તારા ફોટા સાસરિયા પક્ષમાં વાઇરલ કરી દઈશ:રાજકોટમાં યુવતીની સગાઇ નક્કી થયા બાદ સબંધ તોડી દેતા ધરાર પ્રેમીએ છરી બતાવી પતિ અને પિતાને મારી નાખવા ધમકી આપી
રાજકોટ શહેરમાં વધુ એક યુવતીને ઇન્સ્ટાગ્રામ મારફત મિત્રતા કેળવવી ભારે પડી છે. શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતીની સગાઈ નક્કી થઇ ગયા બાદ મિત્ર સાથે સબંધ તોડી દેતા ધરાર પ્રેમીએ છરી બતાવી પતિ અને પિતાને મારી નાખવા ધમકી આપી સબંધ રાખવા સતત દબાણ કરતા આખરે કંટાળી યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજ ઝીંઝુવાડીયા સાથે ઇન્સ્ટાગ્રામ મારફત પરિચય થયો હતો રાજકોટના વિરાટનગર મેઈન રોડ પર રહેતી 22 વર્ષીય યુવતીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સહકાર રોડ રઘુવીર સોસાયટી કલ્યાણ હોલની સામે રહેતા રાજ ભરત ઝીંઝુવાડીયાનું નામ આપી જણાવ્યું હતું કે, તે વર્ષ 2022માં કોલેજમાં અભ્યાસ કરતી ત્યારે રાજ ઝીંઝુવાડીયા સાથે ઇન્સ્ટાગ્રામ મારફત પરિચય થયો હતો. બાદમાં બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને બંને વચ્ચે ફોન પર અને મેસેજમાં તથા રૂબરૂ પણ વાતચીત થતી હતી. વર્ષ 2024માં યુવતીની સગાઈ નક્કી થતાં તેણે રાજ સાથે મિત્રતા તોડી નાખી હતી. યુવતીની સગાઈ બીજા યુવક સાથે થયાની જાણ રાજને થતા તેણે સગાઈ તોડાવી નાખી હતી અને ત્યારબાદ રાજ સતત પોતાની સાથે સંપર્ક રાખવા માટે દબાણ કરતો હતો.
તારા ભાઈને તથા તારા પિતાને અને પતિને પતાવી દઈશ કહી ધમકી આપી દરમિયાન ગઇ તા.15.02.2026ના યુવતીના લગ્ન થયા હતા ત્યારબાદ તા.19.02.2026ના તે પિયર રોકાવા આવી હતી આ વાતની જાણ રાજને થતા તે અવારનવાર શેરીમાંથી નીકળતો અને ખુનસપૂર્વક સામે જોતો હતો અને સતત વાત કરવા માટે અને સંપર્ક રાખવા દબાણ કરતો હતો. યુવતી એક દિવસ શેરીમાં ઉભી હતી ત્યારે રાજ તેની પાસે આવી છરી બતાવી કહ્યું હતું કે, જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો તારા ભાઈને તથા તારા પિતાને અને પતિને પતાવી દઈશ જેથી યુવતી ડરી ગઈ હતી. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. ત્યારબાદ રાજ યુવતી જ્યારે ઘરની બહાર જાય ત્યારે પાછળ પાછળ આવતો અને ફોનમાં વાત કરવા માટે તેમજ સંપર્ક રાખવા માટે સતત દબાણ કરી ધાક ધમકી આપતો હતો. માર્ચ મહિનામાં રાજ યુવતીના સાસરીયે પણ પહોંચી ગયો હતો અને ત્યાં કહ્યું હતું કે, મારી પાસે તારા ફોટા છે હું તારા સાસરીયાપક્ષમાં વાયરલ કરી દઉં છું તેમ કહી ધમકી આપી હતી. બાદમાં તા.5ના ફોન કરી કહ્યું હતું કે જો મારી સાથે સંબંધ નહીં રાખે તો તને બદનામ કરી દઈશ તેવી ધમકી આપી હતી અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા અંતે યુવતીએ ફરિયાદ નોંધાવતા ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
Read Original Article →