ગેસના ભાવ વધારાથી ગૃહિણીઓ પરેશાન:રાજકોટની મહિલાએ કહ્યું- હવે ઘર ચલાવવા નવા હુન્નર અજમાવવા પડે છે, સામાન્ય માણસે જીવવું કે મરી જવું તેવા ઉઠાવ્યા સવાલ
દેશભરમાં આજે રાંઘણ ગેસના ભાવમાં રૂ. 29નો વધારો કરવામાં આવ્યો છે. અચાનક થયેલા આ ભાવવવધારને લઈને ગૃહિણીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ગેસના ભાવમાં થયેલા અસહ્ય વધારાને કારણે સામાન્ય પરિવારોના ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ત્યારે એક મહિલાએ દિવ્યભાસ્કર સમક્ષ વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હવે ઘર ચલાવવા નવા હુન્નર અજમાવવા પડે છે. તો અન્ય એક મહિલાએ તો સવાલ ઉઠાવ્યો હતો કે, આમાં સામાન્ય માણસે જીવવું કે મરી જવું ? સરકાર તાત્કાલિક ધ્યાન આપે તે જરૂરી છે. આ અંગે પોતાના મનની વ્યથા ઠલવતા સ્થાનિક ગૃહિણી સોનલબેન સ્વામીએ જણાવ્યું હતું કે, મોંઘવારી હવે મધ્યમ વર્ગની કમર તોડી રહી છે. આ પહેલા ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. 918 હતો, જે રાતોરાત વધીને હવે રૂ. 947 થઈ ગયો છે. આ આકરા ભાવ વધારા સામે અમારી માસિક આવક મર્યાદિત હોવાથી ઘરનું ગાડું માંડ-માંડ તાણીતુસીને ભેગું કરવું પડે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, માત્ર રાંધણ ગેસ જ નહીં, પરંતુ છેલ્લા કેટલાક સમયથી LPG, લીલા શાકભાજી, દૂધ અને બાળકોની સ્કૂલ ફી સહિતની તમામ બાબતોમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. મોંઘવારીના સમયમાં દર મહિને જાણે ગૃહિણીઓની અગ્નિપરીક્ષા લેવાતી હોય તેવું લાગી રહ્યું છે. દર વખતે નવો ભાવ વધારો આવે ત્યારે અમારે ઘર ચલાવવા માટે કયા આયોજનો કરવા અને કઈ રીતે પૈસા બચાવવા તે માટે નવા હુન્નર અજમાવવા પડે છે. એક સમય હતો જ્યારે મહિલાઓ ઘરખર્ચમાંથી થોડી-ઘણી કકસર કરીને ભવિષ્ય માટે બચત કરી શકતી હતી, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારની બચત કરવી સાવ અશક્ય બની ગઈ છે. સરકાર સમક્ષ અપીલ કરતા સોનલબેન સ્વામીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જો સરકાર દેશની અર્થવ્યવસ્થાને ખરેખર સુધારવા માંગતી હોય, તો તેમણે સૌથી પહેલા ગૃહિણીના રસોડાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. રસોડાનું બજેટ સુધરશે તો જ દેશના સામાન્ય લોકોને સાચા અર્થમાં રાહત મળશે. ત્યારે સરકાર આ દિશામાં પગલાં લે તે જરૂરી છે. ગેસના ભાવમાં થયેલા વધારા અંગે ગૃહિણી અરુણાબેન વાળાએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, ગેસ સિલિન્ડરના ભાવ 919 રૂપિયાથી વધીને સીધા 947 રૂપિયા થઈ ગયા છે, એટલે કે તેમાં એકસાથે 29 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. સતત વધતી મોંઘવારીના કારણે હવે રસોઈ બનાવીને ખાવું કે ભૂખ્યા રહેવું તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. માત્ર ગેસ જ નહીં, પરંતુ શાકભાજી, દૂધ, પેટ્રોલ, ડીઝલ અને બાળકોની સ્કૂલ ફી સહિતની તમામ વસ્તુઓમાં મહિને-મહિને ભાવ વધારો થઈ રહ્યો છે, જેના કારણે ઘર ચલાવવું અત્યંત મુશ્કેલ બન્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, ઘરખર્ચ માટે મળતું બજેટ હવે બિલકુલ પૂરતું થતું નથી. જો ઘરમાં વધુ પૈસા માંગવામાં આવે તો ક્યાં વાપરો છો તે બાબતે મગજમારી થાય છે, પરંતુ રોજેરોજ વધતી મોંઘવારી સામે પૈસા વગર કંઈ શક્ય નથી. આવી પરિસ્થિતિમાં સામાન્ય માણસે જીવવું કે મરી જવું તે પણ એક સવાલ છે. અરુણાબેન વાળાએ સરકારને અપીલ કરતા જણાવ્યું કે, સરકાર ભલે અન્ય ક્ષેત્રોમાં વિકાસ કરતી હોય, પરંતુ સૌથી પહેલા તેમણે ગૃહિણીઓનું રસોડું જોવું જોઈએ અને આ અસહ્ય ભાવ વધારા પર નિયંત્રણ લાવવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, ગેસના ભાવમાં થયેલા આ વધારાને લઈને સામાન્ય વર્ગનાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં થયેલા દુધના ભાવવધારા બાદ હવે ગેસના ભાવમાં પણ વધારો થતાં ગૃહિણીઓનાં બજેટ ખોરવાઈ ગયા છે. ભાવમાં થતા વધારાની સામે આવકમાં ખાસ વધારો થતો નહીં હોવાથી ઘર ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. જેને લઈને સરકાર ભાવમાં રાહત આપે તેવી માંગ ગૃહિણીઓ કરી રહી છે. જોકે સરકાર ભાવમાં રાહત ક્યારે આપશે તે તો હવે આવનારો સમય બતાવશે.
Read Original Article →