NEET પેપર લીકના વિરોધમાં યુથ કોંગ્રેસે હવન કર્યો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપ સરકારની પેપર લીક ફેક્ટરી; 10 વર્ષમાં 89 પેપર લીકના પોસ્ટર બતાવી પ્રદર્શન કરાયુ
NEET પેપર લીક બાદ પરીક્ષા રદ થતાં 22 લાખ વિદ્યાર્થીઓએ હેરાનગતિ ભોગવવી પડી છે ત્યારે આજે 19 મે ના રાજકોટ શહેર અને જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં શિક્ષણના શુધ્ધિકરણ આવે અને શિક્ષણવિદોને સદબુધ્ધિ મળે તે માટે હવન કરવામાં આવ્યો હતો. જેમાં જહા જહા ભાજપ સરકાર વહા વહા પેપર લીક કારોબાર, ભાજપ સરકારની પેપર લીક ફેક્ટરી; 10 વર્ષમાં 89 પેપર લીક જેવા બેનરો બતાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દીપ ભંડેરીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ ભાગ્યરાજસિંહ વાળાની સાથે રહી ટીમ દ્વારા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે NEET પેપર લીકના વિરોધ સ્વરૂપે હવન કરવામાં આવ્યો હતો. આજે દિન પ્રતિદિન શિક્ષણમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. હાલમાં 22 લાખ વિદ્યાર્થીઓને ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા તે મામલે સરકારને સદબુધ્ધિ મળે અને શિક્ષણ વિભાગમાં થતો ભ્રષ્ટાચાર બંધ થાય તેમજ વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ થાય તે માટે આ વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં યુથ કોંગ્રેસના યુવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. તેમના જણાવ્યા પ્રમાણે, દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે દિવસ-રાત મહેનત કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે છે પરંતુ ભાજપ સરકારના શાસનમાં વારંવાર થતા પેપર લીક કાંડોએ વિદ્યાર્થીઓના સપનાઓને ચકનાચૂર કરી નાખ્યા છે. NEET જેવી દેશની મહત્વપૂર્ણ પરીક્ષાનું પેપર લીક થવું એ માત્ર એક પરીક્ષાની ગેરરીતિ નથી, પરંતુ દેશના શિક્ષણતંત્ર પર લાગેલો ગંભીર કલંક છે. યુથ કોંગ્રેસના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશભરમાં વિવિધ ભરતી પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાના બનાવો સતત સામે આવી રહ્યા છે અને હવે NEET જેવી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા પણ ભ્રષ્ટાચારથી બચી શકી નથી. જેના કારણે મહેનતુ અને પ્રામાણિક વિદ્યાર્થીઓ માનસિક તણાવ, નિરાશા અને અસુરક્ષાની ભાવનાનો ભોગ બની રહ્યા છે. આજે અંદાજે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ વર્ષો સુધી કોચિંગ ક્લાસ, અભ્યાસ અને મહેનતમાં પોતાનો સમય અને પરિવારના પૈસા ખર્ચે છે, પરંતુ પેપર લીક જેવી ઘટનાઓના કારણે તેમનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. ભાજપ સરકાર શિક્ષણ અને યુવાનોના પ્રશ્નોમાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. વિરોધ કાર્યક્રમ દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર સાથે સરકાર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. “પેપર લીક બંધ કરો”, “વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમવાનું બંધ કરો” અને “યુવાધનને ન્યાય આપો” જેવા નારા લગાવવામાં આવ્યા હતા. યુથ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી કે NEET પેપર લીક કાંડની નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરની તપાસ કરવામાં આવે, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ગેરરીતિઓ અટકાવવા માટે મજબૂત વ્યવસ્થા ઉભી કરવામાં આવે.આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો, વિદ્યાર્થીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →