ભાજપે જેને સસ્પેન્ડ કર્યા તેને કોંગ્રેસે ખેસ પહેરાવ્યો:આવાસ કૌભાંડમાં પતિનું નામ ઉછળ્યા બાદ ચર્ચામાં આવેલા વોર્ડ નં.6ના પૂર્વ કોર્પોરેટરે કાર્યકરો સાથે પક્ષપલટો કર્યો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતાની સાથે જ પક્ષ પલ્ટુની પણ મોસમ શરૂ થઇ ચુકી છે. આ શરૂઆત આ વખતે કોંગ્રેસ નહિ, પરંતુ ભાજપમાંથી થવા પામી છે. ગઈકાલે (3 એપ્રિલ) રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 6માં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ભાજપના સસ્પેન્ડેડ પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ, તેમના પતિ મનસુખ જાદવ સહિત કાર્યકર્તાઓને કોંગ્રેસના આગેવાનોએ ખેસ પહેરાવી વિધિવત કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે પોતાના બે મહિલા કોર્પોરેટરોને 2024માં સસ્પેન્ડ કર્યા હતાં, જેમાં એક નામ દેવુબેન જાદવ અને બીજું નામ વજીબેન ગોલતર હતું. મને ખોટી રીતે બદનામ કરી, આ એક સ્ત્રીનું અપમાનઃ દેવુબેન
દેવુબેન જાદવએ જણાવ્યું હતું કે, મેં છેલ્લા 10 વર્ષથી કોર્પોરેટર તરીકે ભાજપની સેવા કરી છે. મને ખોટી રીતે બદનામ કરી છે અને આ એક સ્ત્રીનું અપમાન જ કહેવાય. 11 તારીખે મારી ટર્મ પુરી થઇ ત્યાં સુધી અમે ભાજપ વિષે કશું કદાચ ખરાબ બોલ્યા નથી અને ગઈકાલે (3 એપ્રિલ) અમે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છીએ. આવાસમાં પરિવારના આપેલા આધાર પુરાવા સાચા જ છે. અમે બધા જ્ઞાતિના લોકો સાથે સંકલનમાં રહી કોંગ્રેસમાં જવા નિર્ણય કર્યો અને જનતા અમને જરૂર સ્વીકારશે. સમાજના લોકો સાથે બેઠક કરી આ નિર્ણય કર્યોઃ મનસુખ જાદવ
મનસુખ જાદવએ જણાવ્યું હતું કે, અમે આજ દિવસ સુધી ભાજપ સાથે જોડાયેલા હતા. છેલ્લા બે દિવસથી કોંગ્રેસમાં જોડાવવા નિર્ણય કર્યો છે. સમાજના લોકો સાથે બેઠક કરી હતી અને બધાને સાથે રાખી કોંગ્રેસમાં જોડાવવા નિર્ણય કર્યો છે. ભાજપમાં તાનાશાહીથી કંટાળી અમે કોંગ્રેસમાં જોડાવવા નિર્ણય કર્યો છે. ભાજપે અમને સસ્પેન્ડ કર્યા ત્યારથી આજ દિવસ સુધી અમને બોલાવ્યા ન હતાં. અમે પ્રજાની સેવા કરીએ છીએ માટે 110% તમામ જ્ઞાતિનો અમને સાથ સહકાર મળશે, કારણ કે અમે બધાને સાથે રાખી આ નિર્ણય કર્યો છે. કોર્પોરેટરના પતિઓના આવાસ કૌભાંડમાં નામ ખુલ્યાં હતાં
વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેન જાદવના પતિ મનસુખ જાદવ અને વોર્ડ નંબર 5ના મહિલા કોર્પોરેટર વજીબેન ગોલતરના પતિ કવા ગોલતરે પોતાના અન્ય જગ્યાએ ઘરનું ઘર હોવા છતાં સાગરનગર અને મચ્છાનગર સ્લમ વિસ્તારમાં આવાસ મેળવવા પાત્ર લાભાર્થીઓની યાદીમાં નામ લખાવ્યું હતું. 2024માં મુખ્યમંત્રીના હસ્તે યોજાયેલા ડ્રોમાં બન્નેના નામ આવતાં વિવાદ સર્જાયો હતો. આ સમયે દેવુબેન જાદવ કાયદો-નિયમન સમિતિના ચેરમેન હતા. આ ઉપરાંત કોર્પોરેટર દેવુબેન જાદવના પતિ દ્વારા પૈસાની માંગણી કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ત્યારબાદ રાજકોટ શહેર ભાજપ દ્વારા કડક કાર્યવાહી કરતાં વજીબેન ગોલતર અને દેવુબેન જાદવનું ચેરમેન પદેથી રાજીનામું લઈ અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાલિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો.
Read Original Article →