટી ચૂકવશે. આગામી બે મહિનામાં ફેસીલીટેશન સેન્ટર તૈયાર થશે આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓ માટે આગામી બે મહિનામાં ફેસીલીટેશન સેન્ટર તૈયાર થશે. જ્યાં પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરની જરૂર રહેતી હોવાથી તેના એક એક્સપર્ટ સાથે કોમ્પ્યુટર મૂકવામાં આવશે. આ ઉપરાંત ફોરેન કરન્સીમાં આવતા તમામ સંદર્ભ ગ્રંથો ત્યાં રાખવામાં આવશે. આજે આપણે મલ્ટી ડિસિપ્લિનરીની વાત કરતા હોય પરંતુ હકીકત એ છે કે અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ હોય તો તે બાયો સાયન્સના વિદ્યાર્થીઓને ઓળખતા જ નથી હોતા કે ફિઝિક્સના વિદ્યાર્થીઓ ઇતિહાસના વિદ્યાર્થીઓને ઓળખતા નથી હોતા પરંતુ હવે ફેસિલિટેશન સેન્ટરનું નિર્માણ થતાં પીએચ.ડી.ના તમામ વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતચીત કરી પોતાના સંશોધનને વધુ સુદ્રઢ બનાવી શકશે. ભવનોને નવીનતમ કાર્ય માટે રૂ.3- 3 લાખની ગ્રાન્ટની ફાળવણી આ સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 29 ભવનો છે તે તમામ ભવનોને નવીનતમ કાર્ય માટે રૂ.3- 3 લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે. જે ગ્રાન્ટ મૂળ બજેટ સિવાયની હશે. જેમાં કોઈ ભવનને સ્માર્ટ ક્લાસ બનાવવો છે કે ઇન્ટ્રેક્ટિવ પેનલ તૈયાર કરવી છે તો તે થઈ શકશે. આ ઉપરાંત અધ્યાપકોને આપવામાં આવતી સીડ મની માટેની ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ NAAC (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેરેડીએશન કાઉન્સિલ) અને NIRF (નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક) માટે અલગ બજેટની જોગવાઈ થઈ છે. યુનિવર્સિટીના 60 મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે વર્ષ દરમિયાન વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખી અલગ અલગ નવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 60 માં સ્થાપના દિવસની અનોખી ઉજવણી માટે અલાયદું બજેટ
Read Original Article →