રાજકોટનાં રાંદરડા તળાવમાંથી યુવકની લાશ મળી:મૃતકની પત્ની અને સાસુએ હત્યા કરાવ્યાનો પરિવારનો આરોપ, માતાએ રડતા-રડતા કહ્યું- મારો દીકરો કરગરતો રહ્યો પણ હુમલાખોરોએ મોતને ઘાટ ઉતાર્યો

Gujarat6/7/2026, 9:03:24 AM
રાજકોટનાં રાંદરડા તળાવમાંથી યુવકની લાશ મળી:મૃતકની પત્ની અને સાસુએ હત્યા કરાવ્યાનો પરિવારનો આરોપ, માતાએ રડતા-રડતા કહ્યું- મારો દીકરો કરગરતો રહ્યો પણ હુમલાખોરોએ મોતને ઘાટ ઉતાર્યો
રાજકોટ શહેરમાં પ્રદ્યુમનનગર પાર્ક નજીક આવેલા રાંદરડા તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને આ અંગે માહિતગાર કરવામાં આવી હતી. આજીડેમ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ વિપુલ રાઠોડ તરીકે થઈ છે. આ ઘટના માત્ર અકસ્માત કે આત્મહત્યા નથી પરંતુ પૂર્વ આયોજિત હત્યા હોવાના ગંભીર આક્ષેપો મૃતકના પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેને પગલે પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, વિપુલ રાઠોડ નામનો આ યુવક અચાનક ગુમ થયો હતો અને ત્યારબાદ તેનો મૃતદેહ રાંદરડા તળાવમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. યુવકના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા તેના પરિવારમાં ભારે આક્રોશ અને શોકની લાગણી વ્યાપી ગઈ છે. વિપુલના પરિવારે તેની પત્ની અને સાસુ પર ગંભીર આક્ષેપો કર્યા છે કે તેઓએ જ મળીને વિપુલની નિર્મમ હત્યા કરી નાખી છે અને પુરાવા નાશ કરવા માટે લાશને તળાવમાં ફેંકી દીધી છે. મૃતકની માતા રંજનબેન ભરતભાઈ રાઠોડે રડતા-રડતા પોતાની આપવીતી જણાવી હતી અને આક્ષેપ કર્યો હતો કે તેમનો દીકરો સવારે ઘરેથી નીકળ્યો હતો ત્યારે શેરીમાં એક કાળી રીક્ષા આવી હતી જેમાં કેટલાક અજાણ્યા શખ્સો તેને બળજબરીપૂર્વક બેસાડીને લઈ ગયા હતા. દીકરો બપોરે જમવાના સમયે પણ ઘરે પરત ન ફરતા તેઓ ચિંતિત થયા હતા અને નાના દીકરાને આ અંગે પૂછપરછ કરી હતી. વિપુલ છૂટક મજૂરી કામ કરતો હોવાથી તે બહારગામ રીક્ષા લઈને પણ જતો હતો. રંજનબેનના આક્ષેપ અનુસાર, સાગરનગર પાસે વિપુલને ઘેરી લેવામાં આવ્યો હતો અને ત્યાં ઈટો, લાકડીઓ અને પાઈપ જેવા હથિયારો વડે તેના પર હુમલો કરાયો હતો. તેમનો દીકરો હુમલાખોરો સામે કરગરી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે "મને મારી બહેનને બચાવવા જવા દો, મારો ભાઈ મને બચાવવા આવશે, મારી મા રાહ જુએ છે, મને છોડી દો." પરંતુ હુમલાખોરોએ તેની એક પણ વાત સાંભળી નહોતી અને તેને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. વિપુલના માતાએ કિસન મુના અને તેની સાથેના અન્ય શખ્સો સામે આ હુમલો કર્યો હોવાની શંકા વ્યક્ત કરી છે. અને આ સમગ્ર ઘટના પાછળ વિપુલની પત્ની અને સાસુનો મુખ્ય હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. સાસુએ જ વિપુલને રસ્તામાંથી હટાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું અને સાંજે ફોન કરીને જણાવ્યું હતું કે તમારો દીકરો તો મરી ગયો છે. રંજનબેને સરકાર અને પોલીસ પ્રશાસન સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે કે જ્યાં સુધી વિપુલની પત્ની, સાસુ અને હત્યા કરનારા તમામ શખ્સો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે અને તેમને સજા નહીં થાય ત્યાં સુધી તેઓ વિપુલના મૃતદેહનો સ્વીકાર કરશે નહીં. જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ પરિવાર સાથે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. મૃતકના બહેન કિરણબેને જણાવ્યું હતું કે, તેમના ભાઈ વિપુલ સવારે 2:00 વાગ્યે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન આરોપીઓએ તેમને ત્યાં બોલાવીને પરાણે રિક્ષામાં બેસાડી દીધા હતા અને સાગરનગર ખાતે લઈ ગયા હતા. આ અંગે પરિવારને મોડેથી જાણ થઈ હતી, જ્યારે સાગરનગરના સ્થાનિક લોકોએ જણાવ્યું કે વિપુલને ત્યાં નિર્દિષ્ટ રીતે ઢોર માર મારવામાં આવ્યો છે. હુમલાખોરોએ વિપુલના હાથ-પગ તોડી નાખ્યા હતા અને તેમની જીભમાં પણ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટના બાદ વિપુલના સાસુનો ફોન આવ્યો હતો, જેના કારણે પરિવારને શંકા છે કે આ કાવતરામાં સાસુની પણ પૂરેપૂરી સંડોવણી છે. વિપુલની પત્ની પાયલ અન્ય એક યુવક સાથે સંબંધ ધરાવતી હોવાના કારણે આ હુમલો કરાયો હોવાનો આક્ષેપ પણ કિરણબેને કર્યો છે. તેમણે વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, વિપુલ પર હુમલો કરનારાઓમાં કિશન સોલંકી, સાસુ કૈલાશ, પત્ની પાયલ અને સાળા ઋત્વિકનો સમાવેશ થાય છે. ભાભી દ્વારા વિપુલને છૂટાછેડા પણ આપવામાં આવતા ન હતા અને છેલ્લા 1થી 1.5 વર્ષથી તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. જ્યારે પણ વિપુલ પોતાના સંતાનોને મળવા જતો, ત્યારે તેનો સાળો માર મારીને તેને કાઢી મુકતો હતો અને તે દારૂ પીને આવ્યો હોવાના ખોટા બહાના બનાવતા હતા. ભાભીના અન્ય યુવક સાથેના સંબંધોના તમામ ફોટા અને ઓડિયો રેકોર્ડિંગ જેવા પુરાવા તેમની પાસે ઉપલબ્ધ છે. જો આ મામલે તેમના ભાઈને યોગ્ય ન્યાય નહીં મળે, તો તેમનો પરિવાર સામૂહિક રીતે ઝેરી દવા પીને આપઘાત કરી લેશે. આજીડેમ પોલીસે આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. યુવકના મૃતદેહને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસનાં જણાવ્યા અનુસાર, ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું અને ચોક્કસ કારણ જાણી શકાશે. ઘટના ખરેખર હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં પોલીસે તમામ પાસાઓ ચકાસવાનું શરૂ કર્યું છે. આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોના આધારે શંકાસ્પદોની પૂછપરછ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →