સૌરાષ્ટ્ર - કચ્છની 145 ITI માં પ્રવેશ માટે ઉત્સાહ:AI પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ફાયર મેન, મિકેનિક ઇલેક્ટ્રિકલ વ્હીકલ, સોલાર ટેકનીશીયન, ગ્રીન હાઈડ્રોજનના નવા કોર્સમાં એડમિશન માટે ક્રેઝ વધ્યો

Gujarat6/6/2026, 2:26:26 AM
સૌરાષ્ટ્ર - કચ્છની 145 ITI માં પ્રવેશ માટે ઉત્સાહ:AI પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ફાયર મેન, મિકેનિક ઇલેક્ટ્રિકલ વ્હીકલ, સોલાર ટેકનીશીયન, ગ્રીન હાઈડ્રોજનના નવા કોર્સમાં એડમિશન માટે ક્રેઝ વધ્યો
સૌરાષ્ટ્ર -કચ્છના 12 જિલ્લામાં 99 સરકારી, 17 ગ્રાન્ટેડ અને 29 સેલ્ફ ફાઇનાન્સ મળી 145 ITI આવેલી છે. જ્યાં આ વખતે નવા શરૂ થયેલા AI પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ અને ગ્રીન હાઈડ્રોજનની સાથે ફાયર મેન, મિકેનિક ઇલેક્ટ્રિકલ વ્હીકલ અને સોલાર ટેકનીશીયનના કોર્સમાં એડમિશન માટેનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. 14 મે થી શરૂ થયેલી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા દરમિયાન 38,704 સીટ સામે 4 જૂન સુધીમાં 14,285 ફોર્મ ભરાયા છે. હજુ 23 જૂન સુધી આ પ્રવેશ પ્રક્રિયા ચાલુ રહેશે. આ વખતે બોટાદના પાળીયાદમાં નવી આઈટીઆઈ શરૂ કરવામાં આવી છે તો તાલીમાર્થીઓ માટે નવી ત્રણ યોજનાઓ પણ સરકાર દ્વારા શરૂ કરાઈ છે. રાજકોટ આઈટીઆઈની પ્રાદેશિક કચેરીના નાયબ નિયામક કૌશિક કણઝારીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ રિજીયન અંતર્ગત 12 જિલ્લા આવેલા છે. જેમાં 38704 બેઠકો પર પ્રવેશ આપવાના છે. જેમાં અત્યાર સુધીમાં 14285 ફોર્મ ભરાઈ ચૂક્યા છે. 23 જૂન સુધી પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. આ વખતે ફાયર મેન, ઈલેક્ટ્રીક વ્હીકલ, સોલાર ટેકનિશિયન અને એ સિવાય ગ્રીન હાઈડ્રોજન જેવા નવા કોર્સ શરૂ થયા છે. આ તમામ ઉભરતા ક્ષેત્રો છે કે જેમાં આગામી સમયમાં ખૂબ જ મોટી માંગ રહેવાની છે. જેથી આ પ્રકારના કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. રાજકોટ રીજીયન હેઠળની આઈ.ટી.આઈ.ઓમાં પરંપરાગત ટ્રેડ ઉપરાંત વર્તમાન સમયમાં ઉદ્યોગક્ષેત્રની માંગને અનુરૂપ નવા કોર્સ પણ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ મહિલા ITI અને જામનગર ખાતે આર્ટિફિશિલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, રાજકોટ, અમરેલી, ભુજ અને જામનગર ખાતે મિકેનિક ઈલેક્ટ્રિક વ્હીકલ, રાજકોટ, અંજાર, ભાવનગર, ધોરાજી, ગાંધીધામ, પાળીયાદ, જામ ખંભાળિયા, જામનગર, કલ્યાણપુર, લાલપુર, મહુવા, માંડવી (કચ્છ), માળિયા મિયાણા, રાપર, સાવરકુંડલા અને સુરેન્દ્રનગર ખાતે સોલાર ટેકનિશિયન, અમરેલી અને ગોંડલ ખાતે એડવાન્સ્ડ સીએનસી મશીનના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. આ ન્યુ એજ કોર્સની સાથે સાથે રોજગારી તેમજ સ્વ રોજગારી આપતા ફીટર, વેલ્ડર, પ્લમ્બર, ઈલેકટ્રીશિયન, વાયરમેન, ટર્નર, ફાયરમેન વગેરે જેવા કોર્સ પણ આઈ.ટી.આઈ. ખાતે ઉપલબ્ધ છે. આ કોર્સ વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેક્નોલોજી સાથે જોડીને રોજગાર અને સ્વરોજગારની વિશાળ તકો પૂરી પાડે છે. નવી 3 યોજનાઓનો લાભ તાલીમાર્થીઓને મળશે આઈ.ટી.આઈ માં અભ્યાસ કરતા બહેનોને વધુ સારી સવલત મળે તે માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવેલી છે. જેથી કોઈ બહેન એક વર્ષનો કોર્સ કરે તો ₹15,000 વાર્ષિક અને બે વર્ષનો કોર્સ કરે તો ₹24,000 સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારોના ટ્રાન્સપોર્ટેશન માટે રૂ.3000 માસિક સહાય આપવામાં આવશે. આ સાથે જ આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતા તમામ તાલીમાર્થીઓ વચ્ચે એકસૂત્રતા જળવાઈ રહે તે માટે 2 યુનિફોર્મ માટે રૂ.2000 ની સહાય આપવામાં આવશે. ચાલુ વર્ષથી પાળીયાદ ખાતે નવી આઇ.ટી.આઇ. શરૂ કરવામાં આવી છે. ગાંધીધામ ITI માં ગ્રીન હાઈડ્રોજન પ્રોડક્શન ટેકનીશીયનનો નવો કોર્સ સૌરાષ્ટ્ર - કચ્છ રિજનલ કચેરી રાજકોટ વિભાગ હેઠળની ગાંધીધામ ITI દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી ગ્રીન હાઈડ્રોજન પ્રોડક્શન ટેકનીશીયન નામનો નવો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. જે માટે રૂ.40 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ હતી. કંડલા દિનદયાળ પોર્ટ દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટની મદદથી પ્રાથમિક તબક્કે 20 સીટ સાથે આ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. આ કોર્સમાં ટ્રેનિંગ મેળવતા યુવાનો પેટ્રોલ અને ડીઝલના ભવિષ્યના ઇંધણ તરીકે ઉપયોગમાં આવનાર ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટમાં રોજગારી મેળવી શકશે. ભારત દેશમાં ગ્રીન હાઈડ્રોજન હબ જાહેર કરવામાં આવેલું છે. જેમાંનું એક જ સ્થાન કંડલા છે. જે ગાંધીધામ ઔદ્યોગિક સંસ્થાથી નજીકનું સ્થળ છે. જ્યાં ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટનું નિર્માણ થઈ રહ્યું છે. જે પૂર્ણ થતા ત્યાં વિપુલ પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે. આ રોજગારીના સર્જનને પહોંચી વળવા માટે ગાંધીધામ આઈટીઆઈ ખાતે ગ્રીન હાઈડ્રોજન પ્રોડક્શન ટેકનીશીયન નામનો કોર્સ શરૂ કરવા માટેની મંજૂરી સરકાર દ્વારા મળી છે. આ કોર્સ કરવા માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ રાખવામાં આવી છે. જે કોર્સ એક વર્ષનો રહેશે. જે ટ્રેડ દિનદયાળ પોર્ટ ઓથોરિટીના સહયોગથી શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે, ITIમાં થતાં અલગ અલગ 76 જેટલા કોર્ષ થાય છે. જેમાં હાલ ઇલેક્ટ્રિકલ વ્હીકલ અને સોલાર ટેકનીશીયલ ઉપરાંત રેફ્રીજરેશન, એર કંડીશનીંગ, મરીન એન્જીનિયરીંગ, મિકેનિક ઇલેક્ટ્રિકલ વ્હીકલ, સોલાર ટેકનિશયન જેવા વિવિધ કોર્ષમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે. આ ઉપરાંત ઓન ડીમાન્ડિંગ છે તેવા ઈલેકટ્રિશયન, ટર્નર, ફિટર, વેલ્ડર, કાર્પેન્ટર અને પ્લંબર જેવા કોર્ષમાં ધોરણ 8 અને 10 પાસ પર એડમિશન થઈ રહ્યા છે. તેમણે જણાવ્યુ કે હાલ ઘરે ઘરે સોલાર લાગી રહ્યા છે અને સોલાર પાર્કનું પણ નિર્માણ થઈ રહ્યું છે ત્યારે તે માંગને આધારિત સોલાર સંબંધિત કોર્સ થઈ રહ્યા છે. રાજકોટ, સુ.નગર, જામનગરમાં દિવ્યાંગો માટેની ITIમાં 132 તાલીમાર્થીઓ છે. જ્યારે સ્પેશ્યલ મહિલાઓની 7 ITI માં 1,508 સીટ ઉપલબ્ધ છે. રાજકોટમાં દિવ્યાંગો માટેની સ્પેશ્યલ ITI છે. જ્યાં હાલ 82 દિવ્યાંગો છે. જેઓ કોમ્પ્યુટર કોર્સ સહિતના કોર્ષમાં તાલીમ મેળવી રહ્યા છે. આ સાથે જ પહેલાં દર મહિને જનરલ અને EWS કેટેગરીના તાલીમાર્થીઓને માસિક રૂ.200 અને OBC, SC, ST કેટેગરીના તાલીમાર્થીઓને માસિક રૂ.400 આપવામાં આવતા હતા જે વધારી વખતે તમામ કેટેગરીના તાલીમાર્થીઓ માટે માસિક રૂ.500 ની સ્કોલરશિપ આપવાનો નિર્ણય થયો છે. આ સાથે જ વડી કચેરીથી મળેલી સૂચના મુજબ પ્રથમ વખત પ્રિ પ્લેસમેન્ટ ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી જે તાલીમાર્થી આઈટીઆઈમાં તાલીમ મેળવે છે તેમાંથી જેઓને નોકરી કરવાની ઈચ્છા હોય તેઓની પરીક્ષા લેવામા આવી હતી. જેમાં 18,000 તાલીમાર્થીઓએ રસ દાખવ્યો હતો. એમાંથી 15,000 જેટલા તાલીમાર્થીઓ રૂ.15,000 થી રૂ.35,000ની જોબ માટે પસંદગી પામ્યા છે. આ સાથે જ અહીં ગત વર્ષથી ઓન જોબ ટ્રેનિંગ શરૂ કરવામાં આવેલી છે. જેમાં 1 અથવા 2 વર્ષનો કોર્સ પૂર્ણ થવાને ત્રણ મહિનાનો સમય બાકી હોય ત્યારે તેઓને અલગ અલગ કંપનીમાં તાલીમ આપવામાં આવે છે. સૌરાષ્ટ્ર- કચ્છના કયા જિલ્લાની ITIમાં થાય છે વિશેષ કોર્સ -પોરબંદરના કુતિયાણામાં મરીન એન્જીનિયરીંગ -ધોરાજીમાં મિકેનિક ઓટો બોડી રિપેરિંગ એન્ડ ઓટો બોડી પેઇન્ટિંગ -જામનગરમાં થ્રી ડી પેઇન્ટિંગ બોક્સ : 4 જૂન સુધીમાં કયા જિલ્લામાં ITIમાં કેટલા ફોર્મ ભરાયા ? જિલ્લો - કુલ સીટ - કેટલા ફોર્મ ભરાયા રાજકોટ- 5,528 - 1,449 ભાવનગર- 5,328 - 2,363 સુરેન્દ્રનગર- 4,840 - 1,874 કચ્છ- 4,768 - 1,657 અમરેલી- 3,956 - 1,002 જુનાગઢ- 3,696 - 1,290 જામનગર- 3,130 - 1,165 ગીર સોમનાથ- 2,332 - 1,185 દેવભૂમિ દ્વારકા- 1,630 - 804 મોરબી- 1,300 - 438 બોટાદ- 1,212 - 595 પોરબંદર- 984- 463 કુલ- 38,704- 14,285
Read Original Article →