રાજકોટની હત્યારી શબુને બોટાદના શખ્સો ગાંજો આપવા આવ્યા'તા:ગરુડ ગરબી ચોક નજીક 4 કિલો ગાંજાના જથ્થા સાથે કુખ્યાત મહિલા સહિત ત્રણ પેડલર ઝડપાયા, મિલકત બાબતે વ્યક્તિ પર હુમલો
રાજકોટ એ-ડિવિઝન પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રામનાથપરા ગરુડ ગરબી ચોક નજીક વીરાણી વાડી પાસે દરોડો પાડ્યો હતો. જાહેર રોડ પર ગાંજાના જથ્થા સાથે ઉભેલા બોટાદના સોહીલ સીપાઈ (ઉં.વ.26), ફિરોજ ગાંજા (ઉં.વ.36) અને રાજકોટની શબાનાબેન ઉર્ફે શબુ સુમરા (ઉં.વ.34)ની અટકાયત કરવામાં આવી હતી. તેમની પાસેથી 2.04 લાખની કિંમતનો 4.099 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજા સહિત કુલ રૂ. 3.34 લાખનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બોટાદના શખસો રાજકોટની મહિલાને આ જથ્થો આપવા આવ્યા હતા. પકડાયેલી આરોપી શબાના 2013માં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યા જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલી છે. જ્યારે સોહીલ સીપાઈ સામે બોટાદ અને રાણપુરમાં પ્રોહીબીશન-નાર્કોટિક્સના તેમજ ફિરોજ સામે પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે. આર.કે. સુપ્રીમ બિલ્ડિંગમાં યુવકનો આપઘાત
આર.કે. સુપ્રીમ બિલ્ડિંગમાં રહેતા વિનોદકુમાર રામનાણી (ઉં.વ.૩૯) નામના યુવકે ગત તા. 16 મેના રોજ સવારે પોતાના ઘરે જંતુનાશક દવા પી લીધી હતી. ઝેરી દવાની અસર થતાં તેમને તાત્કાલિક પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ તા. 18 મેના રોજ દોશી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર ત્રીજા માળેથી પડી જતાં શ્રમિકનું મોત
કાલાવડ રોડ પર મેરિડિયમ કન્સ્ટ્રક્શન સાઇટ પર ગઈકાલે બપોરે એક દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ત્રીજા માળે લેબરકામ કરી રહેલા પિંકેશભાઈ શિંગાળા (ઉં.વ.27) નામનો શ્રમિક અચાનક નીચે પડી ગયો હતો. માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તાલુકા પોલીસે આ અંગે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાનની દુકાનમાંથી કર્મચારી 7.35 લાખનો મુદ્દામાલ લઈ રફુચક્કર
પ્રહલાદ પ્લોટ મેઈન રોડ પર ખોડીયાર ડિલક્સ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ નામે દુકાન ધરાવતા મુસ્તકીમ કાદરીની દુકાનમાં મોટી ચોરી થઈ છે. મુસ્તકીમે છ મહિના પહેલાં પૈસાની જરૂરિયાત હોવાથી પત્નીનું રૂ. 7.20 લાખની કિંમતનું સોનું ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂક્યું હતું. ગઈકાલે રૂપિયાની સગવડ થતાં તેઓ સોનું પરત છોડાવીને એક કાળા કલરની બેગમાં મૂકી દુકાનના ગલ્લામાં રાખ્યું હતું. બપોરે મુસ્તકીમ ઘરે જમવા ગયા ત્યારે દુકાન પર હાજર તેમનો કર્મચારી સદામઅલી શેખ આ સોનાના દાગીના ભરેલી બેગ અને ગલ્લામાં રહેલા ધંધાના રોકડા 15000 રૂપિયા મળી કુલ 7.35 લાખની ચોરી કરીને નાસી છૂટ્યો હતો. આ અંગે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જૂની મિત્રતા તોડી નાખવાની અદાવતમાં યુવાન પર હુમલો
કરણ ભટ્ટ (ઉં.વ.25) નામના યુવકે તેના જૂના મિત્ર ઉમંગ ભુત વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઉમંગ ગુનાહિત પ્રવૃત્તિઓ અને જનુની સ્વભાવનો હોવાથી કરણે છ મહિના પહેલાં તેનાથી સંબંધ તોડી નાખ્યા હતા. આ વાતનો ખાર રાખી ઉમંગે અગાઉ ઇન્સ્ટાગ્રામ પર પણ ધમકી આપી હતી. શુક્રવારે રાત્રે જ્યારે કરણ તેના મિત્ર સિદ્ધાર્થ સાથે ઉભો હતો, ત્યારે ઉમંગ ત્યાં બાઇક લઈને ધસી આવ્યો હતો અને 'તને રાજકોટ મૂકી દેવાનું કીધું હોવા છતાં કેમ અહીં આંટા મારે છે?' તેમ કહી ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલો કર્યા બાદ આરોપીએ જાહેરમાં ટાંટિયા ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મિલકત બાબતે નાના ભાઈ પર મોટા ભાઈ અને ભત્રીજાઓનો હુમલો
સંતકબીર રોડ પર કનકનગરમાં રહેતા જીજ્ઞેશભાઇ મેવાડા (ઉં.વ.42) પર રાત્રે તેમના જ મોટા ભાઇ વિનોદભાઇ અને બે ભત્રીજા વિશાલ તથા વિવેકે લોખંડના પાઇપ અને ઢીકાપાટુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા જીજ્ઞેશભાઈને બંને પગમાં ફ્રેક્ચર થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, જીજ્ઞેશભાઈ પાણીની રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે અને ભાઈઓ વચ્ચે અગાઉ મિલકતના ભાગ પડી ગયા હોવા છતાં, વિનોદભાઈ પ્રોપર્ટી બાબતે અવારનવાર માથાકૂટ કરીને જીજ્ઞેશભાઈના મકાનમાં પણ ભાગ માંગતા હતા. આ જ અદાવતમાં ગઈકાલે રાત્રે ઘરમાં ઘૂસીને હુમલો કરવામાં આવ્યો હતો. બી-ડિવિઝન પોલીસે આ અંગે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે.
Read Original Article →