Live Updates
'અમે પાકિસ્તાનમાં રહેતા હોય એવું છે ભાઈ':'25 વર્ષ જૂના ક્વાર્ટર જર્જરિત છે, અમારા કોઈનો જીવ જશે', રસ્તાના ખોદકામ અને પાણીની સમસ્યા મુદ્દે વોર્ડ-13ના રહીશોએ હૈયાવરાળ ઠાલવી
"અમે પાકિસ્તાનમાં રહેતા હોય તેવું છે ભાઈ" આ શબ્દો છે રાજકોટના વોર્ડ નંબર 13ના ખોડીયારનગરના સ્થાનિક મહિલાના. જ્યાં 25 વર્ષથી ભાજપના શાસનમાં રસ્તો જ બન્યો ન હોવાનું સ્થાનિકોનું કહેવું છે. પીવાનું પાણી બે દિવસે એક જ વખત આવે છે. આરોગ્ય કેન્દ્ર ક્યાંય નથી અને સ્કૂલ તેમજ આંગણવાડી ખૂબ દૂર છે. ગોકુલધામ આવાસ યોજનાના આવાસ જર્જરિત હોવાથી લોકો જીવના જોખમે જીવી રહ્યા છે. આંગણવાડી પાસે જ કચરો, ભારે ગંદકી અને દૂષિત પાણીની સમસ્યા છે. જ્યારે ચંદ્રેશનગર અને મવડી શાક માર્કેટમાં વેપારીઓ માટે પીવાનું પાણી અને શૌચાલય સહિતની સુવિધા નથી. તમામ સમસ્યાઓ વોર્ડ-13ના સ્થાનિકોની છે, જેમણે ભાસ્કરની ટીમે આગામી મનપાની ચૂંટણીને લઈ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો તેમાં સંભળાવી હતી. 'પીવાના પાણીની પૂરતી સુવિધા નથી મળતી'
આ વોર્ડના સ્થાનિક આશાબા પરમારે જણાવ્યું હતું કે, અહીં રોડનું ખોદકામ કર્યું હોવાથી પાઈપલાઇન તૂટી ગઈ છે. જેને કારણે પીવાના પાણીની પૂરતી સુવિધા પણ મળતી નથી. અહીં ગટરના પાણીનો નિકાલ થતો નથી. જેને કારણે રસ્તા ઉપર પાણીના ખાડા ભરાઈ જાય છે. નજીકમાં આરોગ્ય કેન્દ્ર ન હોવાથી પણ ખૂબ જ તકલીફ પડે છે જેથી આ વખતે કોર્પોરેશનની ચૂંટણીમાં કોઈને મત આપવાનો થતો નથી. 'રસ્તા ઘણા સમયથી ખોદીને રાખ્યા છે'
ખોડિયારનગર વિસ્તારમાં રહેતા નીતાબેન ભટ્ટીએ જણાવ્યુ હતુ કે, દિવ્યાંગ છું તો ખૂબ જ તકલીફ પડે છે. પીવાનું પાણી દરરોજ આવતું નથી. શેરીના રસ્તા ઘણા સમયથી ખોદેલા છે. ઘરની બહાર શાકભાજી લેવા નીકળું તો પણ પડી જાઉં તેવી પરિસ્થિતિ છે. 'આવાસ 25 વર્ષ જૂના અને જર્જરિત'
જ્યારે સોનલબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, RMCના ક્વાર્ટરમાં રહીએ છીએ. અહીં ડ્રેનેજની પાઇપલાઇન તૂટેલી હોવાથી સતત ગંદુ પાણી ખૂલ્લામાં વહેતું રહે છે. આંગણવાડી પાસે જ લોકો કચરો ફેંકી જાય છે અને તેની કોઈ સફાઈ કરતું નથી. આવાસ 25 વર્ષ જૂના અને જર્જરિત છે. કોઈક દિવસ આ બિલ્ડીંગ પડશે તો અમારામાંથી કોઈનો જીવ જશે. 'ફરિયાદ કરી તો જવાબ મળ્યો પાણી તો આવું જ આવશે'
સ્થાનિક ઉષાબેને જણાવ્યું હતુ કે, મત લેવો હોય ત્યારે બધા આવે છે અને પછી ગરીબ માણસો સામે કોઈ જોતા નથી. દૂષિત પાણી બાબતે ફરિયાદ કરી તો જવાબ મળ્યો કે પાણી તો આવું જ આવશે હવે શું કરી લેવાનું?. હવે ચૂંટણી આવી રહી છે ત્યારે અમારું કામ કરે તેને મત આપીશું. શાકમાર્કેટની યોગ્ય સુવિધા મળે તો સારું
જ્યારે ચંદ્રનગર શાકમાર્કેટમાં રેકડી ધરાવતા પ્રવીણ બોરીચાએ જણાવ્યું હતુ કે, અહીં ચંદ્રેશનગર વોકર્સ ઝોનમાં 10 વર્ષથી રેકડી રાખી શાકભાજીનું વેચાણ કરીએ છીએ અને અહીં 300 નાના વેપારીઓની રેકડી છે. અહીં શૌચાલયની સુવિધા નથી. ચોમાસામાં કીચડ થઈ જાય છે. જેથી અહીં બ્લોક નાખી દે તો સારું. આ ઉપરાંત અહીં શેડ બનાવી આપવામાં આવે તેવી અમારી માંગણી છે. આ બાબતે કોર્પોરેશનમાં રજૂઆત પણ કરેલી છે. અમે દર મહિને રૂ.1000 રુપિયા આપીએ છીએ પરંતુ અહીં કોઈ જ સુવિધા નથી. 'અમે પાકિસ્તાનમાં રહેતા હોય એવું છે ભાઈ'
ખોડિયારનગરના સ્થાનિક ભાવનાબેન ચૌહાણે જણાવ્યું હતું કે, પાણી અને રોડની સમસ્યા છે. કોઈ જવાબ દેતા નથી. કઈ કઈ ને થાકી ગયા પરંતુ આ લોકો નાક અને કાન વગરના નકટા છે. થોડા સમય પહેલા શેરીમાં કપચી અને મોરમ નાખી ગયા છે. જેથી અમારા છોકરાઓ અને બહેનો હેરાન થાય છે. કોર્પોરેટરો દેખાતા જ નથી મતદાન આવશે એટલે દોડીને આવશે. અહીં વિકાસ જ થયો નથી અને જો વિકાસ થયો હોય તો અમારી આવી હાલત હોય ?.'અમે પાકિસ્તાનમાં રહેતા હોય હોય એવું છે ભાઈ.આખી શેરીએ કોઈને મત જ આપવો જ નથી. મત શું આપે?. 'પ્રચારમાં લોકો કહે છે તમારે આવવાની જરૂર જ નથી'
વોર્ડ નંબર 13માં ભાજપમાંથી પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા યુવાન મોહિતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હાલ પ્રચારમાં જઈએ છીએ ત્યારે લોકો કહે છે કે તમારે આવવાની જરૂર નથી. ચાર કમળને મત આપવાની જવાબદારી લોકોએ ઉઠાવી લીધી છે. તેમણે જણાવ્યું કે, આગામી 5 વર્ષમાં રસ્તાના કામોની સાથે યુવાનોને રોજગારી કઈ રીતે મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. મોહિતસિંહે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેક ઈન ઈન્ડિયા અને મેઇડ ઇન ઈન્ડિયાનો નારો સાર્થક બનાવવામાં આવશે અને છેવાડાના લોકોના પ્રશ્નો દૂર કરવામાં આવશે. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રમાં બાળકો નાનપણથી સ્કિલફુલ બને તે માટેનું અભિયાન ચલાવવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય ક્ષેત્ર આયુષ્માન કાર્ડ ધારકોને રૂ.10 લાખ સુધીની કેન્દ્ર સરકારની ફ્રી સારવાર લોકો સુધી પહોંચાડવામાં આવશે તેમજ રાજકોટની AAIMS નો લાભ આ વોર્ડના દર્દીઓ મેળવી શકે તેવા પ્રયત્નો કરવામાં આવશે. 'લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે'
જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજયસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ વોર્ડમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે. શાકમાર્કેટના નિર્માણનો પ્રશ્ન છેલ્લા 20 વર્ષથી લટકતો છે. આ ઉપરાંત મવડી રોડ શાક માર્કેટમાં પણ અગવડતા છે. બાળકો માટેના સારા ગાર્ડન નથી. અહીં સરકારી સ્કૂલો છે પરંતુ ત્યાં બાળકોના ભણતર માટેની કોઈ સારી વ્યવસ્થા નથી. આ ઉપરાંત આંબેડકરનગર અને ખોડીયારનગરમાં છેલ્લા 30 વર્ષમાં એક પણ વખત રોડ બન્યો નથી. તેમણે જણાવ્યું કે, લોકો હવે પરિવર્તન ઈચ્છે છે. છેલ્લા 25 વર્ષથી ભાજપના શાસનથી લોકો કંટાળી ગયા છે. ભાજપ સરકારી મશીનરીનો દુરુપયોગ કરે છે.
Read Original Article →