પૂર્વ સ્ટે. ચેરમેન-દંડકના વિસ્તારમાં પાણીની મુશ્કેલી:દૂષિત પાણીને મુખ્ય રસ્તા પર કચરાનાં ઢગલાથી લોકો પરેશાન, સ્થાનિકોએ કહ્યું- નેતાઓ મત માંગવા આવે છે, સમસ્યા સાંભળતા નથી
આગામી 26 એપ્રિલનાં રોજ યોજાનાર ચૂંટણીને લઈને રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે પ્રજાનો મિજાજ જાણવા દિવ્યભાસ્કરની ટીમ શહેરનાં અલગ-અલગ વોર્ડમાં લોકો સાથે મુલાકાત કરી રહી છે. જે અંતર્ગત આજે દિવ્યભાસ્કર રાજકોટનાં વોર્ડ નં-2માં આવેલા રેસકોર્સ પાર્ક, એરપોર્ટ રોડ, ભોમેશ્વર ઉપરાંત બજરંગવાડી સહિતનાં વિસ્તારોમાં પહોંચી હતી. જેમાં લોકો સાથે વાત કરતા આ વિસ્તારના લોકોને પીવાના પાણી, સફાઈ અને ડ્રેનેજ સહિતની મુશ્કેલીઓ હોવાનું સામે આવ્યું હતું. આ વિસ્તારની શેરી-ગલીઓ ઉપરાંત જામનગર રોડને જોડતા મુખ્ય માર્ગ પર બાંધકામ વેસ્ટ સહિતનાં કચરાનાં ઢગલા જોવા મળ્યા હતાં. તો સાંઢીયા પુલનું કામ ચાલુ હોવાથી ફાટક બંધ થાય ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાનું નજરે પડ્યું હતું. ચારેય કોર્પોરેટરોનાં નામ તો લગભગ કોઈને પણ ખબર નથી અને ચૂંટણી આવે ત્યારે નેતાઓ મત માંગવા તો આવે છે, પછી સમસ્યા સાંભળવા પણ આવતા નથી. તેવું લોકોએ જણાવ્યું હતું. 'વોકળાનું પાણી લોકોના ઘરોમાં ઘૂસી જાય છે'
એરપોર્ટ ફાટક પાસે 30 વર્ષથી વેપાર કરતા હસમુખભાઈ સોરઠીયાએ દિવ્યભાસ્કરને જણાવ્યું કે, એરપોર્ટ ફાટક પાસે આવેલા વોકળાના પાણી ભરાઈ જવાની મુખ્ય સમસ્યા છે. ચોમાસા દરમિયાન વોકળાનું પાણી લોકોના ઘરોમાં ઘૂસી જાય છે, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. રોડ-રસ્તા અને સફાઈની કામગીરી સારી રીતે થાય છે, પરંતુ આ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી નિકાલ આવે તેવી અમારી માંગ છે. 'મત માંગવા તો બધા આવે છે, પછી પાંચ વર્ષ સુધી કોઈ દેખાતું નથી'
ભોમેશ્વમાં રહેતા સુનિતાબેન પરમાર નામના મહિલાએ જણાવ્યું કે, અહીંયા બહુ સમસ્યા છે, રોડ રસ્તાની. અહીંયા આટલો કચરો ભરેલો હોય, બધા ઘા કરી કરીને અહીંયા જ જાય. આપણે કોઈને કહીએ તો કોઈ માનતા નથી. કેટલી વાર અમે સાફ કરાવ્યા તોય અહીંયા આવીને કચરો નાખી જાય છે. ગટર માટે પણ કમ્પ્લેન કરેલી છે, તોય ગટર સાફ કરવા કોઈ આવતું નથી. અમે કોર્પોરેટરને ઓળખતા નથી. મત માંગવા તો બધા આવે છે, પણ પછી પાંચ વર્ષ સુધી કોઈ દેખાતું નથી. 'નળમાં પાણી ગંદુ અને ડહોળું આવે છે'
તેને વધુમાં કહ્યું કે, અહીં કાયમી આ સમસ્યા રહે છે. આ કુંડી છે જે 15 દિવસથી અમે કમ્પ્લેન કરી છે, પણ ખાલી જોઈને જતા રહે છે, કોઈ સાફ કરતું નથી. નળમાં પાણી તો આવે છે પણ તે ગંદુ અને ડહોળું આવે છે. ચોખ્ખું પાણી આવતું નથી. અમારી કોર્પોરેશન પાસે એટલી જ માંગ છે કે આ બધું ચોખ્ખું કરી દયો, ચોખ્ખું પાણી આપો અને ગટર સાફ કરાવો. અમે કમ્પ્લેન કરીએ તો તેનું નિરાકરણ લાવો, બસ બીજી કોઈ માંગ નથી. ઠેર-ઠેર ભરાયેલા પાણીના ખાડાઓને કારણે રોગચાળો
રાજકોટના બજરંગવાડી-12 વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અત્યંત ગંદુ અને પ્રદૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. હેતલબેન અને તેમના પતિ સહિત અનેક સ્થાનિકો આ દૂષિત પાણીના કારણે બીમારીનો ભોગ બન્યા છે. આ વિસ્તારમાં ઝાડા-ઉલટી ના 2 કેસ અને પેટના દુખાવાના અનેક કેસો નોંધાયા છે. આ ઉપરાંત, ઠેર-ઠેર ભરાયેલા પાણીના ખાડાઓને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.
ગંદા પાણીના કારણે લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું
આ અંગે સ્થાનિક રહીશ હેતલબેને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગંદા પાણીના કારણે વિસ્તારના લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે. અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કોર્પોરેટર આ ગંભીર સમસ્યાનું નિરાકરણ લાવવા કે લોકોની સ્થિતિ જાણવા માટે વિસ્તારની મુલાકાત લેવા આવ્યા નથી. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અમે કોર્પોરેટરોને ક્યારેય જોયા નથી. માત્ર મત લેવા માટે જ આવે છે, પછી કોઈ દેખાતું નથી. 'દરરોજ ગંદકી અને પાણીની ગંભીર સમસ્યા રહે છે'
મારુતિનગરમાં રહેતા શરદબેન ચાવડાએ દિવ્યભાસ્કર સમક્ષ આ વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ અંગે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં કાયમ માટે ગંદકી અને પાણીની ગંભીર સમસ્યા રહે છે. નળમાં માત્ર 10થી 15 મિનિટ જ પાણી આવે છે અને તે પણ ખૂબ જ ધીમા ફોર્સથી આવે છે. આટલા સમયમાં માત્ર 10થી 15 ડોલ જેટલું પાણી ભરાય છે, જે ઉનાળાની સિઝનમાં પૂરતું નથી. 'રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી'
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગંદકીના ઠેર-ઠેર ઢગલા જોવા મળે છે, જેના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. આ બાબતે નળ વિભાગ અને કોર્પોરેટરને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી. અમે નિયમિત વેરો ભરીએ છીએ અને ચૂંટણી સમયે મત આપવા પણ જઈએ છીએ, પરંતુ સુવિધાના નામે શૂન્ય છે. કોર્પોરેટર માત્ર ચૂંટણી સમયે દેખાય છે અને અત્યારે કોઈ જ પ્રતિસાદ આપતા નથી. 'અમારા વિસ્તારમાં સાફ-સફાઈ કરવા કોઈ આવતું નથી'
બજરંગવાડીમાં રહેતા દયાબેન નામનાં એક સ્થાનિક મહિલાએ દિવ્યભાસ્કર સમક્ષ જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં પીવાનું પાણી અત્યંત ડોળું અને ગંદુ આવી રહ્યું છે. ઘરમાં RO સિસ્ટમ ન હોવાથી પાણી ઉકાળીને પીવું પડે છે, તેમ છતાં લોકો માંદા પડી રહ્યા છે. ગંદા પાણીને કારણે ડાયેરિયા, પેટના દુખાવા જેવી બીમારી ફેલાઈ રહી હોવાની ફરિયાદો ઉઠી છે. સાફ-સફાઈ અંગે દયાબેનના જણાવ્યા મુજબ, અમારા વિસ્તારમાં કોઈ કર્મચારી નિયમિતપણે સાફ-સફાઈ કરવા આવતું નથી. જ્યારે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવે ત્યારે જ સફાઈ કામગીરી કરવામાં આવે છે, અન્યથા ગંદકીના ગંજ ખડકાયેલા રહે છે. 'રસ્તાઓ પર જ કચરો વાળીને જમા કરી દે છે'
રાજકોટના વોર્ડ નંબર 2માં રેસકોર્સ પાર્કમાં રહેતા કુંજલ જગડાએ વિસ્તારની વિવિધ સમસ્યાઓ અંગે પોતાનો રોષ ઠાલવ્યો હતો. દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, વિસ્તારમાં સફાઈ કામદારો બ્લોક પર સફાઈ કરવાને બદલે માત્ર રસ્તાઓ પર જ કચરો વાળીને જમા કરી દે છે. આ બાબતે કામદારોને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. ઘોંઘાટની સમસ્યા દૂર કરવા માગ
આ ઉપરાંત, તેમના વિસ્તારમાં ફેરિયાઓ દ્વારા સતત લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવતા હોવાથી રહીશો ઘોંઘાટની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કુંજલબેનના જણાવ્યા અનુસાર, ફેરિયાઓ સતત મોટા અવાજે લાઉડસ્પીકર ચાલુ રાખે છે, જે અટકાવવાની જરૂર છે. કોર્પોરેટરો માત્ર ચૂંટણી સમયે જ મત માંગવા માટે દેખાય છે, પરંતુ ત્યારબાદ વિસ્તારના પ્રશ્નો ઉકેલવા તો દૂર સાંભળવામાં કોઈ રસ દાખવતા નથી. 'એક નંબર પરથી બીજા નંબર પર ધક્કા ખવડાવે છે'
રાજકોટના વોર્ડ નં 2માં આવેલા સંજયનગર વિસ્તારના રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી પ્રદૂષિત પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ભાવનાબેને આક્ષેપ કર્યો હતો કે, ફરિયાદ કરવા માટે ફોન કરીએ ત્યારે એક નંબર પરથી બીજા નંબર પર ધક્કા ખવડાવવામાં આવે છે, પરંતુ સ્થળ પર આવીને કોઈ નિરાકરણ લાવતું નથી. અને ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ પણ જીત્યા બાદ દેખાતા નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રહેવાસીઓની માંગ છે કે વહેલી તકે શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવે. '12 દિવસથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે'
રાજકોટના જામનગર રોડ પર આવેલા સંજયનગરમાં ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ અંગે સ્થાનિક મહિલા હનીફાબેને પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, છેલ્લા 12 દિવસથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે, જેને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરની ગંદકી એટલી વધી ગઈ છે કે જાણે આખો હોકરો વહેતો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમે આ બાબતે તંત્રમાં અનેકવાર લેખિત અને મૌખિક ફરિયાદો કરી છે, છતાં કોઈ પરિણામ આવ્યું નથી. 'અમે અમારા વિસ્તારના કોર્પોરેટરને પણ ઓળખતા નથી'
તેને વધુમાં કહ્યું, અગાઉ કોંગ્રેસના કાર્યકરો પણ આવીને ફોટા પાડી ગયા હતા, પરંતુ આજદિન સુધી કોઈ સફાઈ કરવા આવ્યું નથી. ચૂંટણીના સમયે મત માંગવા આવતા નેતાઓ સામે પણ રોષ પ્રગટ કરતા તેમણે જણાવ્યું હતું કે, જ્યારે વોટ લેવાના હોય ત્યારે નેતાઓ ઘરે-ઘરે આવે છે, પણ જીતી ગયા પછી કોઈ વિસ્તારની દરકાર પણ લેતું નથી. અમે અમારા વિસ્તારના કોર્પોરેટરને પણ ઓળખતા નથી કારણ કે તેઓ ક્યારેય દેખાતા જ નથી. 'કચરો લેવા માટે ગાડી સમયસર આવતી નથી'
એરપોર્ટ રોડનાં વેપારી મનસુખ ચાવડાએ વિસ્તારની ગંદકી અને રોડ-રસ્તાની સમસ્યા અંગે રોષ વ્યક્ત કરતા દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં વોકળા ઉપર જે બોક્સ ગટર બનાવવામાં આવી છે તેમાં લોકો કચરો નાખી રહ્યા છે. કચરો લેવા માટે ગાડી સમયસર આવતી નથી, જેના કારણે લોકો મજબૂરીમાં બહાર કચરો નાખે છે. સફાઈ તો નિયમિત થાય છે પણ લોકો ગમે ત્યાં કચરો ફેંકી દેતા હોવાથી ગંદકી ફેલાય છે. 'જૂનો રોડ ખોદવાના બદલે તેની ઉપર જ નવા થર લગાવે છે'
વધુમાં તેમણે રોડ-રસ્તાની ખરાબ હાલત અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, જ્યા ખાડો હોય ત્યાં માત્ર પેચવર્ક કરીને રસ્તાઓને ઊંચા-નીચા કરી દેવામાં આવે છે. તેમણે માંગ કરી છે કે રોડ-રસ્તા સારા બનાવવામાં આવે અને કોર્પોરેશન દ્વારા આરોગ્ય ક્ષેત્રે પણ વધુ સારું કામ કરવામાં આવે. 'ગટરની ગંધવાળું પાણી આવે છે'
રાજીવનગર-1માં રહેતા નજમાબેને પાણીની સમસ્યા અંગે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, રાજીવનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. અહીં શરૂઆતની 10 મિનિટ સુધી ગટરની ગંધવાળું પાણી આવે છે અને ત્યારબાદ પાણી ખૂબ જ ધીમા ફોર્સથી આવે છે. જ્યારે પાણીનો ફોર્સ વધે ત્યારે પાણી જતું રહે છે. આ સમસ્યા અંગે અગાઉ એક અધિકારી આવીને પાણી ભરીને તપાસ કરી ગયા હતા, પરંતુ ત્યારબાદ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.આ વિસ્તારની મહિલાઓએ સત્વરે પાણીની સમસ્યા હલ થાય તેવી માંગ કરી છે. 'લોકો અહીં કચરો ફેંકી જાય છે, જેના કારણે ગંદકી ફેલાય છે'
ભોમેશ્વરનાં દિનેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 30થી 35 વર્ષથી આ વિસ્તારમાં રહે છે. તેમણે વિસ્તારની સ્વચ્છતા અંગે વાત કરતા કહ્યું કે, અહીં અઠવાડિયે કે મહિને સફાઈ કામદારો સફાઈ કરવા માટે આવે જ છે, પરંતુ ગટર ઉભરાવાની સમસ્યા વારંવાર સર્જાય છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, સફાઈ માટે દરરોજ જેસીબી મશીન આવે છે અને કચરો ઉપાડી જાય છે, પરંતુ વિસ્તાર ખુલ્લો હોવાને કારણે બહારથી આવતા લોકો અહીં કચરો ફેંકી જાય છે, જેના કારણે ગંદકી ફેલાય છે. જોકે, પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે અને ચૂંટણી સમયે નેતાઓ પણ મત માંગવા માટે અવારનવાર આવતા હોય છે. રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે- નયનાબા જાડેજા
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારમાં વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. નયનાબા જાડેજાએ વિસ્તારની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 2માં એવી એક પણ શેરી કે ગલી નથી જ્યાં સમસ્યાઓ ન હોય. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપના 4 કોર્પોરેટરો હોવા છતાં આ વિસ્તારમાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે અને શેરીઓમાં સ્ટ્રીટ લાઈટની પૂરતી વ્યવસ્થા નથી. શાસક પક્ષ જીત્યા બાદ ભ્રષ્ટાચારમાં મસ્ત થઈ જાય છે- નયનાબા જાડેજા
પીવાના પાણીના પ્રશ્ને નયનાબા જાડેજાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, લોકોને પીવા માટે અત્યંત ગંદુ, પીળું અને જીવાતવાળું પાણી મળી રહ્યું છે. વળી, પાણી આપવાનો સમય પણ માત્ર 10 મિનિટ જેટલો જ છે, જે અપૂરતો છે. આ ઉપરાંત ઠેર-ઠેર ગટરો ઉભરાવાની અને ગંદકીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે. સેપ્ટિક ટેન્કનું ગંદું પાણી નળમાં ભળી જવાની પણ ફરિયાદો
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે વોર્ડ નં 2 માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હંસાબેન ધમ્મરે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 2 માં અનેક ગંભીર સમસ્યાઓ છે, જેમાં ખાસ કરીને મહિલાઓ માટે પાણીનો પ્રશ્ન મુખ્ય છે. વિસ્તારમાં કાં તો પાણી ઓછું આવે છે અથવા તો તે ડહોળું આવે છે. ઘણી જગ્યાએ સેપ્ટિક ટેન્કનું ગંદું પાણી નળમાં ભળી જવાની પણ ફરિયાદો ઉઠી છે. આ બાબતે વારંવાર વોર્ડ ઓફિસે રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી. 'જનતા અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠી છે'
તેને વધુમાં કહ્યું કે, પાણી ઉપરાંત ગંદકીનો પ્રશ્ન પણ એટલો જ વિકટ છે. કચરાપેટીઓમાંથી સમયસર કચરો ઉપાડવામાં આવતો નથી, જેને કારણે ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં જીતશે, તો વોર્ડ નંબર 2 માં રસ્તા, ગટર, પાણી અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓનું નિરાકરણ લાવવામાં આવશે. મોંઘવારી અને પ્રાથમિક સુવિધાઓના અભાવે જનતા અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠી છે, ત્યારે 'આપ' દ્વારા આ તમામ પ્રશ્નોને અગ્રતા આપીને કામ કરવામાં આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. 'ગુજરાતમાં 40% કમિશન વાળી સરકાર ચાલી રહી છે'
વોર્ડ નં. 2ની ચૂંટણીમાં આપના ઉમેદવાર ચિંતન દવેએ જણાવ્યું કે, ગુજરાતમાં હાલ 40% કમિશન વાળી સરકાર ચાલી રહી છે અને પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે રાજકોટમાં એરપોર્ટ રોડ છેલ્લા 10 વર્ષમાં 8 વાર બનાવવામાં આવ્યો છે, જ્યારે શહેરના આંતરિક રસ્તાઓ હજુ પણ બિસ્માર હાલતમાં છે. 'પાણીમાં જીવજંતુઓ જોવા મળે છે'
ચિંતન દવેએ જણાવ્યું હતું કે, હાલમાં વોર્ડમાં પીવાના પાણીની મુખ્ય સમસ્યા છે. નવી પાઈપલાઈનના કામ બાદ હવે પાણી માત્ર 14થી 20 મિનિટ જ મળે છે. મહાનગરપાલિકાના પાણીના ટાંકાઓ લાંબા સમયથી સાફ કરવામાં આવ્યા નથી, જેના કારણે પાણીમાં જીવજંતુઓ જોવા મળે છે અને લોકોએ ફરજિયાત આરો પ્લાન્ટ લગાવવા પડે છે. જો આમ આદમી પાર્ટી સત્તા પર આવશે, તો લોકોને એટલું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવશે કે કોઈએ ઘરમાં RO રાખવાની જરૂર નહીં પડે. આ ઉપરાંત તેમણે મારુતિનગર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા, ખુલ્લી ગટરો અને ગંદકીના પ્રશ્નો ઉઠાવ્યા હતા. વોર્ડના છોટુનગર અને એરપોર્ટ ક્રોસિંગ જેવા વિસ્તારોમાં સફાઈના અભાવ અંગે તેમણે કહ્યું હતું કે કોર્પોરેશન દ્વારા નિયમિત કચરો ઉપાડવામાં આવતો નથી. જો કોર્પોરેશન પોતે જાગૃત બની સફાઈ કરશે, તો જનતામાં પણ જાગૃતિ આવશે. 'આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગંભીર સમસ્યા નથી'
વોર્ડ નંબર 2માં બજરંગવાડી વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી વ્યવસાય કરતા હસમુખભાઈ વાડોલિયાએ વિસ્તારની સ્થિતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગંભીર સમસ્યા નથી. ખાસ કરીને ભાજપના કાર્યકરો અને કોર્પોરેટરો દ્વારા પાણી અને સફાઈ જેવી પાયાની સુવિધાઓનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં આવે છે. વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીની પણ નિયમિત સમયે સફાઈ કરવામાં આવે છે. કોમ્યુનિટી હોલની જરૂરિયાત હોવાની માંગ વ્યક્ત કરી
હસમુખભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, વિસ્તારના કોર્પોરેટરો મનિષ રાડીયા અને મીનાબા જાડેજા સતત લોકોના સંપર્કમાં રહે છે અને જ્યારે પણ કોઈ પ્રશ્ન હોય ત્યારે ટેલિફોનિક અથવા રૂબરૂ મુલાકાત દ્વારા તેનું ત્વરિત નિરાકરણ લાવે છે. વિસ્તારના વિકાસ અને સામાજિક સુવિધા માટે તેમણે કોર્પોરેશન પાસે એક કોમ્યુનિટી હોલની જરૂરિયાત હોવાની માંગ વ્યક્ત કરી હતી. હાઈકમાન્ડને પૂછયા બાદ બાઈટ આપવાનું દર્શિતાબેને કહ્યું
રાજકોટનાં વોર્ડ નં-2માં છેલ્લા 5 વર્ષ દરમિયાન થયેલા કામો અંગે પૂછપરછ કરવા દિવ્યભાસ્કર દ્વારા ધારાસભ્ય અને પૂર્વ કોર્પોરેટર દર્શિતાબેન શાહનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે પ્રથમ તેઓએ હાઈકમાન્ડને પૂછયા બાદ બાઈટ આપવાનું કહ્યું હતું. બાદમાં મારે આ અંગે કાંઈ કહેવું નથી એમ કહીને વાત ટાળી દીધી હતી. અન્ય બે પૂર્વ કોર્પોરેટરો પૂર્વ સ્ટે. ચેરમેન જયમીન ઠાકર અને પૂર્વ દંડક મનીષ રાડીયાએ બહારગામ હોવાનું જણાવ્યું હતું. જ્યારે મીનાબાનો સંપર્ક થઈ શક્યો નહોતો. આમ પ્રજાએ જેને ખોબલે - ખોબલે મત આપ્યા હતાં. તેવા આ નગરસેવકો પાંચ વર્ષમાં શુ કર્યું તેનો હિસાબ આપી શક્યા નહોતા.
Read Original Article →