ગોકુલધામ ક્વાર્ટરમાં પાણીના ટાંકામાં પડી જતા 6 વર્ષીય બાળકીનું મોત:રેલનગરમાં પરિણીતાનું હાર્ટ એટેકથી મોત, રૂ.700ની ઉઘરાણીને લઈ જૂથ અથડામણમાં સામસામે ફરિયાદ

Gujarat5/27/2026, 3:39:22 PM
ગોકુલધામ ક્વાર્ટરમાં પાણીના ટાંકામાં પડી જતા 6 વર્ષીય બાળકીનું મોત:રેલનગરમાં પરિણીતાનું હાર્ટ એટેકથી મોત, રૂ.700ની ઉઘરાણીને લઈ જૂથ અથડામણમાં સામસામે ફરિયાદ
આસ્થા દીપકસિંગ ઠાકુર (ઉં.વ.6) ગઈકાલે બપોરે સોસાયટીના કમ્પાઉન્ડમાં કોઈ કારણોસર પાણીના ટાંકામાં પડી જતા પ્રથમ દોશી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે તપાસી મૃત જાહેર કરી હતી. પ્રાથમિક તપાસમાં બાળકીની માતા ઘરે હતા, ત્યારે બાળકી ઘરની બહાર સોસાયટીના કમ્પાઉન્ડમાં રમતી હતી. થોડીવાર બાદ માતા ઘરની બહાર આવતા દીકરી ક્યાંય જોવા ન મળતા તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન બાળકી મળી ન હતી, પરંતુ તેના ચપ્પલ સોસાયટીના પાણીના ટાંકાની પાસે જોવા મળ્યા હતા. જેથી બાળકી ટાંકામાં પડી ગઈ હોવાનું અનુમાન લગાવી ટાંકામાં તપાસ કરતા બાળકી મળી આવતા તેને બેભાન હાલતમાં બહાર કાઢી હતી. બાળકીના પિતા દીપકસિંગ ઠાકુર ડ્રાઇવિંગ કામ કરે છે અને તેઓ મૂળ બિહારના વતની છે, પરંતુ છેલ્લા 10 વર્ષથી રાજકોટમાં રહે છે. હાલ માલવીયાનગર પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. રેલનગરમાં પરિણીતાનું હાર્ટ એટેકથી મોત રાજકોટના રેલનગર વિસ્તારમાં રાધિકા ડેરી સામે આનંદ સ્કૂલ શેરીમાં રહેતા મીનુબેન ધર્મેન્દ્રભાઈ સકસેરિયા (ઉં.વ.33) આજે સવારના 11.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા, ત્યારે બેભાન થઈ જતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે જાણ થતા મોતનું ચોક્કસ કારણ જાણવા પ્રદ્યુમનનગર પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જેના પ્રાથમિક રિપોર્ટમાં હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. રૂ.700ની ઉઘરાણીને લઈ મોડી રાત્રે જૂથ અથડામણ જામનગર રોડ પર આવેલા તોપખાનામાં રહેતા દેવરાજ ગોપીભાઈ ગોરી (ઉ.વ.24)એ તોપખાના વિસ્તારમાં જ રહેતા સચિન ભીખુભાઈ જેઠવા, યુવરાજ, જીતેન્દ્ર યુવરાજના સસરા, અલ્કાબેન જીતેન્દ્ર અને ભાનુબેન જેઠવાએ પાઈપ વડે માર માર્યા અંગેની પ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે સચિન જેઠવાએ કહ્યું કે તારા માસીનો દીકરો હર્ષ પાસે રૂ.700 બે માસથી ઉઘરાણી કરું છું અને બહાના બતાવી આપતો નથી. તેને કહી દેજે કે પૈસા આપી દે નહીંતર બધાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી સચિને છરી વડે અને યુવરાજે પાઈપ વડે અને સચિનની માતા ભાનુબેન તેમજ યુવરાજના સસરા જીતેન્દ્રભાઈ અને સાસુ અલ્કાબેન બધા એક સંપ કરી દેવરાજ ગોરી અને પાર્થને માર મારતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે સામા પક્ષે તોપખાના શેરી નંબર 5માં રહેતા સચિન ભીખુભાઈ જેઠવા (ઉ.વ.28)એ અભિષેક ગોરી, દેવેન ગોરી, હર્ષ પાટડિયા, ગોપી ગોરી અને હાર્દિક ગોરીએ પ્રાણઘાતક હથિયારો સાથે માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી સચિને જણાવ્યું હતું કે, હર્ષ પાટડિયા પાસે 700 રૂપિયાની ફોન કરીને ઉઘરાણી કરી મને ફોનમાં રૂપિયા આપવા નથી. તું ક્યાં બેઠો છો તે મને જણાવવાનું કહેતા મેં કહ્યું કે બાપાસીતારામના ઓટલે બેઠો છું. થોડીવારમાં આરોપી સાથે ધસી આવી અને બન્ને વચ્ચે થયેલી ઉશ્કેરાયેલા ગોપી ગોરી સહિતના શખ્સોએ ભેગા મળી સચિન જેઠવાને પાઈપ વડે માર મારતા લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધી બન્ને પક્ષોના શખ્સોની શોધખોળ હાથ ધરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જુનિયર ક્લાર્કે સરકારના નાણાની ઉચાપત કરી તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર જયેશ પોપટ (ઉ.વ.52) દ્વારા રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં અમરેલીના બાબરા ખાતે રહેતા પરેશ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસને આપેલી ફરિયાદમાં જયેશ પોપટએ જણાવ્યું હતું કે, પોતે તાલુકા હેલ્થ ઓફિસર તેમજ ઇન્ચાર્જ વહીવટી કમ હિસાબી અધિકારી તરીકે તાલુકા હેલ્થ કચેરી રાજકોટમાં ફરજ બજાવે છે. વર્ષ 2020-21 અને વર્ષ 2021-22ના કચેરીના લોકલ ફંડનું ઓડિટ થતાં કચેરીમાં ફરજ બજાવતા આઉટ સોર્સિંગ કર્મચારી પરેશ ચૌહાણના ખોટી રીતે બેન્ક એકાઉન્ટમાં ખૂબ મોટી રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું હતું. જે અંતર્ગત 10 જુલાઈ 2025ના રોજ રાજકોટ ટીડીઓ દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જેનો રિપોર્ટ 11મે 2026ના રોજ આપવામાં આવ્યો હતો. તપાસમાં પરેશ ચૌહાણ દ્વારા પોતાની જુનિયર ક્લાર્ક તરીકેની સત્તાનો દૂર ઉપયોગ કરવામા આવ્યો હોવાનું સામે આવ્યું છે. તદુપરાંત સમિતિની પ્રાથમિક તપાસમાં પરેશ ચૌહાણ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસરની કચેરી ખાતે ફરજ બજાવનારા કર્મચારીઓ તેમજ નિવૃત્ત થયેલા કર્મચારીઓના નામે ખોટા વાઉચર બનાવવામાં આવ્યા હતા. જેના આધારે રૂ.16,59,505 જેટલી રકમ હરેશ ચૌહાણ દ્વારા પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવડાવી સરકારના નાણાની ઉચાપત કરી હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →