બાથરૂમમાં પડી જતા બે વર્ષના બાળકનું મોત:છ મહિના પહેલા લગ્ન કરનાર પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, ઝોમેટો ડિલિવરી બોય પર છરીથી જીવલેણ હુમલો
રાજકોટના માયાણી નગર આવાસ ક્વાર્ટરમાં એક કરુણ ઘટના બની છે. મૂળ ઉત્તર પ્રદેશનો પરિવાર અહીં વસવાટ કરે છે. ગઈકાલે માતા પાણી ભરવા ગયા હતા અને પિતા મજૂરી કામે ગયા હતા, ત્યારે બે વર્ષનો માસૂમ આયુષ યાદવ અને તેનો પાંચ વર્ષનો મોટો ભાઈ ઘરે રમતા હતા. બાથરૂમમાં રમતી વખતે આયુષ અચાનક પડી જતાં તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તે બેભાન થઈ ગયો હતો. પિતા ઘરે પરત ફરતા નાનો પુત્ર બેભાન અવસ્થામાં અને મોટો પુત્ર રડતી હાલતમાં જોવા મળ્યો હતો. બાળકને તાત્કાલિક 108 મારફતે ઝનાના હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. માલવિયાનગર પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. લગ્નના છ જ મહિનામાં પરિણીતાનો આપઘાત
ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલી ખોડલધામ સોસાયટીમાં રહેતી ૨૫ વર્ષીય નિકીતાબેન પ્રજાપતિએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. નિકીતાબેનના લગ્ન છ મહિના પહેલા જ ઇમિટેશનના વ્યવસાય સાથે સંકળાયેલા અજય પ્રજાપતિ સાથે થયા હતા. ગઈકાલે સવારે સાસુ સાથે કામ બાબતે બોલાચાલી થયા બાદ, નિકીતાબેને સાંજે આ અંગે ફોન પર પોતાના પિતાને જાણ કરી હતી. ત્યારબાદ રાત્રે આઠ વાગ્યે રૂમનો દરવાજો બંધ કરી પંખામાં ચૂંદડી બાંધી આત્મહત્યા કરી લીધી હતી. લાંબા સમય સુધી દરવાજો ન ખુલતા પરિવારે દરવાજો તોડીને જોયું તો નિકીતાબેન મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. બી ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી છે. ઉધાર માલ આપવાની ના પાડતા પિતા-પુત્ર પર હુમલો
શહેરના આજીડેમ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં કરિયાણાની દુકાને ઉધાર માલ બાબતે ઝઘડો થયો હતો. ભીખાભાઈ મીરનો ૨૧ વર્ષનો પુત્ર વિશાલ કરિયાણાની દુકાન ચલાવે છે. તેજા જોગરાણા અને રામ જોગરાણા નામના શખ્સોએ ૫૦૦ રૂપિયાનો માલ ઉધાર માંગ્યો હતો, જેની ના પાડતા બોલાચાલી થઈ હતી. આ વિવાદ વકરતા બંને શખ્સોએ લાકડીઓ વડે પિતા-પુત્ર પર હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ પહોંચતા ભીખાભાઈ અને વિશાલને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે હુમલાખોરો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. શંકાશીલ પતિને 181 અભયમ ટીમે પાઠ ભણાવ્યો
પોતાની પત્નીના ચારિત્ર્ય પર વારંવાર શંકા કરી માનસિક અને શારીરિક ત્રાસ આપતા પતિને અભયમ ટીમે કાયદાનું ભાન કરાવ્યું હતું. પીડિત મહિલાએ ચાર વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા અને હાલ બે બાળકો સાથે મજૂરી કામ કરીને ઘર ચલાવે છે. પતિ બાળકોની જવાબદારી ઉઠાવવાને બદલે પાડોશી સાથે વાત કરવા જેવી સામાન્ય બાબતોમાં પણ શંકા રાખી ઝઘડો કરતો હતો. 181ની ટીમે સ્થળ પર પહોંચી પતિને કડક શબ્દોમાં સમજાવ્યું હતું કે પત્ની પર અત્યાચાર કરવો એ ગુનો છે. આખરે પતિએ પોતાની ભૂલ સ્વીકારી સુધરવાની ખાતરી આપી હતી. ઝોમેટો ડિલિવરી બોય પર છરીથી જીવલેણ હુમલો
માલિયાસણ બ્રિજ પાસે પોલીસમાં અરજી કર્યાનો ખાર રાખીને ઝોમેટોના ડિલિવરી બોય પ્રકાશ પરમાર પર હુમલો કરવામાં આવ્યો હતો. પ્રકાશ જ્યારે ચા પીને પરત જઈ રહ્યો હતો ત્યારે કાળા રંગના એક્ટિવા પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેને અટકાવ્યો હતો. હુમલાખોરોએ "તને પોલીસમાં અરજી કરવાનો બહુ શોખ છે" તેમ કહી છરીના ઘા ઝીંક્યા હતા. આ હુમલા પાછળ પૂર્વ મંગેતરના પરિવાર સાથેની માથાકૂટ કારણભૂત હોવાનું મનાય છે. હાલ ઈજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 'તારી દીકરી પોલીસમાં છે તો શું થઈ ગયું?' કહી વૃદ્ધાને માર માર્યો
જંગલેશ્વર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધા પર પડોશમાં રહેતા અરબાઝ ઈસુ નામના શખ્સે હુમલો કર્યો હતો. આરોપીએ વૃદ્ધાને ધમકાવતા કહ્યું હતું કે તારી દીકરી પોલીસમાં છે તો પણ હું તને પતાવી દઈશ. આટલું કહી તેણે વૃદ્ધાને માથાના ભાગે પથ્થર માર્યો હતો અને ઢીકાપાટુનો માર મારી તેમનો મોબાઈલ પણ તોડી નાખ્યો હતો. ભક્તિનગર પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.
Read Original Article →