સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ ખાડે !:B.Sc.નર્સિંગના સેમ.8 ના 600 વિદ્યાર્થીઓનું ઓનલાઇન પરિણામ જાહેર થયાના 2 માસ બાદ પણ હાર્ડકોપીમાં માર્કશીટ મળી નથી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ ખાડે ગયો છે તેનો પ્રતીતિ કરાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. યુનિવર્સિટીમાં B.Sc. નર્સિંગમાં અભ્યાસ કરતા 600 થી વધુ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયાના બે મહિના બાદ પણ માર્કશીટની હાર્ડકોપી પ્રાપ્ત થઈ નથી. જેને લીધે આ વિદ્યાર્થીઓનું નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન અટક્યું છે અને તેથી તેઓને નોકરીની સારી તક ગુમાવવી પડી રહી છે. જુના અને નવા સોફ્ટવેરનો ડેટા મેચ થઈ રહ્યો ન હોવાથી આ સમસ્યા સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યુ છે. જોકે પરીક્ષા નિયામક ડીનનો અભિપ્રાય લેવાનો હોવાનું ગાણું ગાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નોકરીથી વંચિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફેબ્રુઆરી 2026 માં બીએસ.સી.નર્સિંગની પરીક્ષા લેવામાં આવી હતી 600થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે બાદ તેનું પરિણામ ગત તા.7 એપ્રિલના ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું. જોકે આ પછી આજે 8 જૂન સુધી એટલે કે બે માસ બાદ પણ વિદ્યાર્થીઓને માર્કશીટની હાર્ડકોપી મળી નથી. જેને કારણે નર્સિંગ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું નથી અને તેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નોકરીથી વંચિત છે અને અન્ય યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ સારી જોબ મેળવી આગળ વધી રહ્યા છે. અહીંના વિદ્યાર્થીઓ પણ એવો સવાલ કહી રહ્યા છે કે શું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણ્યા એ અમારો વાંક? આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહનો સંપર્ક કરવામાં આવતા તેમને જણાવ્યુ હતુ કે, હા બી.એસસી. નર્સિંગના સેમેસ્ટર - 8 નું પરિણામ હાર્ડકોપીમાં વિદ્યાર્થીઓને મળ્યું નથી તે હકીકત છે પરંતુ તેમાં અગાઉ યરલી એટલે કે વાર્ષિક પરીક્ષાની સિસ્ટમ હતી પરંતુ ત્યારબાદ સેમેસ્ટર સિસ્ટમ દાખલ થતા પરિણામ કઈ રીતે જાહેર કરવું તેની મુશ્કેલી ઊભી થઈ છે જોકે આ બાબતે મેડિકલ ફેકલ્ટીના ડીન નંદિની દેસાઈની અભિપ્રાય માંગવામાં આવ્યો છે. જે અભિપ્રાય આવ્યા બાદ વિદ્યાર્થીઓને હાર્ડકોપીમાં પરિણામ આપવામાં આવશે. પરંતુ હકીકત એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એપ્રિલ 2022 માં પ્રવેશ લેતા આ વિદ્યાર્થીઓના ફોર્મ શરૂઆતમાં રૂબરૂ સ્વીકારવામાં આવતા હતા અને ત્યારબાદ સોફ્ટવેર ચેન્જ થતા ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ કરાયું. હવે આ વિદ્યાર્થીઓના પ્રથમ બે વર્ષનો ડેટા જૂના સોફ્ટવેરમાં છે અને તે પછીના વર્ષોમાં નવો ઇન્ફિનિટી સોફ્ટવેર આવ્યો. પરંતુ આ બંને સોફ્ટવેરના ડેટા મેચ ન થતા મુશ્કેલી ઊભી થઈ છે. આ સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ એ પણ રાહ જોઈ રહ્યો છે કે અન્ય યુનિવર્સિટી બી. એસસી. નર્સિંગના નવી સેમેસ્ટર સિસ્ટમ સાથેની માર્કશીટ હાર્ડકોપીમાં વિદ્યાર્થીઓને આપે ત્યારબાદ તે ફોર્મેટ મૂજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને માર્કશીટની હાર્ડકોપી આપવામાં આવે.
Read Original Article →