ભાસ્કર એક્સક્લુસિવ:રાજકોટના ભાણવડિયા અને માકડિયાનું કૌભાંડ: 200 કરોડ સુધી આંકડો જવાની ભીતિ, 15 મિલકત ટાંચમાં લેવાની તૈયારી
રંગીલું રાજકોટ અત્યારે એક એવા નાણાકીય ભૂકંપનો અનુભવ કરી રહ્યું છે, જેના આંચકા આવનારા દિવસોમાં હજુ વધુ તીવ્ર બનવાના છે. જાણીતી પેઢી ‘વડાલિયા ફૂડ્સ’ના માલિક દર્શનભાઈ વડાલિયા સાથે થયેલી 11 કરોડની છેતરપિંડી એ તો આ મહાકૌભાંડની માત્ર એક કડી હતી. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ઊંડી તપાસમાં જે વિગતો બહાર આવી છે તે ચોંકાવનારી છે. અત્યાર સુધીમાં 70થી 80 ભોગ બનનારાઓ પોલીસ સમક્ષ રડતી આંખે હાજર થયા છે અને છેતરપિંડીનો આંકડો 70 કરોડને પાર કરી ગયો છે, જે 200 કરોડ સુધી પહોંચવાની પૂરેપૂરી આશંકા છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની આ કડક કાર્યવાહીથી અન્ય ઠગબાજોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આગામી દિવસોમાં આ કેસમાં હજુ પણ મોટા માથાઓના નામ ખૂલવાની શક્યતા નકારી શકાતી નથી. સૂચિત જમીનોના ખેલમાં રોકાણકારોના નાણાંનું ધોવાણ
તપાસમાં સૌથી મોટો ધડાકો એ થયો છે કે, લોકો પાસેથી ઉઘરાવેલા નાણાં આરોપીઓએ ક્યાં ગુમાવ્યા. રૈયા અને મોટામવા કનેક્શન : 2020માં આરોપીઓએ રૈયા વિસ્તારમાં 30 કરોડની વિવાદિત સૂચિત જમીન ખરીદી હતી. આ જમીનને કાયદેસર કરાવવા હવાતિયાં માર્યા પણ સફળતા ન મળી અને જમીન ‘શ્રીસરકાર’ થઈ ગઈ. આવી જ રીતે મોટામવામાં પણ 10 કરોડનું આંધણ કર્યું હતું. લોકોના નાણાં જમીન કૌભાંડોમાં ફસાઈ જતાં આરોપીઓએ રોકાણકારોને વ્યાજ ચૂકવવા માટે બીજા નવા લોકો પાસેથી નાણાં ઉઘરાવવાનું ‘પોન્ઝી મોડલ’ અપનાવ્યું હતું. સટ્ટાની લત: 8 કરોડ તો રમતમાં ઉડાવ્યા!
માત્ર જમીનો જ નહીં, આ બેલડીને સટ્ટાની પણ ભયંકર લત હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, અમિત ભાણવડિયાએ 3 કરોડ અને વિજય માકડિયાએ 5 કરોડ મળી કુલ 8 કરોડ રૂપિયા સટ્ટાબજારમાં હારી ગયા હતા. રોકાણકારો જે નાણાં પોતાના ભવિષ્ય માટે બચાવતા હતા, તે આરોપીઓ જુગારમાં ઉડાવી રહ્યા હતા. પોલીસ એક્શન મોડમાં: CA અને સબ-રજિસ્ટ્રારની મદદ લેવાઈ ડીસીપી જગદીશ બાંગરવાના સીધા માર્ગદર્શન હેઠળ પીઆઈ ચિરાગ જાદવ અને તેમની ટીમ આ કેસના મૂળ સુધી પહોંચવા મથામણ કરી રહી છે. નાણાકીય ફોરેન્સિક તપાસ : બેંક ટ્રાન્ઝેક્શન એટલા જટિલ છે કે તેને ઉકેલવા માટે ક્રાઈમ બ્રાન્ચે ખાસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ની નિમણૂક કરી છે. મિલકતો લોક કરાઈ : આરોપીઓની 15 જેટલી મિલકત શોધી કાઢી અન્યના નામે ટ્રાન્સફર ન થાય તે માટે સબ-રજિસ્ટ્રાર કચેરીને લેખિત તાકીદ કરી દેવાઇ છે. ગૃહ વિભાગમાં દરખાસ્ત : સીઆઈડી ક્રાઈમ મારફત આ મિલકતોને ટાંચમાં લેવા (જપ્ત કરવા) ગૃહ વિભાગને રિપોર્ટ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આ મિલકતો વેચીને રોકાણકારોને ન્યાય આપી શકાય. 12% વળતરની લાલચ આપી વિજય માકડિયા અને અમિત ભાણવડિયાએ આચરેલું ‘પોન્ઝી સ્કીમ’ જેવું કૌભાંડ હવે મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે 12થી 18 ટકા વળતરની લાલચ અને વિશ્વાસનો ખૂન
આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર વિજય માકડિયા અને અમિત ભાણવડિયાએ રોકાણકારોને ફસાવવા માટે ‘ભરોસા’નું હથિયાર વાપર્યું હતું. સ્ટોન ક્રશર અને કપચીના વ્યવસાયમાં 12થી 18 ટકા જેટલું ઊંચું વળતર આપવાની લાલચ આપીને તેમણે વડાલિયા પરિવાર સહિત અનેક વેપારીઓના કરોડો રૂપિયા પોતાની ત્રણ પેઢીઓમાં રોકાવ્યા હતા. શરૂઆતમાં વ્યાજ ચૂકવીને વિશ્વાસ સંપાદન કર્યા બાદ જ્યારે મુદ્દલ રકમ પરત કરવાનો સમય આવ્યો, ત્યારે આ જોડીએ હાથ અધ્ધર કરી દીધા હતા.
Read Original Article →