'ચોમાસામાં દેડકા દેખાય,એમ ચૂંટણીમાં નેતા દેખાય':'ચૂંટણી પ્રચાર માટે આવવું નહીં'ના બેનર લગાવવાની ચીમકી, કરોડોના બંગલાના રહીશો પ્રાથમિક સુવિધાના અભાવે ત્રાહિમામ; વીજળીના ધાંધિયા હોવાનો વોર્ડ 1ના સ્થાનિકોનો આક્ષેપ
આગામી 26 એપ્રિલના રોજ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે.ત્યારે શહેરના વોર્ડ નંબર 1ના વિસ્તારોમાં ગ્રાઉન્ડ ઝીરો પર દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી હતી.જેમાં રૈયાધાર વિસ્તાર જે ગામડા જેવો હોવાનું અને ત્યાં સફાઈ સહિતનાં પ્રશ્ને લોકોમાં રોષની લાગણી હોવાનું જોવા મળ્યું હતું.એટલું જ નહીં પોશ વિસ્તાર ગણાતા આલાપ ગ્રીન સિટી પાછળ કે જ્યાં કરોડોના બંગલા અને ફ્લેટ ત્યાં પણ પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું સામે આવ્યું. સ્થાનિક રાહુલ મોભેરાએ જણાવ્યું હતું કે ચોમાસામાં દેડકા દેખાય,એમ ચૂંટણી આવે ત્યારે નેતાઓ દેખાય છે. જ્યારે શહેરમાં નવા ભળેલા ઘંટેશ્વર વિસ્તારના કલ્યાણ પાર્કના સ્થાનિકોએ તો મતદાનનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. તો ભાજપના પૂર્વ કોર્પોરેટરે સબ સલામતના દાવા અને વિકાસ કાર્યો ગણાવ્યા. જ્યારે કોંગ્રેસના આગેવાને કહ્યું કે લોકો આ સરકારથી ત્રાહિમામ છે અને પરિવર્તન ઈચ્છી રહ્યા છે. વિકાસ માત્ર કાગળ પર:શૈલેષ મોભેરા
રૈયાધાર વિસ્તારમાં રહેતા AAPના 69 ઝોનના સહ પ્રભારી શૈલેષ મોભેરાએ જણાવ્યું કે, ગયા 25 વર્ષથી રૈયાધારનો થોડો થોડો વિકાસ થતો આવે છે,પણ વિકાસ માત્ર કાગળ પર જ છે.વિકાસ માટે આવતું ફંડ ખાઈ જવામાં આવે છે.હાલની સ્થિતિએ રોડ પર બનાવેલા બમ્પમાં દર મહિને સફેદ પટ્ટા મારવામાં આવે છે,જે લાંબો સમય રહેતા નથી. ગટરના ઢાંકણા અઠવાડિયામાં 3-3 વાર તૂટી જાય છે.આ અંગેનો વિડીયો પણ વાયરલ કર્યો હોવા છતાં આમાં કોઈને રસ નથી, અને આ જ કારણથી સરકાર ભ્રષ્ટાચાર કરી રહી છે. 'લોકો ભાજપ સામે બોલતા ગભરાય છે'
શૈલેષ મોભેરાએ વધુમાં જણાવ્યું હતું કે વોર્ડ નં 1માં ચાર પૂર્વ કોર્પોરેટર, જેમાં હિરેન ખીમાણીયા,ડો. અલ્પેશ મોરજરિયા,દુર્ગાબા જાડેજા અને ભાનુબેન બાબરીયાનો સમાવેશ થાય છે.ભાનુબેન બાબરીયા છેલ્લા 5 વર્ષથી કોર્પોરેટર છે,છતાં પણ એકવાર પણ આ વિસ્તારની મુલાકાતે આવ્યા નથી.આ ઉપરાંત અન્ય ત્રણ કોર્પોરેટર પણ પોતાના વિસ્તાર સિવાય ક્યાંય જોવા મળતા નથી.વિરોધ પક્ષ તરીકે જનતા ભાજપથી ડરે છે,પણ અંદરખાને તેમનો ફૂલ વિરોધ છે.લોકો ભાજપ સામે બોલતા ગભરાય છે,કારણ કે તેને જેલમાં પૂરી દેવામાં આવશે કે ખોટા કેસો કરી દબાવવામાં આવશે તેવો ડર છે.આ જ કારણથી જનતા બહાર આવીને વિરોધ કરી શકતી નથી. ચોમાસા સમયે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા
દિવ્યભાસ્કરની ટીમ જ્યારે રૈયાધાર વિસ્તારમાં પહોંચી ત્યારે અહીં કોઈ ગ્રામ્ય વિસ્તારમાં હોય તેવો જ માહોલ જોવા મળ્યો હતો.જોકે રોડ-રસ્તા સારા હતા પણ આ વિસ્તારમાં સ્વચ્છતાનો સદંતર અભાવ જોવા મળ્યો છે.સ્થાનિકોનાં જણાવ્યા મુજબ અહીં વારંવાર વીજળીની પણ સમસ્યા છે,ચોમાસામાં ઠેર-ઠેર પાણી ભરાઈ જતા હોવાની સમસ્યા પણ આ વિસ્તારના લોકો ઘણા લાંબા સમયથી સહન કરી રહ્યા છે.આ મામલે અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતો હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું.સાથે જ તાત્કાલિક સમસ્યાઓ ઉકેલવા માટે માંગ કરી હતી. વારંવાર વીજળી ગુલ થઈ જાય છે:ભરત ચૌહાણ
ભરત ચૌહાણ નામના સ્થાનિકે દિવ્યભાસ્કર સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી કે, અમારા વિસ્તારમાં છેલ્લા એક-બે વર્ષથી વીજળી અંગે મુખ્ય સમસ્યા છે.દિવસમાં બેથી ત્રણ વખત વીજળી ગુલ થઈ જાય છે અને જ્યારે ફોન કરવામાં આવે ત્યારે 'ટ્રીપ થઈ ગયું છે' અથવા 'કનેક્શન પ્રોબ્લેમ છે'જેવા કારણો આપવામાં આવે છે.ખાસ કરીને ગયા અઠવાડિયે શનિ-રવિમાં પણ સવારે 6 વાગ્યાથી લાઈટ જતી રહી હતી,જે કલાક પછી આવીને ફરી 8 વાગ્યે જતી રહી હતી. 'કોર્પોરેટરો તો ક્યારેય મુલાકાતે આવ્યા જ નથી'
અમારા વિસ્તારથી માત્ર 100-200 મીટર દૂર પોશ વિસ્તારમાં ક્યારેય લાઈટ જતી નથી અને જો જાય તો પણ એક કલાકમાં આવી જાય છે.આ બાબતે અમે પટેલ સાહેબને લેખિતમાં અરજી પણ આપી હતી,જેના કારણે બે મહિના સુધી સ્થિતિ સુધરી હતી પરંતુ હવે ફરી એ જ સમસ્યા ઊભી થઈ છે.મોબાઈલ ચાર્જિંગ, ટેલિવિઝન અને પંખા જેવી પાયાની જરૂરિયાતો વીજળી વગર પ્રભાવિત થાય છે.જોકે રોડ-રસ્તા અને સફાઈની કામગીરી ઠીક છે,પરંતુ અમારા વિસ્તારના કોર્પોરેટરો તો ક્યારેય મુલાકાતે આવ્યા નથી. ચૂંટણી સમયે કદાચ દેખાયા હશે, પરંતુ હાલ અમને તેમના નામની પણ જાણ નથી. 'બગીચો કે આરોગ્ય કેન્દ્ર માટે રજૂઆત કરી હતી'
રૈયાધાર વિસ્તારમાં વર્ષોથી રહેતા લાલદાસ નામના નાગરિકે જણાવ્યું કે તેઓ છેલ્લા 30 વર્ષથી વોર્ડ નં 1ના રૈયાધાર વિસ્તારમાં રહે છે.અહીં કાયમી ધોરણે ગંદકી અને કચરાની ગંભીર સમસ્યા છે.લોકો ગમે ત્યાં કચરો ફેંકી જાય છે,જેના કારણે કચરાના ઢગલા ખડકાયેલા રહે છે. છેલ્લા 20 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં આ વિસ્તારમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી.કોર્પોરેટરો માત્ર ચૂંટણી સમયે જ મત માંગવા આવે છે,ત્યારબાદ કોઈ ડોકાતું નથી.અહીં બગીચો કે આરોગ્ય કેન્દ્ર જેવી પાયાની સુવિધાઓ આપવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળતો નથી.આ વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે,પરંતુ તંત્ર દ્વારા તેની અવગણના કરવામાં આવી રહી છે. 'કચરાના ઢગલાઓ ઘરની સામે પડ્યા રહે છે'
રાહુલ મોભેરા નામના સ્થાનિકે જણાવ્યું કે, અહીં મુખ્ય સમસ્યા એ છે કે મારા ઘરની સામે કચરાના ઢગલા પડ્યા રહે છે.હમણાં માવઠું થયું ત્યારે પાણી ભરાયું હતું અને મચ્છરનો ખૂબ ત્રાસ છે.આ બાબતે મેં અરજી પણ કરી છે,પરંતુ કોઈ ધ્યાન આપતું નથી.આ ઉપરાંત,મેં 2025માં સ્ટ્રીટ લાઈટના થાંભલા માટે પણ અરજી કરી હતી,છતાં હજુ સુધી કંઈ કરવામાં આવ્યું નથી,માત્ર સર્વે કરીને જતા રહે છે. આ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા છે,ઘણીવાર ડહોળું પાણી આવે છે.આ બધી રોજિંદી સમસ્યાઓ છે. જેનો અમારે સામનો કરવો પડે છે.સ્થાનિક કોર્પોરેટરો વિશે પૂછતા તેમણે જણાવ્યું કે,અહીંની 90 ટકા જનતા ચારેય કોર્પોરેટરોને ઓળખતી પણ નહીં હોય.કારણ કે તેઓ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે,જેમ ચોમાસામાં કેમ દેડકા દેખાય એમ! ચૂંટણી સમયે બધાય દેખાશે. મત માંગવા આવશે,બાકી આ સિવાય કોઈપણ અહીં ડોકાતું નથી. 'કોર્પોરેટર કોણ છે એમની જાણ નથી અમને'
રૈયાધાર વિસ્તારના મંજુબેને જણાવ્યું હતું કે,તેઓ છેલ્લા 20થી 22 વર્ષથી આ વિસ્તારમાં વસવાટ કરે છે. સ્થાનિક કોર્પોરેટર કોણ છે તેની પણ તેમને જાણ નથી,કારણ કે તેઓ ક્યારેય વિસ્તારની મુલાકાતે આવ્યા નથી.ચૂંટણી સમયે મત માંગવા આવતા પ્રતિનિધિઓ જીત્યા પછી ડોકાતા પણ નથી.આ તમામ સમસ્યાઓ અંગે તંત્રને રજૂઆત કરવામાં આવી છે,પરંતુ હજુ સુધી કોઈપણ જવાબ મળ્યો નથી કે કોઈ અધિકારી તપાસ કરવા પણ આવ્યા નથી. 'નેતાઓ પ્રજાની તકલીફો જાણવા આવતા નથી'
રૈયાધાર વિસ્તારનાં વેપારીઓમાં પણ રોષની લાગણી જોવા મળી હતી.દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં વેપારી અજયભાઈએ જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષથી દુકાન ચલાવી રહ્યો છું. અહીં રોડ રસ્તાની સ્થિતિ અત્યંત ગંભીર છે.છેલ્લા 2થી 3 વર્ષથી આવી જ પરિસ્થિતિ હોવા છતાં સ્થાનિક 4 કોર્પોરેટરોમાંથી કોઈ અહીં ડોકાતું પણ નથી.નેતાઓ માત્ર ચૂંટણી વખતે જ મત લેવા આવે છે અને ત્યારબાદ કોઈ કામગીરી થતી નથી.શાસક પક્ષ ભાજપનું શાસન હોવા છતાં કોઈ નેતા પ્રજાની તકલીફો જાણવા આવતા નથી તેવી વેદના પણ તેમણે વ્યક્ત કરી હતી. કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વેપારીઓમાં રોષ
આ વિસ્તારમાં છેલ્લા 14થી 15 વર્ષથી વેપાર કરતા પ્રવીણભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે,આ વિસ્તારમાં મુખ્ય સમસ્યા કચરાના નિકાલની છે,જેના કારણે અન્ય ઘણી નાની-મોટી તકલીફો ઊભી થાય છે.સ્થાનિક કોર્પોરેટરોની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવતા તેમણે જણાવ્યું હતું કે,જે રીતે પત્રકારો રૂબરૂ આવીને પ્રશ્નો પૂછે છે તે રીતે કોઈ જનપ્રતિનિધિ ક્યારેય આ વિસ્તારની મુલાકાત લેતા નથી.તંત્ર દ્વારા આ વિસ્તારમાં વ્યવસ્થિત સાફ-સફાઈ કરવામાં આવે અને લોકહિતના કામો પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવામાં આવે તેવી વેપારીઓની મુખ્ય માંગ છે. અહીં દુકાન ધરાવતા ચંદ્રકાંતભાઈએ જણાવ્યું કે,તેઓ છેલ્લા 20 વર્ષથી અહીં વેપાર કરી રહ્યા છે પીવાના પાણીની પણ સમસ્યા અને રોડ-રસ્તાનું કામ પણ હજુ અડધું બાકી છે. સાફ-સફાઈ માટે સફાઈ કામદારો આવે છે પરંતુ કચરો ઉપાડવામાં આવતો નથી.અહીંના કોર્પોરેટર કોણ છે તેની તેમને જાણ નથી અને ચૂંટણી સમયે મત માંગવા સિવાય કોઈ દેખાતું નથી. પોશ વિસ્તારમાં પણ પ્રાથમિક સુવિધાનો અભાવ
રૈયાધાર બાદ દિવ્યભાસ્કરની ટીમ પોશ વિસ્તાર ગણાતા આલાપ ગ્રીનસિટી પહોંચી હતી.જ્યાં અનેક સોસાયટીમાં રોડ-રસ્તા તેમજ ડ્રેનેજની સમસ્યા હોવાનું સામે આવ્યું હતું. તેમજ સફાઈ પણ નિયમિત નહીં થતી હોવાનો આક્રોશ સ્થાનિકોએ ઠાલવ્યો હતો.મોટાભાગના લોકોએ જણાવ્યું હતું કે,તેઓ ભાજપને મત આપે છે,વેરાઓ પણ ભરે છે.આમ છતાં વર્ષોથી તેમના પ્રશ્નો હલ થતા નથી.ચૂંટણી જીત્યા બાદ નગરસેવકો ડોકાયા નહીં હોવાનું જણાવી આયાતીના બદલે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા માંગ પણ લોકોએ કરી હતી. સ્થાનિકને ટિકિટ આપવામાં આને:પુષ્પાબેન યાજ્ઞિક
શાંતિનિકેતનમાં રહેતા પુષ્પાબેન યાજ્ઞિકે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ગંદકી અને મચ્છરોનો ખૂબ જ ઉપદ્રવ છે.અહીં પરિવહન માટે બસની સુવિધાનો અભાવ હોવાથી લોકોને દરેક સ્થળે ચાલીને જવું પડે છે.ચૂંટણી સમયે નેતાઓ મીટિંગો યોજે છે,પરંતુ જીત્યા પછી 5 વર્ષ સુધી કોઈ ડોકાતું નથી.જેના કારણે સોસાયટીમાં વિકાસના કામો થતા નથી.હાલમાં સોસાયટીના સભ્યો અને મહિલા મંડળ દ્વારા જ જરૂરી કામગીરી કરવામાં આવે છે.તંત્ર તરફથી કોઈ સહાય મળતી નથી.આથી તેઓ માંગ કરી રહ્યા છે કે જો આ વિસ્તારના જ કોઈ સ્થાનિક વ્યક્તિને ટિકિટ આપવામાં આવે,તો જ અમારા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે તેમ છે. બંસી પાર્ક વિસ્તારમાં રહેતા નેહાબેને જણાવ્યું હતું કે, અહીં ગટરની વ્યવસ્થા ન હોવાથી રસ્તાઓ પર ગંદુ પાણી ભરાઈ રહે છે,જેના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ નેતાઓ મતો માંગવા આવે છે,પરંતુ જીત્યા પછી કોઈ પ્રશ્નો ઉકેલવા આવતું નથી.તેમણે પણ માંગ કરી છે કે જો આગામી ચૂંટણીમાં કોઈ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તો જ આ વિસ્તારનો વિકાસ શક્ય છે. સ્થાનિક નિશાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, ચોમાસામાં કાદવ-કીચડને કારણે વાહનો સ્લિપ થવાના બનાવો બને છે અને સ્થાનિકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડે છે.જો વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન કરવાની પણ તેમણે તૈયારી દર્શાવી છે. 'પ્રચાર માટે કોઈએ આવવું નહીં તેવા બોર્ડ લગાવવાનો નિર્ણય'
કલ્યાણ પાર્ક વિસ્તારના ગીતાબા ચુડાસમાએ જણાવ્યું હતું કે,અહીં નાના બાળકો માટે કોઈ આંગણવાડી જેવી સુવિધા નથી.વિસ્તારમાં સાફ-સફાઈના અભાવે મચ્છરોનો ભારે ત્રાસ છે અને પાણી ભરાવાની સમસ્યાનો કોઈ યોગ્ય નિકાલ લાવવામાં આવ્યો નથી.આ વિસ્તારમાં પોતાના બોર્ડ લગાવનારા સ્થાનિક કોર્પોરેટર હિરેન ખીમાણીયાએ ક્યારેય આ વિસ્તારની મુલાકાત લીધી નથી કે લોકોની સમસ્યાઓ સાંભળી નથી.આથી કંટાળીને સોસાયટીના રહીશોએ આ વખતે ચૂંટણીમાં મતદાન ન કરવાનો અને ચૂંટણી પ્રચાર માટે કોઈને આવવા નહીં દેવા માટેના બોર્ડ મારવાનો નિર્ણય લીધો છે. મધુબેન પરમારે જણાવ્યું હતું કે, હાલમાં ગટરનું કામ છેલ્લા 3 મહિનાથી ચાલુ છે પણ તે અધૂરું મૂકી દેવામાં આવ્યું છે.પાણી ભરાવાની સમસ્યા હલ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવવા અમારી માંગ છે. પાર્વતીબેન પાનસુરીયાએ જણાવ્યું હતું કે, પીવાના પાણીની ગંભીર સમસ્યા છે અને બોરના પાણી પણ દૂષિત આવે છે. છેલ્લા 5 વર્ષથી સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી રહી છે,પરંતુ મનપાનાં કર્મચારીઓ માત્ર મુલાકાત લઈને આશ્વાસન આપી જાય છે અને કોઈ નક્કર કામગીરી થતી નથી.ગ્રાન્ટ મંજૂર થઈ હોવાની વાતો વચ્ચે પણ જમીન પર કોઈ સુધારો દેખાતો નથી. 'અધિકારીઓ માત્ર આશ્વાસન આપે'
પ્રફુલભાઈ જોષીએ વિસ્તારની કથળતી જતી હાલત અંગે રોષ ઠાલવ્યો હતો.તેમના જણાવ્યા અનુસાર,છેલ્લા 5-6 વર્ષથી આ વિસ્તારમાં સમસ્યાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. 5 વર્ષ પહેલા મેટલિંગનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં અને ડામર રોડ મંજૂર થઈ ગયો હોવા છતાં હજુ સુધી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી.
બંસી પાર્ક વિસ્તારમાં 50% થી વધુ બિલ્ડિંગો બની ગઈ હોવા છતાં, અહીં સફાઈ કર્મચારીઓ કે ડ્રેનેજની કોઈ જ સુવિધા ઉપલબ્ધ નથી. વધુમાં તેમણે જણાવ્યું કે, સ્થાનિક કોર્પોરેટર ખીમાણીયાભાઈ અને અન્ય અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસનો જ મળે છે.ફોન કરવા પર કોઈ જવાબ મળતો નથી અને ઓફિસે જઈએ તો પણ મુલાકાત શક્ય બનતી નથી.ત્યારે વહેલી તકે ડ્રેનેજ લાઈન અને ડામર રોડની સુવિધા પૂરી પાડવામાં આવે જેથી આટલા વર્ષોથી ચાલતી મુશ્કેલીઓનો અંત આવે. મનપામાં નવા ભળેલા વિસ્તારોના લોકોને હાલાકી
જે બાદ દિવ્ય ભાસ્કરની ટીમ ઘંટેશ્વર નજીક પહોંચી હતી. જ્યાં પણ કલ્યાણ પાર્ક સહિતનાં નવા ભળેલા વિસ્તારોનાં લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા આ વિસ્તારના લોકોએ તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની સાથે 'કોઈ નેતાએ પ્રચારમાં આવવું નહીં'તેવા બેનરો લગાવવાની તૈયારી દર્શાવી છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરના સબ સલામતના દાવા
ભાજપના પૂર્વ કોર્પોરેટર અલ્પેશ મોરજરીયાએ 5 વર્ષના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા વિકાસલક્ષી કાર્યોની વિગતો આપી હતી. વોર્ડમાં તમામ રોડ-રસ્તાઓનું રિ-કાર્પેટિંગનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાની અલ્પેશ મોરજરીયાએ વાત કરી હતી. જ્યારે મધ્યમ વર્ગના પરિવારોને સામાજિક પ્રસંગોમાં સુવિધા મળી રહે તે માટે સંતોષ પાર્ક વિસ્તારમાં એક અદ્યતન હોલ બનાવીને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નવી DI પાઇપલાઇન નાખવાનું કામ મંજૂર
આ ઉપરાંત અગાઉની નાની વોર્ડ ઓફિસને કારણે લોકોને પડતી હાલાકી દૂર કરવા માટે નવી વોર્ડ ઓફિસનું કામ પણ મંજૂર કરાવ્યું છે જે ટૂંક સમયમાં શરૂ થશે.ગાંધીગ્રામ જેવા જૂના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના કાયમી નિકાલ માટે 3 મુખ્ય જગ્યાઓ પર સ્ટ્રોમ વોટર લાઈન નાખવામાં આવી છે. જેના કારણે છેલ્લા 2 વર્ષથી આ સમસ્યામાં મોટો ઘટાડો થયો છે.ગાંધીગ્રામમાં જૂના નેટવર્કને કારણે આવતા ગંદા પાણીની ફરિયાદના ઉકેલ માટે ચારેય કોર્પોરેટરોની રજૂઆત બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર વિસ્તારમાં નવી DI પાઇપલાઇન નાખવાનું કામ મંજૂર કરાયું છે અને આ પ્રોજેક્ટનું કામ 1થી 2 મહિનામાં શરૂ કરવામાં આવશે. વધુમાં અલ્પેશ મોરજરીયાએ નવા ભળેલા વિસ્તારો વિશે જણાવ્યું હતું કે લોકોને આપેલા વચન મુજબ આ વિસ્તારોમાં પાણી અને ડ્રેનેજની સુવિધા આપવામાં સફળતા મળી છે. રોડ રસ્તાના કામો અંગે તેમણે ઉમેર્યું હતું કે આ વિસ્તારોમાં મેટલ રોડ પાસ થઈ ગયા છે અને નાગેશ્વર વિસ્તારમાં ડામર રોડનું કામ આગામી 3 મહિનામાં પૂર્ણ થઈ જશે. આગામી સમયમાં પેવિંગ બ્લોકના કામો પૂર્ણ કરીને આ વિસ્તારને ડસ્ટ ફ્રી બનાવવાનું અમારું લક્ષ્ય છે.રૈયા ગામના વિકાસ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે 85 ટકા રૈયા ગામમાં બ્લોક નાખવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.અમુક સૂચિત વિસ્તારોમાં ટેકનિકલ કારણોસર અને ગ્રામ્ય વિસ્તારના રોડ ટી.પી. સ્કીમમાં ન હોવાને કારણે કે અમુક જગ્યાએ વ્યક્તિગત દાવાઓના લીધે કામગીરી અટકી હતી. પરંતુ બાકીના મોટાભાગના વિસ્તારમાં પાયાની સુવિધાઓ પહોંચાડી દેવામાં આવી છે. લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે:કોંગ્રેસ આગેવાન
વોર્ડ નંબર 1ના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રમેશ જુંજાએ જણાવ્યું હતું કે,વોર્ડ નંબર 1ના વિસ્તારોમાં સમસ્યાઓનો અંબાર છે,પરંતુ છેલ્લા 5 વર્ષમાં સ્થાનિક કોર્પોરેટરો ક્યાંય દેખાયા નથી.જેના કારણે લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે,વોર્ડમાં મુખ્યત્વે રોડ-રસ્તા અને સફાઈ સહિતની ગંભીર સમસ્યાઓ છે. હાલમાં હિરેન ખીમાણીયા અને દુર્ગાબા જાડેજા જેવા કોર્પોરેટરો છે, પરંતુ જનતા તેમને ઓળખતી પણ નથી.લોકોની માંગ છે કે સ્થાનિક અને સક્રિય પ્રતિનિધિ હોય જે ખરેખર કામ કરે.આયાતી કે બહારના ઉમેદવારોના કારણે વિકાસના કામોમાં અવરોધ આવતો હોય તેમ લાગી રહ્યું છે. બાળકો માટે આંગણવાડીની સુવિધા નથી:AAP ઉમેદવાર ગૌરીબેન
વોર્ડ નંબર 1માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌરીબેન પાણખણીયાએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ગ્રાઉન્ડ લેવલ પર લોકોની વચ્ચે જાય છે,ત્યારે લોકો પાયાની સુવિધાઓના અભાવે ખૂબ જ પરેશાન જોવા મળે છે.લોકોની મુખ્ય ફરિયાદોમાં ગટરની સુવિધાનો અભાવ,ખરાબ રોડ-રસ્તા અને સફાઈ કામદારોનું નિયમિત ન આવવું જેવી સમસ્યાઓ છે. વધુમાં તેમણે આક્ષેપ કર્યો કે લોકો તેમના વિસ્તારના કોર્પોરેટરોને પણ ઓળખતા નથી.દૂર્ગાબા જાડેજા અને હિરેન ખીમાણીયા જેવા કોર્પોરેટરોએ ક્યારેય મુલાકાત લીધી નથી કે લોકોના પ્રશ્નો સાંભળ્યા નથી.તુલસીપત્ર જેવા વિસ્તારોમાં ગંદકીનું પ્રમાણ ખૂબ જ વધારે છે અને ત્યાં 200થી વધુ બાળકો માટે આંગણવાડીની પણ કોઈ સુવિધા નથી.લોકો વર્તમાન પરિસ્થિતિથી ત્રાહિમામ પોકારી ગયા છે અને પરિવર્તન ઈચ્છી રહ્યા છે.જો આમ આદમી પાર્ટીની સત્તા પર આવશે,તો આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની તેમણે ખાતરી આપી હતી. રોડ-રસ્તાના કામને પ્રાથમિકતા આપીશું:વાલજી કણઝારિયા
આમ આદમી પાર્ટીના બીજા એક ઉમેદવાર વાલજી કણઝારિયાએ જણાવ્યું કે ગાંધીગ્રામથી પરા પીપળીયા સુધીના આ વિસ્તારમાં અનેક પાયાની સમસ્યાઓ છે,જે વર્ષોથી વણઉકેલ છે.ગાંધીગ્રામ અને એરપોર્ટની આસપાસની સોસાયટીઓમાં છેલ્લા 20 વર્ષથી ગંદા પાણીની સમસ્યા છે અને ગટર લાઇન ચોકઅપ થવાની ઘટનાઓ પણ વારંવાર બને છે.મારુતિનગર અને પરા પીપળીયામાં આવેલી ઈન્દિરા આવાસ યોજનાના ક્વાર્ટર્સમાં 15 વર્ષથી રોડ અને ગટરની કોઈ સુવિધા આપવામાં આવી નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતાના પ્રશ્નો સાંભળવા આવતા ન હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો તેઓ આ ચૂંટણીમાં વિજેતા બનશે તો જનતાની પાયાની જરૂરિયાતો અને સુવિધાઓ પૂરી પાડ્યા બાદ રોડ-રસ્તા સહિતના વિકાસના કામોને પ્રાથમિકતા આપશે.
Read Original Article →