સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભરતીમાં લાગવગનો આક્ષેપ:જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં પાસ 30 ઉમેદવારોને ખોટી રીતે રિજેક્ટ કરાતા રજીસ્ટ્રારનો ઘેરાવ કરાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભરતી ફરી એક વખત વિવાદમાં આવી છે. યુનિવર્સિટીમાં નોન ટિચિંગની 59 કાયમી જગ્યા પર ભરતી માટે 767 ઉમેદવારોએ 16 માર્ચના પરીક્ષા A આપી હતી. જે અગાઉ પરીક્ષા ફી ભર્યા બાદ ફાઇનલ સબમિટ ન કરતા 142 ઉમેદવારોને ઘેર લાયક ઠેરવવામાં આવ્યા હતા. જેમાં પણ બબ્બે વખત ફાઈનલ સબમિટના ઓપ્શનથી ઉમેદવારો ભૂલ કરી બેઠા હતા. ગેરલાયક ઠરતા રોસ જોવા મળ્યો હતો. જે બાદ આજે 30 જેટલા ઉમેદવારોને એજ્યુકેશન ડોક્યુમેન્ટ સબમિટ ન કરવા બદલ ગેરલાયક ઠેરવવામાં આવ્યા. જેથી તેઓ પરીક્ષા B નહીં આપી શકે. જોકે આ ઉમેદવારો એવા છે કે જેમનું ફોર્મ યુનિવર્સિટી દ્વારા સ્વીકારવામાં આવ્યું. જે બાદ તેમની પરીક્ષા લેવામા આવી અને તેમને પાસ પણ કરવામાં આવ્યા પરંતુ બાદમાં ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં એજ્યુકેશનના ડોક્યુમેન્ટ અપલોડ ન કર્યા હોવાનું કહી રીજેક્ટ કરવામાં આવ્યા છે. જોકે ઉમેદવારોએ યુનિવર્સિટી ન વેબસાઈટની એરરના આ થયું હોવાનો આક્ષેપ કરી કુલસચિવ અજયસિંહ જાડેજાને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને યુનિવર્સિટીની ભરતીમાં સેટિંગ થયાનો આક્ષેપ કરાયો હતો. જોકે આ બાબતે કુલસચિવે કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું. અમરેલી જિલ્લામાંથી આવેલા ઉમેદવાર પાયલ બાબરીયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્ક ની ભરતી માટેની જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં હું પાસ થઈ છું તેથી મને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવી હતી. જોકે અમે જ્યારે અહીં આવ્યા ત્યારે અમને કહેવામાં આવ્યું કે તમે ક્વોલિફાય નથી. કારણકે તમે ડોક્યુમેન્ટ સબમીટ કરેલા નથી. જોકે મેં ડોક્યુમેન્ટ સબમિટ કરેલા છે. અમને કહેવામાં આવ્યું કે ડોક્યુમેન્ટ સબમીટ કર્યા હોય તેનું પ્રુફ શું છે? અમે જે પ્રિન્ટ કાઢેલી છે તેમાં પણ ડોક્યુમેન્ટ સબમિટ બાબતે અમને બતાવતા નથી. આ તો એવું થયું કે યુનિવર્સિટીએ કાયમી નોકરી માટે મોઢામાં આપેલો કોળિયો પરત લઈ લીધો. પાંચ વાગ્યાના અમે અહીં આવેલા છીએ અને અત્યારે 08:00 વાગ્યા છે. આમ છતાં પણ અમને જવાબ આપવામાં આવ્યો નથી. મને પરીક્ષામાં 39.50 માર્ક આવેલા છે. અત્યારે અમને એવું કહેવામાં આવે છે કે તમે ગ્રેજ્યુએશન કર્યું નથી કારણકે એજ્યુકેશન ડોક્યુમેન્ટ અપલોડ થયા નથી. જો એવું જ હોય તો અમને પરીક્ષા શા માટે આપવા દીધી? અને પાસ શા માટે કર્યા? જ્યારે અન્ય ઉમેદવારે બિંદિયા રાઠોડે જણાવ્યું હતું કે, આજે અમારું જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની ડોક્યુમેન્ટ વેરિફિકેશન હતું. 25 થી 30 ઉમેદવારોને કહેવામાં આવ્યું કે તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા જ નથી. જોકે મારી પાસે પ્રૂફ છે કે મેં ગ્રેજ્યુએશનની સેમેસ્ટર 6 ની માર્કશીટ અપલોડ કરેલી છે. યુનિવર્સિટીની ટેકનીકલ એરરના કારણે અમે શા માટે તેનો ભોગ બનીએ. કોઇ ફોટો અપલોડ કે સહી ભૂલી જાય પરંતુ અહીં તો તમામ ઉમેદવારો પોતાના એજ્યુકેશન ક્વોલિફિકેશનના ડોક્યુમેન્ટ જ અપલોડ કરતા ભૂલી ગયા છે. તેવું કઈ રીતે હોઈ શકે. ધોરાજીના છત્રાસા ગામે રહું છું અને છેલ્લા છ મહિનાથી આ ભરતી માટેની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. મારે 33.25 માર્ક છે. ત્રણ વાગ્યે અમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન હતું. SC કેટેગરીમાં મારો ત્રીજો ટર્ન હતો. અમે રજીસ્ટ્રાર સહિત તમામને રજૂઆત કરી પરંતુ કોઈ અમને સાંભળતું નથી. હું રાત્રે 03:00 વાગ્યે ઘરે પહોંચીશ. મને એકલી છોકરીને કઈ થયું તો જવાબદારી યુનિવર્સિટી લેશે? ઉમેદવાર પ્રમલભાઈએ જણાવ્યું હતું કે, હું અમરેલીથી આવું છું, આ ભરતી પ્રક્રિયામાં વિવાદનો શિકાર હું જ સૌથી પહેલા બન્યો છું. કારણ કે મને એવું કહેવામાં આવ્યું કે તમે ક્વોલિફિકેશન નાખ્યું નથી. મને પહેલા એવું લાગ્યું કે મારે એકને આવું થયું હશે પરંતુ મારા જેવા ૧૫-૨૦ ઉમેદવારો એવો શિકાર બનતા હું રજૂઆત કરવા ગયો હતો. ટેકનિકલ ભૂલ અનેક થતી હોય છે પરંતુ જો આવી રીતે જ રિજેક્ટ કરવાનું હતું તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા જ લેવાની જરૂર ન હતી. એક પરીક્ષા પાસ કરી અને બીજી પરીક્ષામાં અમે ક્વોલિફાઇડ ન હોવાનું કહે છે તે યોગ્ય નથી.
Read Original Article →