શહેરના વોર્ડ નં. 7, 8 અને 13માં દુષિત પાણીનું વિતરણ:મનપાએ લીધેલા 13 નમૂના ટેસ્ટમાં ફેલ, તમામ સ્થળોએ ત્વરિત રિપેરિંગ થયાનો તંત્રનો દાવો

Gujarat5/12/2026, 9:54:57 AM
શહેરના વોર્ડ નં. 7, 8 અને 13માં દુષિત પાણીનું વિતરણ:મનપાએ લીધેલા 13 નમૂના ટેસ્ટમાં ફેલ, તમામ સ્થળોએ ત્વરિત રિપેરિંગ થયાનો તંત્રનો દાવો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં શુદ્ધ અને ક્લોરિનયુક્ત પાણી પહોંચાડવાના દાવાઓ વચ્ચે અનેક વિસ્તારોમાં પીવાના પાણીમાં ડ્રેનેજનું ગંદુ પાણી ભળવાની ગંભીર સમસ્યા સામે આવી છે. શહેરના સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનના વિસ્તારોમાંથી મળેલી ફરિયાદો બાદ લેવામાં આવેલા પાણીના નમૂનાઓ પૈકી 13 સ્થળોના સેમ્પલ બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટમાં ફેલ જાહેર થયા છે. જોકે, તંત્રએ તમામ સ્થળોએ યુદ્ધના ધોરણે સમારકામ કરી દીધું હોવાનો દાવો કર્યો છે. 8147 સ્થળોએ પાણીના ક્લોરિન ટેસ્ટ કરાયા પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ મહાપાલિકાની વોટરવર્કસ શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી પાણીના નમુના મેળવી તેનું પરીક્ષણ કરવામાં આવે છે. ગત એપ્રિલ માસ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડાઓ મુજબ, સમગ્ર એપ્રિલ મહિનામાં શહેરના ત્રણેય ઝોનમાં કુલ 8147 સ્થળોએ પાણીના ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત 207 સ્થળોએ પાણીના બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ અને 29 સ્થળોએ કેમિકલ પેરામીટર્સની ચકાસણી માટે લેબોરેટરી ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા હતા. આ સઘન ચેકિંગ દરમિયાન 13 સ્થળોએ પાણીમાં જોખમી બેક્ટેરિયાની હાજરી મળી આવી હતી, જે દર્શાવે છે કે આ વિસ્તારોમાં પીવાના પાણી સાથે ડ્રેનેજ લાઇનનું દૂષિત પાણી ભળી રહ્યું હતું. કયા વિસ્તારોમાં પાણી દૂષિત મળ્યું? એપ્રિલ માસમાં સઘન ચેકિંગનો આંકડો તંત્ર દ્વારા આ નમુનાઓ તારીખ 1, 2, 10 અને 16 એપ્રિલના રોજ લેવામાં આવ્યા હતા. રિપોર્ટ નેગેટિવ આવતાની સાથે જ વોટરવર્કસ શાખા અને ડ્રેનેજ વિભાગની ટીમો દ્વારા જે-તે સ્થળે લાઇન લીકેજ શોધવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, મોટાભાગના કિસ્સાઓમાં પીવાના પાણીની લાઇન અને ડ્રેનેજ લાઇન નજીક હોવાથી અથવા જૂની પાઇપલાઇનમાં ભંગાણ પડવાથી આ પ્રકારની સમસ્યા સર્જાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને દરરોજ નિયમિત 20 મિનિટ પાણી આપવામાં આવે છે. આ પાણી શુદ્ધ હોય તે માટે દર મહિને સરેરાશ 6500થી 7000 જેટલા નમુનાઓ લેવામાં આવે છે, પરંતુ એપ્રિલ માસમાં આ સંખ્યા વધારીને 8147 કરવામાં આવી હતી. જૂની પાઈપલાઈન અને લીકેજ જવાબદારઃ તંત્ર મનપાનાં વોટર વર્ક્સ વિભાગના અધિકારી દેથરીયાએ દિવ્ય ભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું કે, મનપા દ્વારા પાણીની શુદ્ધતા ચકાસવા માટે જ દર મહિને 6-7 હજાર નમૂનાઓ લેવામાં આવે છે. ગત એપ્રિલ મહિનામાં 8147 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જે પૈકી વૈશાલીનગર, મનહરપ્લોટ, કરણપરાની સાથે જ પંચશીલ સોસાયટી મળીને કુલ 13 સેમ્પલ ફેલ થયા હતા, જેને પગલે આ તમામ વિસ્તારમાં લાઇન લીકેજ શોધવા યુદ્ધનાં ધોરણે કામગીરી કરવામાં આવી હતી. એટલું જ નહીં તમામ સ્થળે જરૂરી સમારકામ કરી ફરીથી સેમ્પલ લેવાયા હતા, જેમાં પાણી સંપૂર્ણપણે શુદ્ધ હોવાનું હાલ સામે આવ્યું છે. ત્યારે લોકોએ ગભરાવાની નહીં, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે. જ્યાં પાણીમાં કોઈપણ પ્રકારની દુર્ગંધ આવતી હોય ત્યાનાં લોકોને તાત્કાલિક ફરિયાદ કરવાની અપીલ પણ કરી હતી. પ્રિ-મોન્સૂન પ્લાન હેઠળ નવી લાઈનો નાખવા રહીશોની માગ ઉલ્લેખનીય છે કે, ઉનાળાની શરૂઆતમાં જ જે રીતે અલગ-અલગ વોર્ડમાં દૂષિત પાણીની ફરિયાદો ઉઠી છે તેનાથી રહીશોમાં રોગચાળો ફેલાવાનો ભય પણ જોવા મળી રહ્યો છે. રહીશોની માગ છે કે માત્ર નમુના ફેલ થયા પછી કામગીરી કરવાને બદલે, તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે તમામ જૂની લાઈનોનું નિરીક્ષણ કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા ગંદા પાણીની સમસ્યાથી બચી શકાય. હાલમાં તો વોટરવર્કસ વિભાગ દ્વારા દૂષિત પાણીવાળા વિસ્તારોમાં વધારે ક્લોરિનેશન કરવાની અને જરૂર પડે ત્યાં નવી પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે.
Read Original Article →