ઇંટના ધંધાર્થી પાસે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી:રાજકોટના યુવાને રૂ.85 લાખના બદલામાં રૂ.1.14 કરોડ ચૂકવ્યા છતા નાણાની માંગણી ચાલુ, 6 શખ્સો સામે મનીલેન્ડ એક્ટનો ગૂનો નોંધાયો
રાજકોટના નવાગામના ઇંટનો ધંધાર્થી યુવાન વ્યાજંકવાદમાં ફસાયો હતો. યુવાને વ્યવસાયના કામ રૂ .85 લાખ વ્યાજે લીધા બાદ રૂ.1.14 કરોડ ચૂકવી દીધા હતા. આમ છતા વ્યાજખોરો દ્વારા વ્યાજ અને મૂડીની માગણી કરી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. જેનાથી કંટાળીને યુવાને થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે મહિલા સહિત 6 શખ્સો સામે મનીલેન્ડ એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. નવાગામમાં સમજુ પાર્કમાં રહેતાં મૂળ ચુનારાવાડના દેવેન્દ્રભાઇ હરેશભાઇ મંડલી (ઉ.વ 42) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મહેશ નરસંગ રાઠોડ (રહે.ભીચરી), રાજુ ભલસોડ (રહે. ચુનારાવાડ શેરી નં.02), નાગદાન આહીર (રહે. રાજપીપળા), મુન્ના ફુલવાળાની પત્ની (રહે. ચુનારાવાડ), રાજુ મહાકાળી પાનવાળો (રહે. દૂધની ડેરી પાસે) અને રાકેશ કાના રમેશ ગોસ્વામી (રહે. કુવાડવા રોડ)નું નામ આપતાં થોરાળા પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરીયાદીએ જણાવ્યું હતુ કે, તેમને ઇંટના ભઠ્ઠાનો ધંધો હોય વર્ષ 2018માં ધંધામાં ખોટ આવતા જેની પાસેથી માટી મંગાવતા હતા તે ભીચરી ગામના મહેશ રાઠોડ પાસેથી રૂ. 8 લાખ 2 ટકા વ્યાજ લીધા હતા. જે બાદ વધુ રૂ.5 લાખ વ્યાજે લીધા હતા. આમ કુલ રૂ.13 લાખના 2 ટકા વ્યાજ લેખે દર મહિને રૂ.26 હજાર રોકડ ચૂકવતો હતો અને અત્યાર સુધીમાં રૂ. 27 લાખ ચૂકવી દીધા હોવા છતા વ્યાજખોર વ્યાજ અને મૂડીની માંગણી કરી ધમકી આપી રહ્યા છે. આ ઉપરાંત યુવાને ચુનારાવાડના રાજુ ભલસાડ પાસેથી રૂ. 7 લાખ 3 ટકા વ્યાજે લીધા હતા જેને આજદિન સુધીમાં રૂ.9 લાખ ચૂકવી દીધા હોવા છતાં ધમકીઓ આપે છે. વર્ષ 2020 માં નાગદાન આહીર પાસેથી રૂ.8 લાખ 4 ટકા વ્યાજે લીધા હતા બાદમાં વધુ જરૂર પડતા કુલ રૂ.13 લાખ તેમની પાસેથી વ્યાજે લીધા હતા જેના બદલામાં રૂ.13 લાખ ચૂકવી દીધા હોવા છતાં ધમકીઓ આપે છે. આ ઉપરાંત યુવાને ચુનારાવાડ-1માં રહેતા મુન્ના ફુલવાળા પાસેથી વર્ષ 2018 માં રૂ. 4 લાખ વ્યાજ આજે લીધા હતા જેનું દર મહિને અઢી ટકા વ્યાજ યુવાન ચૂકવતો હતો. એક વર્ષ પહેલા મુન્નાભાઈનું અવસાન થતાં મુન્નાભાઈની પત્નીનો ફોન આવ્યો હતો અને હવે વ્યાજ અને મૂડી બંને આપવું પડશે તેમ કહ્યું હતુ. આ ઉપરાંત વર્ષ 2021 માં રાજુભાઈ મહાકાળી પાનવાળા પાસેથી યુવાને 13 લાખ 5 ટકા વ્યાજ લીધા હતા 2021 સુધી રાજુભાઈને વ્યાજની રકમ રૂ. 15 લાખ આપી દીધી હોવા છતાં તે મૂડી અને વ્યાજની માંગણી કરી ધમકીઓ આપે છે. આ સાથે જ યુવાને પાડોશમાં રહેતા રાકેશભાઈ ઉર્ફે કાના કાનાભાઈ ગોસ્વામી પાસેથી વર્ષ 2022માં ધંધાના કામ માટે રૂપિયા 14 લાખ 5 ટકા વ્યાજે લીધા હતા. જે બાદ વધુ જરૂરિયાત પડતા કુલ રૂ. 35 લાખ તેમની પાસેથી 5 ટકા વ્યાજ લીધા હતા. જેમાં આજદિન સુધીમાં રૂ. 50 લાખ વ્યાજ ચૂકવી દીધું હોવા છતા વ્યાજખોરો ધમકીઓ આપવા લાગ્યા હતાં. જેથી યુવાને આ અંગે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે મની લેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Read Original Article →