'કોર્પોરેટરોએ ઓફિસમાં બેસીને વહીવટ કર્યાં છે':'5 વર્ષમાં કોઈ ડોકાયું નથી,'ઉનાળામાં રોજ પાણીના ટાંકા મંગાવવા પડે'; ગંદકીના સામ્રાજ્ય અને ચોમાસામાં પાણી ભરાવાથી રહીશો ત્રાહિમામ

Gujarat4/9/2026, 12:30:00 AM
'કોર્પોરેટરોએ ઓફિસમાં બેસીને વહીવટ કર્યાં છે':'5 વર્ષમાં કોઈ ડોકાયું નથી,'ઉનાળામાં રોજ પાણીના ટાંકા મંગાવવા પડે'; ગંદકીના સામ્રાજ્ય અને ચોમાસામાં પાણી ભરાવાથી રહીશો ત્રાહિમામ
આગામી 26 એપ્રિલે યોજાનારી મહાનગરપાલિકાની ચુંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા લોકોનો મિજાજ અને સમસ્યાઓ જાણવા ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત વોર્ડ નં-3ના પોપટપરા, રેલનગર અને વિવેકાનંદ નગર તેમજ 53 ક્વાર્ટર સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં ડે. મેયરના આ વિસ્તારમાં પણ લોકોને પીવાના અપૂરતા પાણી અને ગંદકીને લઈ વકરી રહેલા રોગચાળાની સમસ્યા હોવાનું સામે આવ્યું હતું. દિવ્યભાસ્કરની ટીમે સૌપ્રથમ સેન્ટ્રલ જેલની પાછળ આવેલા સ્વામી વિવેકાનંદનગરની મુલાકાત લીધી હતી. જેમાં આ વિસ્તારમાં સફાઈનો સદંતર અભાવ હોવાનું સામે આવ્યું હતું. એકતરફ તંત્ર દ્વારા નિયમિત સફાઈ કરવામાં આવતી નથી, બીજી તરફ કેટલાક લોકો પણ આડેધડ કચરો નાખતા હોવાથી આસપાસમાં રહેતા લોકો માટે મોટી સમસ્યા ઉભી થઈ છે. આ મામલે અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નહીં હોવાનો સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો. આ વોર્ડમાં સૌથી મુખ્ય સમસ્યા પોપટપરાના નાલામાં વરસાદી પાણી ભરાઈ જવાની છે. જેને લઈને કોંગ્રેસના ઉમેદવાર અતુલ રાજાણીએ પણ આકરા પ્રહારો કર્યા હતા. અને ભાજપનાં નેતાઓ લોકોની સમસ્યા જાણવા ફિલ્ડમાં જવાને બદલે ઓફિસમાં બેઠા-બેઠા જ વહીવટ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ રેલનગરના અન્ડરબ્રિજમાં વગર વરસાદે વર્ષમાં 8 મહિના ભરાતા પાણી અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. જો કે ભાજપના નેતાએ આ સમસ્યાઓ મહદઅંશે હલ થઈ ચૂકી હોવાનો દાવો કર્યો હતો. 'કચરાની ગાડી 8-10 દિવસે આવે' પોપટપરા વિસ્તારના હેતલબેને જણાવ્યું હતું કે, છેલ્લા 3-4 દિવસથી તેમના ઘર પાસે કચરાના ઢગલા ખડકાયા છે. કચરો સમયસર ન ઉપાડવામાં આવતો હોવાથી આ વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે નાના બાળકો બિમાર પડી રહ્યા છે. કચરો લેવા આવતી ગાડી પણ 8-10 દિવસે એકાદ વાર જ આવે છે. આ સમસ્યા હલ કરવા કોઈ કોર્પોરેટર આવતા પણ નથી અને સ્થાનિકોની મુશ્કેલીઓનો કોઈ ઉકેલ આવતો નથી. 'સફાઈ ન થતી હોવાથી જંગલ જેવી સ્થિતિ' સ્થાનિક નીતાબેન પરમારે જણાવ્યું હતું કે, ગટરના પાણી ઉભરાય છે અને મચ્છરોનો પણ ભારે ત્રાસ છે અને જંગલ જેવી સ્થિતિ સર્જાઈ છે. ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાય છે. ચૂંટણી સમયે નેતાઓ મત લેવા માટે આવે છે અને કામ કરી દેવાના વાયદાઓ પણ આપે છે, પરંતુ કોઈ કામ થતું નથી. 'સમસ્યા જાણવા કોઈ ડોકાયું નથી' સ્વામી વિવેકાનંદનગર વિસ્તારના સ્થાનિક જશુભાઈએ આક્ષેપ કર્યો છે કે, સ્થાનિક કોર્પોરેટરો સહિતના પ્રતિનિધિઓ સામે રોષ વ્યક્ત કર્યો. તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા 40 વર્ષમાં ક્યારેય અમારા આ વિસ્તારની સમસ્યાઓ જાણવા કોઈ ડોકાયું પણ નથી. તો રંજનબેને પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, કોર્પોરેશનની ગાડીઓ દર 15થી 20 દિવસે એકવાર કચરો લેવા આવે છે. આટલા લાંબા સમય સુધી કચરો પડી રહેવાના કારણે વિસ્તારમાં રહેવું મુશ્કેલ બની ગયું છે. 'સ્પીડબ્રેકર ન હોવાથી બાળકોને અકસ્માતનો ડર' રેલનગર-2 વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી રોડનું કામ અટકેલું હતું. લાંબા સમય બાદ હવે જ્યારે નવો રોડ બનાવવામાં આવ્યો છે ત્યારે તે ખૂબ જ ઊંચો રાખવામાં આવ્યો છે. જેના કારણે ચોમાસામાં અહીં મોટા પ્રમાણમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે. સ્થાનિક ધર્મિષ્ઠાબા જાડેજાએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં ચાર ચોક વચ્ચે સ્પીડબ્રેકર નથી, જેના કારણે વાહનો ખૂબ જ ઝડપથી પસાર થાય છે. અહીં બાળકો રમતા હોય ત્યારે સતત અકસ્માતનો ડર રહે છે અને અમારે તેમનું ખાસ ધ્યાન રાખવું પડે છે. 'કોર્પોરેટરો ક્યારેય પ્રશ્નો સાંભળવા આવ્યા નથી' પ્રીતિબેન રાઠોડે જણાવ્યું હતું કે, કોર્પોરેટરોને તો અમે ઓળખતા પણ નથી. કારણ કે તેઓ ક્યારેય અમારા પ્રશ્નો સાંભળવા આવ્યા નથી. ચૂંટણી સમયે મોટા-મોટા વાયદા કરવામાં આવ્યા હતા, પણ અત્યારે પરિસ્થિતિ ઠેરની ઠેર છે. આ ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે:વિજયાબા જાડેજા કોંગ્રેસના મહામંત્રી અને આ વિસ્તારમાં વર્ષોથી રહેતા વિજયાબા જાડેજાએ જણાવ્યું હતું કે, અલ્પાબેન, કુસુમબેન અને નરેન્દ્રસિંહ જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ અમારા વિસ્તારની સમસ્યાઓ તરફ ધ્યાન આપ્યું નથી. કોર્પોરેટરોએ શનિ-રવિના સમયમાં ઘરે-ઘરે જઈને લોકોની મુશ્કેલીઓ જાણવી જોઈએ. કોંગ્રેસના અતુલભાઈ અને ગાયત્રીબા જે રીતે લોકોની વચ્ચે રહીને કામ કરતા હતા, તે રીતે આ પ્રતિનિધિઓ પણ તેમની ફરજ નિભાવે તે જરૂરી છે. જોકે છેલ્લા પાંચ વર્ષમાં ભાજપ દ્વારા કોઈ પણ કામો કરવામાં આવ્યા ન હોવાથી આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ભવ્ય વિજય મેળવશે. 'ચારેય ઉમેદવાર જીતીશે તો તમામ પ્રશ્નો ઉકેલીશું' મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવાર અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે રેલનગર અંડરબ્રિજ અને પોપટપરાના નાળામાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાથી માર્ગો બંધ થઈ જાય છે. ઉપરાંત રેલવે પ્રિમાઈસીસની પાછળનો રસ્તો બનાવવાની પણ જરૂરિયાત છે. છેલ્લા ઘણા વર્ષોથી ભાજપના કોર્પોરેટરો લોકોની વચ્ચે દેખાયા નથી, માત્ર ઓફિસોમાં બેસીને વહીવટ કર્યો છે. કોંગ્રેસની પેનલના તમામ 4 ઉમેદવારો વિજયી થશે તો સફાઈ અને પાણી સહિતના તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી છે. 'લોકોના આશીર્વાદ મળ્યા તો 100 દિવસમાં સમસ્યા ઉકેલીશું' AAPના વોર્ડ નંબર 3ના ઉમેદવાર પરેશ દુલાણીએ જણાવ્યું હતું કે જો જનતાના આશીર્વાદ અને પ્રેમથી તેઓ ચૂંટણી જીતશે, તો પ્રથમ 100 દિવસમાં જ દરેક વિસ્તારમાં માઈક સાથે ફરીને લોકોની વ્યક્તિગત સમસ્યાઓ જાણશે અને તેનો ઉકેલ વહેલી તકે લાવવા માટેના પ્રયત્નો કરશે. અત્યારે માત્ર ચૂંટણીના સમયે જ નવા રસ્તા બનાવવામાં આવ્યા છે. 'વોકળા પર ગેરકાયદે મકાનો બની ગયા' આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગીતાબા જાડેજાએ વિસ્તારની મુલાકાત લઈ લોકોની વેદના સાંભળી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, વોકળા પર ગેરકાયદે મકાનો બની ગયા હોવાથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. સ્થાનિકો આ સમસ્યાનો કાયમી ઉકેલ ઈચ્છી રહ્યા છે. અમે ચૂંટાઈને આવશું તો તાત્કાલિક આ વિસ્તારનાં લોકોની સમસ્યા હલ કરવા પ્રયાસ કરીશું. આખા વોર્ડમાં DI પાઈપલાઈનનું નેટવર્ક:હેમુભાઈ પરમાર ભાજપ આગેવાન હેમુભાઈ પરમારે જણાવ્યું હતું કે, રેલનગર અને માધાપર જેવા નવા ડેવલપ થતા વિસ્તારોમાં પૂર્વ કોર્પોરેટરો અને ધારાસભ્યોના સહયોગથી અનેક વિકાસલક્ષી કાર્યો કરવામાં આવ્યા છે. જેમાં આખા વોર્ડમાં DI પાઈપલાઈનનું નેટવર્ક બિછાવવાની સાથે રેલનગર વિસ્તારમાં 80 લાખથી વધુના ખર્ચે મોટા ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં નવા 5 થી 7 ગાર્ડન બનાવવામાં આવ્યા છે. રેલનગર અને માધાપરમાં આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બાળકો માટે 5 નવી આંગણવાડી પણ શરૂ કરાઈ છે. 'રેલવે ટ્રેક નીચે 4 પાઈપ નાખવાનું આયોજન પૂર્ણ' હંસરાજનગર અને પોપટપરા વિસ્તારમાં વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ અંગે હેમુભાઈએ કહ્યું હતું કે, રેલવે તંત્ર અને કોર્પોરેશન દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં હંસરાજનગરથી આવતા પાણીના નિકાલ માટે રેલવે ટ્રેક નીચે 4 પાઈપ નાખીને બાયપાસ કરવાની કામગીરીનું આયોજન પૂર્ણ થઈ ગયું છે. જે માટે કોર્પોરેશન દ્વારા રેલવેને રૂ. 4 કરોડથી વધુની રકમ ચૂકવવા માટે પત્ર પણ આપી દેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં મ્યુ. કમિશ્નર અને DRM કક્ષાએ આ પ્રક્રિયા પૂર્ણ કરી કામગીરી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત પોપટપરાના નાલામાં અગાઉ 15-15 દિવસ સુધી ગંદા પાણી ભરાઈ રહેતા હતા, જે સમસ્યા અંગે ધારાસભ્ય અને ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી ભૂગર્ભ પાઈપ લાઈનના આયોજન દ્વારા ઉકેલવામાં આવી છે. જેના કારણે હવે વરસાદ બંધ થયાના માત્ર 2થી 3 કલાકમાં જ પાણીનો નિકાલ થઈ જાય છે. ઈન્ડોર સ્ટેડિયમ, સ્વિમિંગ પૂલ, જીમ બનાવવા વિચારણા આગામી સમયના આયોજન અંગે વાત કરતા હેમુભાઈ પરમારે જણાવ્યું હતું કે, રેલનગર વિસ્તારમાં રૂ. 7 કરોડના ખર્ચે નવો કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે. આ સાથે આગામી બજેટમાં આ વિસ્તારના રહીશો માટે ઈન્ડોર સ્ટેડિયમ, સ્વિમિંગ પૂલ અને બહેનો માટે ખાસ જીમ જેવી આધુનિક સુવિધાઓ ઉભી કરવાની વિચારણા પણ હાથ ધરવામાં આવી છે. જંકશન પ્લોટ, ગાયકવાડી અને હંસરાજનગર જેવા વિસ્તારોમાં ટીપી રોડ અને સોસાયટીઓમાં પેવિંગ બ્લોકના કામો પણ મોટા પાયે પૂર્ણ કરવામાં આવ્યા છે. છેલ્લા 22 વર્ષથી તેમની ઓફિસ દ્વારા આયુષ્માન કાર્ડ અને આધાર કાર્ડ જેવી પાયાની જરૂરિયાતો માટે સતત સેવા પૂરી પાડવામાં આવે છે.
Read Original Article →