શિક્ષિત પરિણીતાને પતિનો ત્રાસ:લગ્નના માત્ર 6 મહિનામાં જ 5 વખત મારકૂટ કરી સોનાના ઘરેણાં પડાવ્યા, છૂટાછેડા આપવા 10 લાખની માંગણી કરી
શહેરમાં વધુ એક પરિણીતા શારીરિક અને માનસિક ત્રાસનો ભોગ બની હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. એમ.કોમ. બી.એડ. સુધીનો ઉચ્ચ અભ્યાસ કરેલી શિક્ષિત પરિણીતાને લગ્નજીવનના માત્ર ૬ મહિનામાં જ 5-5 વાર ઢોર માર મારી ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. એટલું જ નહીં, લાલચુ પતિએ પત્નીના 5 તોલા સોનાના દાગીના પડાવી લીધા બાદ જો છૂટાછેડા જોઈતા હોય તો ₹૧૦ લાખ આપવા પડશે તેવી માંગણી કરી ત્રાસ ગુજાર્યો હતો. આખરે કંટાળીને પરિણીતાએ ન્યાયની ગુહાર લગાવતા ગાંધીગ્રામ પોલીસે આરોપી પતિ વારિસ માલવિયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્માર્ટ વોચના ચાર્જર બાબતે તકરાર અને હુમલો
મળતી માહિતી મુજબ, રાજકોટમાં રહેતી 32 વર્ષીય અસ્માબેનના નિકાહ ગત 26 ઓક્ટોબર, 2025ના રોજ સમાજના રીતિરિવાજ મુજબ વારિસ રજાકભાઈ માલવિયા સાથે થયા હતા. ગત રાત્રે આશરે 8 વાગ્યે અસ્માબેન બજારમાં પોતાની તથા પતિની સ્માર્ટ વોચના ચાર્જર લેવા ગયા હતા પરંતુ, પતિની ઘડિયાળ અગાઉથી બગડેલી હોવાથી અને ચાર્જર ભરાવતા જ ગરમ થઈ જતી હોવાથી, તેઓ માત્ર પોતાની ઘડિયાળનું ચાર્જર લઈને ઘરે પરત ફર્યા હતા. ઘરે આવીને તેમણે પતિને પ્રેમથી સમજાવ્યું કે, "તમારી ઘડિયાળ બગડી ગઈ છે, તેને પહેલા રિપેર કરાવવી પડશે એટલે હું ચાર્જર નથી લાવી." આ સાંભળતા જ પતિ વારિસ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરી અસ્માબેનના મોઢા તથા માથા પર ફડાકા ઝીંકી દીધા હતા. ક્રૂરતાની હદ વટાવીને તેણે પત્નીનું ગળું દબાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલના બિછાનેથી પરિવારને કરી જાણ
પતિના હિચકારા હુમલા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા અસ્માબેને તુરંત જ તેમના મામી સનમબેન મીરા અને માસી શહેનાઝબેન કુરેશીને ફોન કરીને આપવીતી જણાવી હતી. ઘટનાની જાણ થતાં જ પરિણીતાના માતા-પિતા સહિતના સગા-સંબંધીઓ દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. 5 તોલા સોનાના ઘરેણાં પડાવી ₹10 લાખની ખંડણી માંગી
અસ્માબેને પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, લગ્નના એકાદ મહિના બાદથી જ પતિ વારિસ ઘરની નાની-નાની વાતોમાં, કામકાજ બાબતે અને રહેવા બાબતે સતત રોકટોક કરીને માનસિક પ્રતાડના આપતો હતો. અવારનવાર ઝઘડો કરીને ઘરમાંથી કાઢી મૂકતો હોવાથી તેઓ પિયર જતા રહેતા હતા. આશરે એક મહિના પહેલા થયેલા ઝઘડા બાદ, વારિસ સાસરીમાં આવીને પત્નીનો સોનાનો સેટ, સોનાનું બ્રેસલેટ અને 3 સોનાની વીંટીઓ (જેની કિંમત આશરે 5 તોલા જેટલી થાય છે) બળજબરીથી લઈ ગયો હતો. ત્યારબાદ સગા-સંબંધીઓના સમજાવવાથી સમાધાન થતાં અસ્માબેન ફરી સાસરીમાં રહેવા આવ્યા હતા, પરંતુ વારિસે દાગીના પરત આપ્યા નહોતા. ઉલટાનું, તેણે અવારનવાર મારઝૂડ ચાલુ રાખી 'જો તારે છૂટાછેડા જોઈતા હોય તો ₹10 લાખ આપવા પડશે' એવી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. પતિ સુધરી જશે એવી આશા સાથે અત્યાર સુધી મૌન રહેલી ઉચ્ચ શિક્ષિત પરિણીતાએ આખરે પાણી માથા પરથી જતાં કાનૂની આશરો લીધો છે. ગાંધીગ્રામ પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે ગુનો નોંધીને લાલચુ અને અત્યાચારી પતિને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →